ગુજરાતના આ શહેરની 400 શાળામાં નહીં અપાય નવરાત્રી વેકેશન
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન શાળાઓમાં વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે સરકારના નિર્ણયના વિરોધમાં ખાનગી શાળાના સંચાલકો આવ્યા છે. સુરતની અલગ અલગ શાળાના સંચાલકો દ્વારા સરકારને શાળામાં નવરાત્રી વેકેશન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવશે. જો કે આ અગાઉ પણ અમદાવાદ અને વડોદરામાં ઇંગ્લીશ મીડિયમ શાળાના સંચાલકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નવરાત્રીમાં શાળામાં વેકેશન નહીં રાખવા અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે શાળાઓમાં નવરાત્રી વેકેશનની વાત કરવામાં આવી હતી. ત્યારે સૌ પ્રથમ સુરતની ખાનગી શાળાઓ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેકેશન ન રાખવા માટે યોગ્ય દલીલો પણ સરકાર સામે સુરતની શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શાળાના સંચાલકોની વાતનો અસ્વીકાર કરીને સરકાર દ્વારા ખાનગીઓ શાળાઓમાં વેકેશન જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
આ બાબતે સુરતની ખાનગી શાળાના સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ સવજીભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરતમાં શાળાના નવરાત્રી વેકેશન ન આપવાના મુખ્ય બે પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે, સેમેસ્ટર સીસ્ટમ હોવાના કારણે આ વેકેશનની અસર બાળકોના અભ્યાસ પર પડે છે. બાળકોના હિતને ધ્યાનમાં લઈ સરકાર આ બાબતે વિચારણા કરે એ બાબતે સરકાર સામે અમારી પહેલાથી જ રજૂઆત રહી છે. અમારી બીજી વાત એ છે કે, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોઈ પણ શિક્ષક કે આચાર્ય મંડળ સાથે સરકારે વિચારણા કરી નથી. મહત્ત્વની વાત તો એ કહી શકાય કે, 10 તારીખથી 19 તારીખ સુધી નવરાત્રી વેકશન છે અને 20 તારીખે બાળકોને સીધું પરીક્ષા આપવા માટે શાળાએ આવવાનું છે. બાળક શાળામાં 9 દિવસ અભ્યાસથી વંચિત રહે અને પછી સીધી પરીક્ષા આપવા માટે આવે તો બાળકનું પરિણામ નબળું આવી શકે છે. નબળું પરિણામ આવવાના કારણે બાળકના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp