પહેલાં ડોનેશન, હવે ફ્રી લેપટોપ અને એક્ટિવાની લાલચ ક્યાં અપાય છે?

PC: lumoid.com

ભારતના ગુજરાત સહિતના રાજ્યોમાં એન્જિનિયરિંગ કોલેજોની દયાજનક હાલત છે. સેલ્ફ ફાયનાન્સના નામે છેલ્લા 10 વર્ષથી રાફડો ફાટ્યો છે અને હવે વિદ્યાથીઓ તેમના શોખ બદલી રહ્યાં છે પરિણામે સેલ્ફ ફાયનાન્સ કોલેજોની હાલત આર્થિક રીતે નાજૂક બની છે.

એક સમયે વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહેલી એન્જિનિયરિંગ કોલેજોના હવે વળતા પાણી શરૂ થયા છે. ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની હાલત પણ PTC જેવી થવા તરફ આગળ વધી રહી છે. ખાલી રહેતી સીટોને કારણે આ કોલેજોને AICTEના નિયમો મુજબ તાળાં વાગી જવાની નોબત આવી ગઈ છે.

એટલે ખાનગી એન્જિનિયરિંગ કોલેજો વિદ્યાર્થીઓને આકર્ષવા હવે લોભામણી સ્કીમ લઈને આવી છે. વાર્ષિક 2,500 રૂપિયા ફીથી લઈને ફ્રી લેપટોપ અને ટુ-વ્હીલર્સ સહિતની ઓફરો એન્જિનિયરિંગ કોલેજો આપવા લાગી છે.

ઓલ ઈન્ડિયન કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ના ડેટા મુજબ, વર્ષ 2016-17મા દેશની 3,291 એન્જિનિયરિંગ કોલેજોની 15.5 લાખ સીટમાંથી 50 ટકા સીટ ખાલી રહી હતી. 2015-16મા પણ 14.76 લાખમાંથી અડધી સીટ ખાલી રહી હતી.

આ વર્ષે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશનના પહેલા રાઉન્ડના અંતે 55,422 સીટોમાંથી લગભગ 34,642 સીટ ખાલી રહી છે. જેથી હવે વિદ્યાર્થીઓને આકર્ષવા એન્જિનિયરિંગ કોલેજો ફીમાં ડિસ્કાઉન્ટ સહિતની વિવિધ આકર્ષક ઓફરો આપવા લાગી છે. જેમાં સ્કોલરશિપના નામે ફીમાં ઘટાડો, પહેલા સેમેસ્ટરની ફી માફી, ફ્રી લેપટોપ, ટ્રાન્સપોર્ટેશન અને હોસ્ટેલનો અડધો ખર્ચ અને જે બધી ફી પહેલા ભરી દે તેમને ચાર વર્ષના કોર્ષને અંતે ટુ-વ્હીલર ફ્રી આપવા સહિતની લોભામણી ઓફરો આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ મેળવવા માટે ગુજરાતની એક એન્જિનિયરિંગ કોલેજ તો 2,500 રૂપિયા સુધીના ફી ડિસ્કાઉન્ટની ઓફર આપી રહી છે. જ્યારે અન્ય એક કોલેજે વિદ્યાર્થીઓને ખેંચી લાવવા કમિશન એજન્ટો રોક્યા છે. એક એડમિશન કરાવવા માટે એજન્ટોને 10 હજાર રૂપિયા સુધીનું કમિશન આ કોલેજ આપે છે.

કેટલાક વર્ષો સુધી ઘણી જ ડિમાન્ડ રહ્યા બાદ હવે એન્જિનિયરિંગના કોર્ષ તેની ચમક ગુમાવી રહ્યા છે. એમ્પ્લોયાબિલિટી અસેસમેન્ટ કંપનીના ગત વર્ષના સ્ટડીમાં દાવો કરાયો હતો કે દેશના 95 ટકા એન્જિનિયરો નોકરીઓ માટે ફીટ નથી. ઈન્ડસ્ટ્રીના અનુભવીઓએ પણ ભારતીય યુવાનોમાં સ્કીલ ન હોવા બાબતે ચેતવણી ઉચ્ચારી હતી. હવે વિદ્યાર્થીઓ બેઝિક ફિલ્ડ પસંદ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp