આમીર ખાન મુંબઈ છોડીને આ શહેરની હોટલમાં 2 મહિના રોકાશે, પણ શા માટે?
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ચેન્નાઈ શિફ્ટ થવા માટે તૈયાર છે. આમિર લાંબા સમયથી મુંબઈમાં રહે છે અને અહીં કામ પણ કરી રહ્યો છે. પરંતુ હવે તેણે ચેન્નાઈ જવાનો પ્લાન બનાવ્યો છે. આમિર ખાન આગામી બે મહિના સુધી ચેન્નાઈમાં રહેશે. તેની પાછળ વ્યાવસાયિક તેમજ અંગત કારણો છે.
હકીકતમાં, આમિર ખાનના ચેન્નાઈ જવાનું કારણ માત્ર કામ જ નહીં પરંતુ તેની માતા ઝીનત હુસૈન પણ છે. સુપરસ્ટાર તેની માતાની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં તે ચેન્નાઈ જઈને તેની માતા સાથે રહેવા જઈ રહ્યો છે. અભિનેતા સાથે જોડાયેલા એક સૂત્રએ મીડિયાને જણાવ્યું કે, આમિર ખાન માટે તેનો પરિવાર સૌથી પહેલા આવે છે. આવી સ્થિતિમાં તે આગામી બે મહિના સુધી ચેન્નાઈમાં રહેવાની યોજના બનાવી રહ્યો છે.
આમિરની માતા ઝીનત હુસૈન હાલમાં ચેન્નાઈમાં ખાનગી મેડિકલ ફેસિલિટીમાં સારવાર હેઠળ છે. અભિનેતા આ મુશ્કેલ સમયમાં તેની માતા સાથે રહેવા માંગે છે. સૂત્રએ ખુલાસો કર્યો છે કે, આમિરે તેની માતાના સારવાર કેન્દ્રની નજીક એક હોટલમાં રહેવાનું નક્કી કર્યું છે, જેથી જ્યારે પણ તેને જરૂર પડે ત્યારે તે તેની મુલાકાત લઈ શકે.
હાલમાં જ એક ઈવેન્ટમાં આમિર ખાને કહ્યું હતું કે, અભિનય અને ફિલ્મોના નિર્માણની સાથે સાથે તે પોતાના પરિવારને પણ સમય આપવા માંગે છે. આમિરે કહ્યું હતું કે, તેને અફસોસ છે કે કામના કારણે તેણે પોતાના પરિવાર અને બાળકોને વધારે સમય નથી આપ્યો. તે પોતાના સંબંધોને સમય પણ આપી શકતો ન હતો. આવી સ્થિતિમાં હવે તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમિર ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યો છે અને તેના પરિવાર સાથે વધુને વધુ સમય વિતાવી રહ્યો છે.
આ દરમિયાન આમિર ખાનની પુત્રી આયરાએ પણ તેના માતા-પિતા સાથેના સંબંધો વિશે વાત કરી છે. તેણે કહ્યું કે તેણે હંમેશા તેના માતા-પિતા સાથેના સંબંધો પર સખત મહેનત કરી છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા આયરાએ કહ્યું, 'મારા માતા-પિતા બંને સાથેના મારા સંબંધો એવા છે જેના પર મેં સક્રિયપણે કામ કર્યું છે. કારણ કે તમારા માતા-પિતા સાથેનો તમારો સંબંધ તમારા જીવનનો સૌથી ગાઢ સંબંધ છે.' આયરાએ એમ પણ કહ્યું કે, તે તેના માતાપિતા સાથે ખુલીને વાત કરે છે, પરંતુ તેના માટે તેના પિતા સાથે વાત કરવા કરતાં તેની માતા સાથે વાત કરવી વધારે સરળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp