ગુજરાતમાં શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટની પરીક્ષા જૂનના અંતિમ સપ્તાહમાં લેવાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જોકે ઘણાં લાંબા સમયથી નહીં લેવામાં આવેલી ટેટની પરીક્ષાના કારણે બી.એડ. થયેલા ઉમેદવારો ટેટની પરીક્ષામાં ઉંમરમાંથી બહાર આવી ગયા છે, ત્યારે બી.એડ. થયેલા વિદ્યાર્થીઓની બેરોજગારોની ફોજ લાંબા સમયથી રાહ જોઈ રહી છે. તો બીજી તરફ કોર્ટ મેટરના કારણે આ પરીક્ષા વિલંબિત થઈ હતી. ત્યારે હવે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 9થી 12ના શિક્ષકો માટેની આ ટેટ પરીક્ષા લેવાનો નિર્ણય સરકારે કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઘોર બેદરકારીથી લાંબા સમયથી લટકી પડેલી ધોરણ 9થી 12ના શિક્ષકો બનવા માટેની ટેટની પરીક્ષા જૂન 2018 ના અંતિમ સપ્તાહમાં લેવામાં આવશે. આ સમગ્ર સ્પર્ધાત્મક પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે જો કે છેલ્લે વર્ષ 2014મા આ પરીક્ષા લેવામાં આવી હતી.
રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના શિક્ષકોની મોટી ઘટ છે. તો બીજી તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા પદ્ધતિ ની જવાબદારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંભાળતુ હતું. પરંતુ બોર્ડની આળસુ નીતિ અને બેદરકારીના લીધે છેલ્લા ચાર વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે કોઈ પરીક્ષા જ લેવામાં આવી નથી. હકીકતમાં ભારત સરકારના નિયમ પ્રમાણે પરીક્ષા એક વર્ષમાં બે વાર લેવાવી જોઈએ. પરંતુ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં માત્ર બે જ વાર આ પરીક્ષા લેવામાં આવી છે.
સરકારી શાળામાં શિક્ષક બનવા ઇચ્છુક લાયકાત ધરાવતા યુવાનો તંત્રની આ પરીક્ષા ન દેવાની નીતિ સામે નાસીપાસ થઈ જાય છે અને બી.એ.ની ડિગ્રી લઈને લાંબા સમયથી લાખો યુવાનો રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ બી.એડ. ડિગ્રી ધરાવતા હજારો યુવાનો ની પરીક્ષા માટેની ઉંમર પણ ખતમ થઈ ગઈ છે. એટલે કે ટાટની પરીક્ષા ની લાયકાત માંથી બહાર આવી ગયા છે. જેના કારણે સરકારી શિક્ષક બનવાનું તેમનું સપનું આજે રોળાઈ ગયું છે. તો બીજી તરફ છેલ્લા બે વર્ષથી સંવર્ગના શિક્ષકોની ભરતીમાં વિષય તથા લાયકાત બાબતે વિસંગતતા ઊભી થતાં કેટલીક બાબતોમાં કોર્ટ મેટર પણ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની આળસુ નીતિ ને લઈને 2017 ફેબ્રુઆરીમાં ટેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12ના શિક્ષકો માટેની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડ સોંપવામાં આવી હતી, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ ને સોંપવામાં આવેલી આ જવાબદારી બાદ કોઈપણ લાયક ઉમેદવાર પરીક્ષા કે ભરતીથી વંચિત ન રહે તે માટે નિયમોમાં સુધારાની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. આથી હવે જરૂરી ફેરફાર બાદ જૂનના અંત સુધીમાં ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12 ના શિક્ષકોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp