એમાં કોઈ શંકા નથી જો સમાન તકો અપાય તો છોકરીઓ છોકરાઓ કરતા આગળ વધી શકેઃ રાષ્ટ્રપતિ

PC: PIB

ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુએ ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર ભાંજ અને કબીસૂર્ય બલદેવ રથે તેમના લખાણો દ્વારા ઓડિયા તેમજ ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આ ભૂમિ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને લોકસેવકોનું જન્મસ્થળ અને કાર્યસ્થળ પણ રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્ષ 1967માં સ્થપાયેલી બેરહામપુર યુનિવર્સિટી ઓડિશાના દક્ષિણ ભાગમાં આવેલી સૌથી જૂની યુનિવર્સિટી છે. તેમણે આ પ્રદેશના શિક્ષણ અને વિકાસમાં બેરહામપુર યુનિવર્સિટીની ભૂમિકાની પ્રશંસા કરી, જે આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું કે લગભગ 45000 વિદ્યાર્થીઓ બેરહામપુર યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને તેની સંલગ્ન કોલેજોમાં શિક્ષણ મેળવી રહ્યા છે. તેમને એ નોંધીને ખુશ હતી કે 55 ટકાથી વધુ વિદ્યાર્થીઓ છોકરીઓ છે. એટલું જ નહીં, ગોલ્ડ મેડલ વિજેતાઓમાં 60 ટકા છોકરીઓ છે અને આજે ડોક્ટરલ ડિગ્રી મેળવનારા અડધા સંશોધકો પણ છોકરીઓ છે. તેમણે કહ્યું કે આ લિંગ-સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે જો સમાન તકો આપવામાં આવે તો છોકરીઓ છોકરાઓ કરતાં આગળ વધી શકે છે. સાહિત્ય, સંસ્કૃતિ, નૃત્ય અને સંગીતમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રહી છે. પરંતુ હવે અમારી દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન અને ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે. હવે અમે મહિલા વિકાસના તબક્કામાંથી મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને કહ્યું કે દીક્ષાંત સમારોહ એ માત્ર ડિગ્રી મેળવવાની ઉજવણી નથી. તેમની મહેનત અને સફળતાને ઓળખવાની પણ ઉજવણી છે. આ નવા સપના અને શક્યતાઓના દરવાજા ખોલે છે. તેમણે કહ્યું કે ડિગ્રી મેળવવી એ શિક્ષણનો અંત નથી. તેઓને જીવનભર શીખવાની ખેવના હોવી જોઈએ. તેમણે તેમને વિનંતી કરી કે તેઓ તેમના જ્ઞાન અને સમજણનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નહિ પરંતુ અન્ય લોકો માટે પણ કરે. તેમણે કહ્યું કે તેઓએ રાષ્ટ્ર નિર્માણ વિશે પણ વિચારવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp