શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું
‘મન હોય તો માળવે જવાય’. આ કહેવતને ચરિતાર્થ કરતી વાત સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સીઆરસી -11 હેઠળની ચાર શાળાઓમાં સામે આવી છે. હાલ કોરોના વાઈરસને પગલે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે ત્યારે રાંદેર રોડ, દિવાળી બાગ પાસે એક કેમ્પસમાં ચાલતી ચાર શાળા ક્રમાંક 105, 149, 153 અને 154ના શિક્ષકો દ્વારા બાકી અભ્યાસ ક્રમ અને પરીક્ષાની તૈયારીરૂપે રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે.
ચોંકી નહીં જતા. તે માટે 1થી 8 ધોરણના બાળકોને શાળાએ ગુપચુપ નથી બોલાવાતા પણ વોટ્સએપ પર ઓનલાઈન ભણાવાય રહ્યાં છે. આ નવતર પ્રયોગથી પ્રભાવિત થઈને વાલીઓ પણ પોતાના બાળકોને ઓનલાઈન ભણતરમાં જોડી રહ્યાં છે અને ઘણાં તો બાળકોના ભણવાના લાઈવ વીડીયો શિક્ષકોને મોકલીને માર્ગદર્શન મેળવી રહ્યાં છે. જોકે, બધાને આમાં હજુ રસ પડ્યો નથી. સીઆરસી-11 હેઠળની એક માત્ર શાળા ક્રમાંક-322 વિદ્યાર્થીઓ હજુ નથી જોડાયા.
-કેવી રીતે શરૂ કરાયું આ રીતે શિક્ષણ
સીઆરસી-11 ફાલ્ગુની બેન પટેલે જણાવ્યું કે પહેલા જ દિવસે અમે શાળાએ પહોંચ્યા તો ભેંકાર લાગી રહ્યું હતું. મેં શાળા નંબર 105 અને 149 જેણે દત્તક લીધી છે તે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સુપરવાઈઝર આશિયાબેન તથા શાળાના આચાર્યા રિઝવાના અને દિલીપભાઈ સાથે ઓનલાઈન ભણાવવા અંગે ચર્ચા કરી અને વોટ્સએપમાં ગ્રુપ બનાવીને બાળકોને કેટલાક સવાલ-જવાબ મોકલી તેમનું રિવિઝન કરાવવાનું નક્કી કર્યું.
જે ધોરણનો અભ્યાસક્રમ બાકી હતો તે અંગે પણ અમે ચર્ચા કરી અને તે પણ ગ્રુપમાં મોકલવાનું નક્કી કરાયું. શાળા નંબર 105 સવારની હોવાથી ત્યારથી આ કાર્ય શરૂ કરાયું. જેના કેટલાક ધોરણના વાલીઓના વોટ્સએપ ગ્રુપ પહેલાથી જ તૈયાર હતા અને તેમાં એક વોઈસ મેસેજ તથા ટેક્સ મેસેજ નાંખીને પહેલા અમારો આશય વાલીઓને કહ્યો અને બે દિવસમાં જ તેમાં પ્રતિસાદ મળ્યો.
આજ રીતે શાળા નંબર 153ના પ્રિન્સિપલ હરીશભાઈ અને 154ના રોનક બેનએ પણ તુરંત તેનો અમલ કર્યો અને બાળકો ઘેર બેઠા ભણવા લાગ્યા. જે વાલીઓ કામ-કાજથી બહાર હતા તેમણે ઘરે જમવાના સમયે અથવા સાંજના સમયે બાળકોને તે લેશન દેખાડીને કરાવડાવીને અમને ગ્રુપમાં પરત કર્યું. ઘણી માતાઓ પાસે મોબાઈલ હોવાથી તેઓએ બાળકોના લેશન કરાવતા વીડીયો અમને ગ્રુપમાં મોકલ્યા અને તેમાં ખાસી સફળતા મળી. આવી જ રીતે એક જ કેમ્પસમાં હાલ ચાલતી તમામ શાળાઓના શિક્ષકોએ ધોરણ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવીને બાળકોને ભણાવવાની શરૂઆત કરી.
-નવી રાહ ચીંધી
જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો છે તે ચીનમાં બધુ જ ઠપ છે. ત્યારે ત્યાંના ઈનોવેટિવ શિક્ષકોએ ઈન્ટરનેટનો બહોળો ઉપયોગ કરીને લાઈવ વીડીયોથી બાળકોને ભણાવવાની શરૂઆત કર્યાંના સમાચાર સામે આવ્યા હતા. જોકે, આપણે ત્યાં ઈન્ટરનેટની સ્પીડનો મોટો પ્રશ્ન હોવાથી એક સાથે એક જ ધોરણના આટલા બધા વિદ્યાર્થીઓને જોડવા સંભવ નથી અને ઉપરોક્ત ચાર સ્કૂલોના બાળકોમાંથી મોટાભાગના સ્લમ વિસ્તારમાંથી આવતા હોવાથી તેમના વાલીઓ માટે પણ આટલો ડેટા યુઝ કરવો મુશ્કેલ બને તેથી વોટ્સએપ ગ્રુપનો રસ્તો બનાવ્યો. હાલ બાળકોને શાળામાં આવવાનું નથી પરંતુ સ્ટાફે ફરજિયાત હાજરી આપવાની છે ત્યારે બેઠા બેઠા ગપ્પા મારવા અથવા તો દેખાડવા માટેની કેટલીક કાર્યવાહી કરવી તેના કરતા બાળકોને ભણાવવાનો અભિગમ અપનાવી ખરેખર શાળા નંબર 105, !49, 153 અને 154ના શિક્ષકોએ એક ઉમદા અને તમામ સ્કૂલોને રાહ ચિંધનારું ઉદાહરણ પુરું પાડ્યું છે.
(રાજા શેખ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp