ડૉક્ટર બનવા ફેક લઘુમતી સર્ટિ બનાવ્યા, 20 વિદ્યાર્થીઓ એડમિશન માટે બૌદ્ધ બની ગયા
ઉત્તર પ્રદેશના મેરઠ સ્થિત સુભારતી યુનિવર્સિટીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં 20 વિદ્યાર્થીઓએ બૌદ્ધ ધર્મના નકલી પ્રમાણપત્રો બનાવીને લઘુમતી ક્વોટામાંથી MBBSમાં એડમિશન લીધું છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી રાજ્યભરની તમામ લઘુમતી મેડિકલ કોલેજોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ ચેક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હકીકતમાં, ઉત્તર પ્રદેશમાં લઘુમતી મેડિકલ કોલેજોમાં લઘુમતી ક્વોટા હેઠળ બેઠકો અનામત છે. મેરઠની સુભારતી યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગના પ્રથમ તબક્કામાં લઘુમતી ક્વોટા હેઠળ 22 બેઠકો હતી. જેમાંથી વિદ્યાર્થીઓએ બૌદ્ધ ધર્મના નકલી પ્રમાણપત્રો બનાવીને 20 બેઠકો પર પ્રવેશ લીધો હતો. આ બાબત મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવતાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
મેરઠમાં બનેલી આ ઘટના પછી રાજ્યની તમામ લઘુમતી મેડિકલ કોલેજોમાં કાઉન્સેલિંગના પ્રથમ તબક્કામાં એડમિશનની તપાસ શરૂ કરવામાં આવી છે. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ કિંજલ સિંહનું કહેવું છે કે, તપાસ કર્યા પછી જે ઉમેદવારોના સર્ટિફિકેટ બનાવટી જણાશે તેમના એડમિશન રદ કરવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા પછી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કિસ્સો ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને ઉજાગર કરે છે.
DGMEએ નકલી લઘુમતી પ્રમાણપત્ર દ્વારા પ્રવેશના મામલાની માહિતી ગૃહ વિભાગ અને લઘુમતી વિભાગને પણ મોકલી છે. બનાવટી સર્ટિફિકેટ મામલે અલગથી તપાસની માંગ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, જો સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તો ઘણા અધિકારીઓ મુશ્કેલીમાં મુકાય તે નિશ્ચિત છે, કારણ કે એડમિશનમાં ગેરરીતિ આચરવામાં આવી છે, એટલું જ નહીં પ્રમાણપત્ર આપવામાં પણ અધિકારીઓની મિલીભગત છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં પાંચ નવી મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમજ કાનપુર દેહાત અને લલિતપુરની મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા 50થી વધારીને 100 કરવામાં આવી છે. જેના કારણે MBBSની 600 નવી બેઠકો બનાવવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2024-25 માટે રાજ્યમાં નવી MBBS બેઠકોની કુલ સંખ્યા હવે વધીને 11,200 થઈ ગઈ છે. તેમાંથી 5,150 બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં અને 6,050 બેઠકો ખાનગી મેડિકલ કોલેજોમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp