કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીને 'સ્ટડી પરમિટ બતાવો' કહેવામાં આવ્યું, શા માટે?

PC: bhaskar.com

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને કેનેડાની સરકાર તરફથી એક E-mail મળ્યો છે, જેમાં તેમને તેઓના મહત્વપૂર્ણ દસ્તાવેજો ફરીથી સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં સ્ટડી પરમિટ, વિઝા અને ભારતીય વિદ્યાર્થીઓના એજ્યુકેશન રેકોર્ડ જેવા કે માર્ક્સ અને હાજરીનો સમાવેશ થાય છે. આ E-mail ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. E-mail મળ્યા પછી વિદ્યાર્થીઓની ગભરાટ વધી ગઈ છે.

કેનેડાએ હાલમાં જ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી ભંડોળની મર્યાદા વધારવામાં આવી છે અને તેમની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. હૈદરાબાદના અવિનાશ કોશિક સરેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. તેણે કહ્યું, 'મને E-mail મળ્યો ત્યારે હું ચોંકી ગયો. મારા વિઝા 2026 સુધી માન્ય છે, તેમ છતાં મને તમામ દસ્તાવેજો ફરીથી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓએ હાજરી, માર્કસ, પાર્ટ ટાઈમ જોબની માહિતી સહિતની તમામ વિગતો માંગી છે.'

ગયા અઠવાડિયે પંજાબના વિદ્યાર્થીઓને પણ આવા જ E-mail મળ્યા હતા. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓને IRCC ઓફિસમાં જઈને તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. હૈદરાબાદના એક વિદ્યાર્થી અવિનાશ દાસારીએ જણાવ્યું હતું કે, 'ઘણા વિદ્યાર્થીઓ પરેશાન અને ચિંતિત છે. કેટલાકને લાગે છે કે, આનાથી નોકરી માટે અરજી કરવામાં વિલંબ થઈ શકે છે અથવા તો તેનો અસ્વીકાર પણ થઈ શકે છે. અમે પહેલેથી જ અભ્યાસ કરવા અને નોકરી મેળવવા માટે ઓછી સંભાવનાઓનો સામનો કરવાના દબાણ હેઠળ છીએ, અને ઉપરથી આ વધારે ટેન્શન આપી રહ્યું છે.'

જ્યારે, નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને દસ્તાવેજો સબમિટ કરવામાં કોઈ વિલંબ ન કરવાની સલાહ આપી છે, જેથી સમસ્યાઓનો સામનો કરવાથી બચી શકાય. ટોરોન્ટો સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ મહેબૂબ રાજવાણીએ જણાવ્યું હતું કે, 'આ પગલું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવાની કેનેડાની વ્યૂહરચનાનો એક ભાગ હોવાનું જણાય છે.'

તેમણે વધુમાં કહ્યું, 'આ નવા નિયમો અને ભંડોળની આવશ્યકતાઓ પરથી સ્પષ્ટ થાય છે, આ પગલું ખરેખર ભણતા વિદ્યાર્થીઓને ઓળખવા માટે હોઈ શકે છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તેમના ‘ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશન’ (DLI)ને બદલી નાખે છે અને કોઈ એવી કોલેજમાં ટ્રાન્સફર કરાવી લે છે કે જ્યાં તેમને હાજરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે, આનાથી તેઓ કેનેડામાં કામ કરી શકે છે.'

રાજવાણીએ કહ્યું, 'જો વિદ્યાર્થીઓ સમયસર આ સૂચનાઓનું પાલન નહીં કરે, તો તેમના વિઝા રદ થઈ શકે છે અથવા તેઓને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે વિદ્યાર્થીઓને શાંત રહેવાની અને E-mailમાં આપવામાં આવેલી સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવાની સલાહ આપીએ છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp