મદરેસાઓનું ભંડોળ બંધ કરવું જોઈએ, પાકિસ્તાની પુસ્તકો ભણાવાય છે; NCPCR રિપોર્ટ

PC: twitter.com

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદરેસા બોર્ડ બંધ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત રાજ્ય દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતા ફંડને રોકવાનું પણ કહેવામાં આવ્યું છે. પંચનું કહેવું છે કે, મદરેસામાં ભણતા બાળકોને ઔપચારિક શાળાઓમાં પ્રવેશ આપવો જોઈએ. NCPCRના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રિયાંક કાનુન્ગોએ કમિશનનો એક રિપોર્ટ પણ રજૂ કર્યો છે. રિપોર્ટનું શીર્ષક છે, 'શ્રદ્ધાના રક્ષકો અથવા અધિકારોના દમન કરનારા: બાળકોના અધિકારો વિરુદ્ધ મદરસા'. આ અહેવાલને ધ્યાનમાં રાખીને કાનુન્ગોએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને ફ્રીઝ કરીને મદરેસા બોર્ડને બંધ કરવાની ભલામણ કરી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, NCPCRના અધ્યક્ષ પ્રિયાંક કાનુન્ગોના 11 ઓક્ટોબરના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'તમામ બિન-મુસ્લિમ બાળકોને RTE એક્ટ, 2009 મુજબ મૂળભૂત શિક્ષણ મેળવવા માટે મદરેસાઓમાંથી કાઢી સ્કૂલોમાં દાખલ કરો, સાથે જ મુસ્લિમ સમુદાયના બાળકો કે જેઓ મદરેસાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, પછી ભલે તે માન્ય હોય કે માન્યતા પ્રાપ્ત ન હોય, તેમને ઔપચારિક શાળાઓમાં પ્રવેશ આપવો જોઈએ.'

કાનૂનગોના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, RTE એક્ટનો ઉદ્દેશ્ય બાળકોને સમાન શિક્ષણની તક આપવાનો છે. પરંતુ મદરેસાઓની હાલતને કારણે બાળકોના મૂળભૂત અધિકારો અને લઘુમતી સમુદાયોના અધિકારો વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, ધાર્મિક સંસ્થાઓને RTE એક્ટમાંથી મુક્તિ મળવાને કારણે ઘણા બાળકો ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાંથી બહાર રહી ગયા છે, જેના કારણે તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માત્ર મદરેસા બોર્ડની રચના અથવા UDISE કોડ મેળવવાથી એ સુનિશ્ચિત થતું નથી કે મદરેસાઓ RTE કાયદાની શરતોનું પાલન કરી રહ્યાં છે.

કમિશનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મદરેસાઓ બાળકોના શૈક્ષણિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મદરેસામાં અભ્યાસક્રમ RTE કાયદા મુજબ નથી. વાંધાજનક સામગ્રીની હાજરી મદરેસાના દીનીઆત અભ્યાસક્રમની પુસ્તકોમાં છે. આ ઉપરાંત મદરેસાઓમાં આવા પાઠ ભણાવવામાં આવે છે જેમાં ઇસ્લામની સર્વોપરિતા શીખવવામાં આવે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, બિહાર મદરેસા બોર્ડ તે પુસ્તકો શીખવે છે, જે પાકિસ્તાનમાં પ્રકાશિત થાય છે.

રિપોર્ટ અનુસાર, NCPCRની રાજ્ય અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મદરેસાઓમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા નિર્ધારિત પ્રશિક્ષિત અને લાયક શિક્ષકોની અછત છે. મદરેસામાં શિક્ષકો મોટાભાગે કુરાન અને અન્ય ધાર્મિક ગ્રંથો શીખવા માટે ઉપયોગમાં લેવાતી પરંપરાગત પદ્ધતિઓ પર મોટા ભાગે આધાર રાખે છે. આવી સ્થિતિમાં મદરેસાઓના બાળકોને અયોગ્ય શિક્ષકોના હાથમાં છોડી દેવામાં આવે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મદરેસાઓ ઇસ્લામિક શિક્ષણ આપે છે અને તે ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતને અનુસરતા નથી. નિયમિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ અને અધિકારોથી મદરેસા બાળકોને વંચિત રાખે છે. જેમ કે યુનિફોર્મ, પુસ્તકો અને મધ્યાહન ભોજન. ઔપચારિક શિક્ષણ આપતી શાળાઓએ RTE કાયદા દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં, મદરેસાઓ માટે આવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી, તેમની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતાનો અભાવ છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, મદરેસા બોર્ડ બિન-મુસ્લિમો અને હિન્દુઓને ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ અને સૂચનાઓ પ્રદાન કરે છે, જે ભારતના બંધારણની કલમ 28 (3)નું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારોએ હિંદુ અને બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

NCPCRએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, મદરેસાઓ પ્રમાણભૂત અભ્યાસક્રમ વિના કામ કરવાની મનસ્વી રીત ધરાવે છે. તમામ બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી બહાર કાઢીને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, મદરેસાઓમાં અભ્યાસ કરતા તમામ મુસ્લિમ બાળકો ઔપચારિક શાળાઓમાં દાખલ થાય. અને મદરેસા અને મદરેસા બોર્ડને મળતું સરકારી ફંડ બંધ કરી આ બોર્ડ બંધ કરી દેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp