ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 'નો બેગ દિવસ' માર્ગદર્શિકા, 10 દિવસ આ શીખવાડશે

PC: zeenews.india.com

શિક્ષણ મંત્રાલયે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 'નો બેગ દિવસો' લાગુ કરવા અને શાળાઓમાં શિક્ષણને વધુ આનંદદાયક, પ્રાયોગિક અને તણાવમુક્ત બનાવવા માર્ગદર્શિકા બહાર પાડી છે.

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ ટ્રેનિંગ (NCERT)ની એક યુનિટ, પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન દ્વારા વિકસિત, આ માર્ગદર્શિકા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP), 2020ની ચોથી વર્ષગાંઠ પર બહાર પાડવામાં આવી હતી. NEP, 2020એ ભલામણ કરી હતી કે, ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ 10 દિવસના બેગલેસ ભણતરમાં ભાગ લેશે.

'નો બેગ ડે એજ્યુકેશન'ના દસ દિવસનો અર્થ એ છે કે, તેમને ભણવાની અને શીખવાની પ્રક્રિયાનો એક આવશ્યક ભાગ બનાવવો અને ધોરણ 6 થી 8 સુધીના શિક્ષણની વર્તમાન રીતમાં વધારાના કાર્ય તરીકે નહીં. આનાથી ન માત્ર પુસ્તકો વાંચવાનું અને તેનો ઉપયોગ કરવા વચ્ચેનું અંતર ઘટશે, પરંતુ બાળકોને કાર્યક્ષેત્રમાં જરૂરી કૌશલ્ય પણ મળશે, જે તેમને તેમની ભાવિ કારકિર્દી વિશે નિર્ણય લેવામાં મદદ કરશે.

ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ એક મનોરંજક કોર્સ કરવાનો રહેશે, જેમાં તેમને સુથારકામ, ઈલેક્ટ્રીકલ વર્ક, મેટલ વર્ક, બાગકામ, માટીના વાસણ બનાવવા વગેરે જેવા અગત્યના વ્યવસાયિક કાર્યોના નમૂનાઓ આપવામાં આવશે અને તેમાં અનુભવ કરાવવામાં આવશે. આમાંથી રાજ્ય અને સ્થાનિક સમુદાયો દ્વારા કામની પસંદગી કરવામાં આવશે અને તે સ્થાનિક કૌશલ્ય જરૂરિયાતો પર આધારિત હશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓ 6-8 ધોરણ દરમિયાન 10-દિવસના બેગલેસ સમયગાળામાં ભાગ લેશે, જે દરમિયાન તેઓ સ્થાનિક વ્યાવસાયિક નિષ્ણાતો જેમ કે સુથાર, માળી, કુંભાર વગેરે સાથે તાલીમ લેશે.

બેગ વગરના દસ દિવસોની પ્રવૃત્તિઓ વર્ષના કોઈપણ સમયે સુનિશ્ચિત કરી શકાય છે, પરંતુ તે બે કે ત્રણ વખત રાખવા શ્રેષ્ઠ રહેશે. વર્ષ માટે કાર્યનું આયોજન કરતી વખતે તમામ વિષયોના શિક્ષકોને સામેલ કરી શકાય છે. જો જરૂરી હોય તો, એક જ દિવસમાં ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ કરી શકાય છે.

NCERT માર્ગદર્શિકામાં શાકભાજી બજારની મુલાકાત અને સર્વેક્ષણ, ચેરિટી કાર્ય, પાળતુ પ્રાણીની સંભાળ પર સર્વેક્ષણ અને અહેવાલ લેખન, ડૂડલિંગ, પતંગ બનાવવી અને ઉડાડવી, પુસ્તક મેળાનું આયોજન, વટવૃક્ષ નીચે બેસવું, અને બાયોગેસ પ્લાન્ટ અને સૌર ઉર્જા પાર્કની મુલાકાત લેવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp