ગુજરાતના અધ્યાપકોને અન્યાય કેમ?

PC: gujarat.gov.in

અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયા દરમિયાન ડોક્યૂમેન્ટની ચકાસણીમાં ભેદભાવની નીતિ અખત્યાર થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં અમદાવાદની KCGમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા અધ્યાપક સહાયકોના ડોક્યૂમેન્ટ ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે . રાજ્યભરમાં આવેલા વિવિધ ગ્રાન્ટેડ કોલેજમાં 70થી વધુ જગ્યાઓ માટે 1,644 ઉમેદવારોએ અરજી કરી છે. આ ઉમેદવારોના તમામ દસ્તાવેજોની ચકાસણીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવાઈ રહી હોવાની રાવ ઊઠી છે. જેને પગલે ઉમેદવારોમાં રોષની લાગણી ભભૂકી ઊઠી છે. ત્યારે ઉમેદવારોએ આ મામલે ગ્રિવિયન્સ સેલમાં ન્યાય માટે રજૂઆતો કરી છે.

મળતી માહિતી મુજબ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ટૂંક સમયમાં જ કોલેજ કક્ષાએ M.A/B.edના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી ગ્રાન્ટેડ કોલેજમાં સહાયક અધ્યાપકની ખાલી પડેલી જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને સહાયક અધ્યાપકોના ડોક્યૂમેન્ટ ચકાસણી હાલ અમદાવાદ ખાતે આવેલ KCGમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા થઈ રહી છે. અધ્યાપક સહાયકની 70 જગ્યાઓ માટે 1,644 ઉમેદવારો મેદાને છે ત્યારે ઉમેદવારોમાં ડોક્યૂમેન્ટ ચકાસણીમાં ભેદભાવની નીતિ અપનાવવાથી હોવાની ફરિયાદ ઊઠી છે. જેમાં કેટલાક ઉમેદવારોએ ખાનગી સંસ્થામાંથી કમ્પ્યૂટરનો કોર્સ કર્યો હોવા છતાં મેરીટમાં 5 માર્ક આપવામાં આવે છે જ્યારે અન્ય ઉમેદવારોને કમ્પ્યૂટરનો કોષ કર્યો હોવા છતાં પણ 5 માર્ક આપવામાં આવ્યા નથી, એવું ઉમેદવારોનું કહેવું છે.

આ ઉપરાંત સરકારી કોલેજમાં 11 માસના કરાર આધારે નોકરી કરનાર વ્યાખ્યાતા સહાય કે જેમને યુનિવર્સિટીમાં માન્યતા આપવામાં આવતી નથી તેમ છતાં તેમનો અનુભવ ગણીને તેમને મેરીટમાં ગુણ આપવાની જોગવાઈ છે. તો બીજી તરફ સેલ્ફ ફાયનાન્સ કોલેજના પૂર્ણ સમયના અધ્યાપક કે જેમને યુનિવર્સિટીમાં માન્યતા બાકી છે પરંતુ જેની પાસે સ્ટાફ પ્રોફાઈલ બેન્કના સેલરી સ્ટેટમેન્ટ અને અનુભવના પ્રમાણપત્ર જેવા આધારો હોવા છતાં તેમના ગુણ ગણવામાં આવ્યા નથી. ત્યારે શિક્ષણ વિભાગની ભેદભાવની નીતિ સામે ઉમેદવારોએ ગ્રિવિયન્સ સેલમાં આ મુદ્દે અરજી કરીને ન્યાય માટે રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp