'એનિમલ' ફિલ્મે 14 દિવસમાં કરી 784 કરોડની વૈશ્વિક કમાણી, જાણો ભારતમાં થયેલી કમાણી

PC: twitter.com

રણબીર કપૂરની 'એનિમલ' ફિલ્મ બોક્સઓફિસ પર રોજ નવા નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. 'એનિમલ' ફિલ્મને રીલિઝ થયાને 15 દિવસ થઈ ગયા છે, છતા બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ફિલ્મના કલેક્શનને લઈને રોજ નવા રેકોર્ડ બના રહ્યા છે. 'એનિમલ' ફિલ્મ 1 ડિસેમ્બરે રીલિઝ થઈ હતી અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 700 કરોડથી પણ વધુ કમાણી કરી લીધી છે.

ફિલ્મે ભારતમાં 479 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પહેલા દિવસે 63.80 કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મે ચૌદમા દિવસે 8.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 14 દિવસની વર્લ્ડ વાઇડ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 784.45 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. ઈન્ડિયન બોક્સઓફિસ પર ફિલ્મે 479.14 કરોડની કમાણી કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Animal The Film (@animalthefilm)

આ ક્રિકેટરે રણબીરની એનિમલ ફિલ્મને કહી બકવાસ, 3 કલાક વેડફાયા, કારણ પણ જણાવ્યું

એક બાજુ રણબીર કપૂરની એનિમલ મૂવિ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કરી રહી છે. લોકો ફિલ્મના વખાણ કરતા થાકી નથી રહ્યા ત્યાં અમુક એવા પણ રિવ્યૂ સામે આવ્યા છે, જેમાં લોકો આ ફિલ્મને તદ્દન વાહિચાત ગણાવે છે. અમુક લોકોનું કહેવું છે સમાજ માટે આવી ફિલ્મ યોગ્ય નથી. આનાથી ખોટો મેસેજ સમાજમાં જાય છે. આ ફિલ્મો ન બનવી જોઈએ. આજના યુવાનો આવી મૂવિ જોઈને ગેરમાર્ગે દોરાય છે. આ ફિલ્મની ટીકા કરવામાં સેલિબ્રિટી પણ પાછળ નથી રહ્યા. પહેલા સિંગર સ્વાનંદ કિરકિરેએ આ ફિલ્મની ટીકા કરી હતી, જ્યારે હવે ક્રિકેટર જયદેવ ઉનડકટે આ ફિલ્મની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

જયદેવ ઉનડકટે ટ્વીટર પર આ અંગે ટ્વીટ કરીને લખ્યું હતું કે, એનિમલ મૂવિ તદ્દન બકવાસ ફિલ્મ છે. આજના સમયમાં મિસોજિની(મહિલાઓ પ્રત્યે દ્વેષ)ને પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહ્યું છે અને પછી આને મર્દાનગી અને આલ્ફા મેલનો ટેગ આપવામાં આવે છે. હવે આપણે જંગલ અને મહેલોમાં નથી રહેતા, ન તો આપણે શિકાર કરવા જઈએ છીએ. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે એક્ટિંગ કેટલી સારી કરવામાં આવી છે. કોઈને પણ ફિલ્મમાં એવી વસ્તુઓ ન બતાવવી જોઈએ, જેને લાખો લોકો જોઈ રહ્યા હોય. એક વસ્તુ હોય છે સામાજિક જવાબદારી, જેને એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ કોઈને ભૂલવી ન જોઈએ. બસ મને ખરાબ લાગી રહ્યું છે કે મેં આ બેકાર ફિલ્મને જોવા માટે મારા 3 કલાક વેડફી નાખ્યા. જો કે આ ટ્વીટ કર્યા બાદ જયદેવ ઉનડકટે આને ડિલીટ કરી દીધી હતી, જેનું કારણ હજુ સામે આવ્યું નથી.

એનિમલ પર ગુસ્સે સિંગરે રણબીરના પાત્રને 'મહિલા વિરોધી' કહ્યું, લખ્યું- મને દયા...

રણબીર કપૂર સ્ટારર એનિમલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રણવિજયના પાત્રમાં રણબીરને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે, તો ઘણા લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. રણબીરના પાત્રને મહિલા વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. સિંગર-એક્ટર સ્વાનંદ કિરકિરે પણ ફિલ્મમાં રણબીરના પાત્રથી નાખુશ દેખાયા હતા. તેણે ટ્વીટ કરીને લખ્યું, આજે એનિમલ ફિલ્મ જોયા પછી મને આજની પેઢીની મહિલાઓ માટે ખરેખર દયા આવી.

સ્વાનંદ કિરકિરે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલ જોઈ અને તેમાં ઘણી ખામીઓ જોવા મળી. સ્વાનંદના કહેવા પ્રમાણે, દિગ્દર્શકે આ નવી પેઢીના માણસને બનાવ્યો છે, જે સ્ત્રી પર હાથ ઉપાડીને તેને પોતાનું પુરુષત્વ માને છે. સ્વાનંદે લખ્યું, મહેબૂબ ખાનનું-ઓરત, ગુરુદત્તનું-સાહેબ બીવી ઔર ગુલામ, હૃષિકેશ મુખર્જીની-અનુપમા, શ્યામ બેનેગલની-અંકુર અને ભૂમિકા, કેતન મહેતાની-મિર્ચ મસાલા, સુધીર મિશ્રાની-મેં ઝિંદા હૂં, ગૌરી શિંદેની-ઈંગ્લીશ વીંગલીશ,બહલની-ક્વીન, સુજીત સરકારની-પીકુ વગેરે.

ભારતીય સિનેમાની આવી ઘણી ફિલ્મો છે, જેણે મને શીખવ્યું કે, સ્ત્રી, તેના અધિકારો, તેની સ્વાયત્તતાનું સન્માન કેવી રીતે કરવું, અને બધું સમજ્યા હોવા છતાં, આ વર્ષો જૂની વિચારસરણીમાં હજી ઘણી ખામીઓ છે. મને ખબર નથી કે હું સફળ થયો કે નહીં, પરંતુ આજે પણ હું મારી જાતને સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યો છું.

બધું સિનેમાના કારણે, પણ આજે એનિમલ ફિલ્મ જોયા પછી, મને આજની પેઢીની સ્ત્રીઓની ખરેખર દયા આવી! તમારા માટે ફરીથી એક નવો માણસ તૈયાર કરવામાં આવ્યો છે, જે વધુ ડરામણો છે, તે તમને એટલું માન આપતો નથી અને જે તેને નમવું, દબાવવા અને તમારા પર ગર્વ કરવાને તેનું પુરુષત્વ માને છે. આજની પેઢીની છોકરીઓ, જ્યારે તમે તે સિનેમા હોલમાં બેસીને તાળીઓ પાડતા હતા, જ્યારે રશ્મિકાને માર માર્યો હતો, ત્યારે મારા મનમાં મેં સમાનતાના દરેક વિચારને શ્રદ્ધાંજલિ આપી હતી. હું ઘરે આવ્યો છું. નિરાશ, હતાશ અને કમજોર!

સ્વાનંદે આગળ લખ્યું, રણબીરના તે સંવાદમાં જેમાં તેણે આલ્ફા પુરૂષની વ્યાખ્યા કરી અને કહ્યું કે, જે પુરુષો આલ્ફા બની શકતા નથી, તેઓ તમામ મહિલાઓની ખુશી મેળવવા માટે કવિ બની જાય છે અને તેમને ચાંદો અને તારાઓ તોડીને લાવવાનું વચન આપવાનું શરૂ કરે છે. હું કવિ છું! હું જીવવા માટે કવિતા કરું છું! મારા માટે કોઈ જગ્યા છે? એક ફિલ્મ અઢળક કમાણી કરી રહી છે અને ભારતીય સિનેમાના ગૌરવવંતા ઈતિહાસને શરમાવે છે! મારા મતે, આ ફિલ્મ ભારતીય સિનેમાનું ભવિષ્ય નવેસરથી એક અલગ, ભયંકર અને ખતરનાક દિશા તરફ નક્કી કરશે!

સ્વાનંદની આ પોસ્ટે નવી ચર્ચા શરૂ કરી છે. યુઝર્સ આના પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને તેના શબ્દોને રિલેટ પણ કરી રહ્યા છે. એકે કહ્યું, 'આ ફિલ્મનો કોઈ બહિષ્કાર નહીં થાય, કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે નહીં! તમે સમજી શકો સાહેબ, સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે! પણ અમને ગર્વ છે કે તમારા જેવો સંવેદનશીલ માણસ આ સમાજમાં છે! પરંતુ જે કિશોરવયના છે તેના માટે ખતરનાક છે, કારણ કે તેમના રોલ મોડેલ આવી મૂવીના લોકો જ છે!' બીજાએ લખ્યું, 'હિંસાનો મહિમા કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી આપણે હિંસાની કડવાશ નહીં ચાખીએ ત્યાં સુધી આપણે માનીશું નહીં.'

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ સંદીપ દ્વારા નિર્દેશિત ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા હોય. શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કબીર સિંહને લઈને ઘણો વિવાદ થયો હતો. એનિમલમાં રણબીર કપૂર સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ લીડ રોલમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 236 કરોડ રૂપિયાનું ગ્રોસ વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp