સરકારી શાળા માટે કેન્દ્રની યોજના પર વિપક્ષને વાંધો..કેન્દ્રે રાજ્યોના ફંડ રોક્યા

PC: ibc24.in

કેન્દ્ર સરકારે પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળને મળતું ફંડ બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારે 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ આ ત્રણ રાજ્યોને ફંડ આપવાનું બંધ કરી દીધું છે. કારણ કે, આ રાજ્યોએ કેન્દ્ર સરકારની PM-SHRI એટલે કે PM-School for Rising સ્કીમમાં જોડાવાનો ઇનકાર કર્યો છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે રાજ્યો PM-SHRI યોજનામાં સામેલ નહીં થાય તેમને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ફંડ આપવામાં આવશે નહીં.

PM-SHRI યોજના સપ્ટેમ્બર 2022માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશભરની સરકારી શાળાઓને મોડલ સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાનો છે.

લગભગ બે વર્ષ પહેલા શરૂ કરાયેલી આ યોજનામાં અત્યાર સુધી લગભગ તમામ રાજ્યો જોડાયા છે. જો કે, હજુ સુધી તમિલનાડુ, કેરળ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળ તેમાં જોડાયા નથી. જ્યારે તમિલનાડુ અને કેરળએ આ યોજનામાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે સીધો ઈન્કાર કરી દીધો છે.

એક અંગ્રેજી અખબારે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, PM-SHRI યોજના સાથે સંકળાયેલા ન હોવાને કારણે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ ક્વાર્ટરથી સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળને ફંડ આપ્યું નથી.

રિપોર્ટ અનુસાર, આ રાજ્યોને ઓક્ટોબરથી ડિસેમ્બર, જાન્યુઆરીથી માર્ચ અને એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા માટે ભંડોળ મળ્યું નથી.

અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીને રૂ. 330 કરોડ, પંજાબને રૂ. 515 કરોડ અને પશ્ચિમ બંગાળને રૂ. 1 હજાર કરોડથી વધુનું ભંડોળ મળ્યું નથી.

જે ત્રણ રાજ્યોએ PM-SHRI યોજનામાં જોડાવાનો ઇનકાર કર્યો છે, તેમાં વિરોધ પક્ષોનું શાસન છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી અને પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીની TMC સરકાર છે.

દિલ્હી અને પંજાબે આ યોજનામાં જોડાવાનો ઇનકાર કર્યો છે, કારણ કે આ રાજ્યોમાં 'સ્કૂલ ઑફ સ્પેશિયલાઇઝ્ડ એક્સેલન્સ' અને 'સ્કૂલ ઑફ એમિનન્સ' નામની યોજનાઓ પહેલેથી જ અમલમાં છે. આમ આદમી પાર્ટી શાસિત આ બે રાજ્યોમાં સરકારી શાળાઓને વિશ્વ કક્ષાએ તૈયાર કરવા માટે આ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેથી જ આ રાજ્યો PM-SHRI યોજનામાં સામેલ થવાનો ઇનકાર કરી રહ્યા છે.

જ્યારે, પશ્ચિમ બંગાળ સરકારે આ યોજનાના નામ સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળ સરકારનું એ પણ કહેવું છે કે, તે પહેલેથી જ નાણાકીય બોજનો સામનો કરી રહી છે અને આ યોજનાના 40 ટકા ખર્ચને સહન કરી શકતી નથી.

આ યોજના 7 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરની 14,500 સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનો છે અને તેને બાકીની શાળાઓ માટે 'ઉદાહરણ' તરીકે સ્થાપિત કરવાનો છે. આ શાળાઓમાં પણ નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ 2020માં આવી.

આ યોજનામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો દ્વારા સંચાલિત સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. PM-SHRI ડેશબોર્ડ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરની 10,077 શાળાઓ આ યોજના હેઠળ જોડાઈ છે. તેમાંથી 839 કેન્દ્રીય વિદ્યાલયો અને 599 નવોદય વિદ્યાલયો છે. આ બંને શાળાઓ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બાકીની 8,639 શાળાઓ રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારોની છે.

માહિતી અનુસાર, 2026-27 સુધીમાં આ યોજના પર કુલ 27,360 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમાંથી કેન્દ્ર સરકાર 18,128 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 9,232 કરોડનો બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

યોજનામાં જોડાવા માટે કેટલીક શરતો છે. જે શાળાઓ આ યોજનામાં જોડાવા માંગે છે, તેઓએ આ શરતો પૂરી કરવી પડશે. શાળાનું કાયમી મકાન અને છોકરાઓ અને છોકરીઓ માટે ઓછામાં ઓછું એક શૌચાલય જેવી શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. પછી આ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. શહેરી વિસ્તારની શાળાઓએ 70 ટકા અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓએ 60 ટકા લાવવા પડશે. આ પછી રાજ્ય સરકાર શાળાઓની યાદી કેન્દ્રને મોકલે છે અને ત્યારપછી તેમની પસંદગી કરવામાં આવે છે.

2018-19માં સમગ્ર શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય શાળા શિક્ષણમાં સુધારો કરવાનો છે. આ અભિયાનમાં, પહેલાથી ચાલી રહેલી ત્રણ યોજનાઓ- સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન અને શિક્ષક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનામાં, ખર્ચ 60:40ના ગુણોત્તરમાં કરવામાં આવે છે. એટલે કે 60 ટકા નાણાં કેન્દ્ર દ્વારા અને 40 ટકા રાજ્ય સરકારો દ્વારા ખર્ચવામાં આવે છે. જ્યારે, ઉત્તર-પૂર્વ અને હિમાલયન રાજ્યોની સરકારો 10 ટકા ખર્ચ ઉઠાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp