વિદ્યા સહાયકોનું ગાંધીનગરમાં પ્રદર્શન, ભાવિ શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

PC: divyabhaskar.co.in

છેલ્લાં કેટલાંક સમયથી વિદ્યા સહાયકોનું આંદોલન ચાલી રહ્યું છે.મંગળવારે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ પ્રદર્શન કર્યું તો પોલીસે તેમને ટીંગાટોળી કરીને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.કેટલીક મહિલા ઉમેદવારો તો ધ્રુસ્કે ધ્રસ્કે રડી પડી હતી.

ગુજરાત સરકારે શાળાઓમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટથી શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારથી Teacher Eligibility Test (TET) પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે લડત આપી રહ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે, જેમાં 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને કારણે TET પાસ ઉમેદવારોનું ભાવિ જોખમાયું છે.સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ છે ત્યારે મંગળવારે વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા હતા અને આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ પોલીસે આવીને ઉમેદવારોને ટીંગાટોળી કરીને ઉપાડી લીધા હતા. પોલીસ અને ઉમેદવારોના ઘર્ષણમાં કેટલાંકને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

જો કે ઉમેદવારોએ કહ્યું હતું કે, પોલીસ અમારી ગમે તેટલી વખત અટકાયત કરે, પણ અમારું આંદોલન અટકવાનું નથી, આંદોલન ચાલું જ રહેશે. કરાર આધારિત નહીં પણ કાયમી ધોરણે શિક્ષકોની ભરતીની અમારી લડત ચાલું જ રહેશે.

ઉમેદવારોનું કહેવું છે કે સરકારી શાળાઓમાં એક તરફ શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ રહી છે. એક તાસ પ્રમાણે શિક્ષકોને મહેનતાણું આપવામાં આવશે. બીજી તરફ 32 હજાર જેટલા બીએડ પાસ વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. આમ છતા સરકાર કાયમી ભરતી કરતી નથી.

ઉમેદવારોએ કહ્યુ કે ગુજરાત સરકારે શિક્ષક બનવા માટે TETની પરીક્ષા ફરજિયાત કરી છે અને તેમાં પણ પ્રમાણપત્રની મર્યાદા 5 વર્ષ જ રાખવામાં આવી છે. હવે જો આ 5 વર્ષમાં નોકરી ન મળે તો ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે.

ગાંધીનગરમાં આજે વિદ્યા સહાયકોએ ફરી એક વખત સરકાર સામે મોરચો માંડ્યો હતો, પરંતુ પોલીસે આવીને આંદોલનકારીઓની અટકાયત કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.

તો બીજી તરફ એપ્રિલ 2005 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકોની આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જૂની પેન્શન યોજનાનો ઠરાવ ન થતા આ બેઠક બોલવવામાં આવી હતી. જૂની પેન્શન યોજના અંગે રાજ્યના 22 હજાર જેટલા શિક્ષકો આંદોલન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp