‘સ્ત્રી-ટુ’ ફિલ્મની સ્ટોરીના ગુજરાતી લેખક સાથે Exclusive ઇન્ટરવ્યૂ

PC: khabarchhe.com

રાજેશ શાહ

શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત બોલિવુડ ફિલ્મ ‘સ્ત્રી-ટુ’ને અપાર સફળતા મળી રહી છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ડંકો વગાડીને નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મ ‘સ્ત્રી-ટુ’ 15 ઓગસ્ટના દિવસે સિનેમાઘરોમા રજૂ થઇ અને માત્ર 16 જ દિવસમાં ફિલ્મે મોટા મોટા રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે અને આ વર્ષમાં સૌથી કમાણી કરનારી ફિલ્મસ બની ગઇ છે.’ સ્ત્રી- ટુ’ લગભગ ભારતમાં જ 640 કરોડ રૂપિયાની કમાણી કરી નાંખી છે. ફિલ્મના કલાકારો અને ડિરેક્ટર વિશે લોકો જાણે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ‘સ્ત્રી-ટુ’ની વાર્તા એક ગુજરાતના લેખકે લખી છે અને સ્ટોરીને કારણે ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની વાર્તા મુળ ભાવનગરના નિરેન ભટ્ટે લખી છે.તેઓ અત્યારે મુંબઇમાં રહે છે. ઉંચા પગારની કોર્પોરેટ જોબ છોડીને તેમણે ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યુ હતું અને આજે સફળતાની ટોચ પર પહોંચી ગયા છે.

Khabarchhe.Comએ જાણકારી મેળવી અને સર્કલમાંથી નિરેન ભટ્ટનો ફોન નંબર શોધી કાઢ્યો હતો. સ્ત્રી-ટુ’ની પટકથા લખનાર નિરેન ભટ્ટ સાથે ફોન પર ઇન્ટરન્યૂ કર્યો અને તેમની સાથે લાંબી વાત કરી હતી. અત્યંત વ્યસ્ત હોવા છતા નિરેન ભટ્ટે અમારી સાથે ઉંડાણપૂર્વક ફિલ્મ વિશે અને તેમના જીવન સફર વિશે વાત કરી હતી.

નિરેન ભટ્ટનો જન્મ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરમાં થયો હતો અને તેમણે પ્રાથમિક અને કોલેજનું શિક્ષણ ભાવનગરમાં જ લીધું હતું. ભાવનગરમાં તેમણે B.E પુરુ કર્યું અને વડોદરાની M.S.યુનિવર્સિટીમાંથી M.E.કર્યું. માસ્ટર ડીગ્રી મેળવ્યા પછી તેમણે MBAનો અભ્યાસ પણ પુરો કર્યો છે અને એટલે જ બોલિવુડમાં નિરેન ભટ્ટને સૌથી ભણેલા ફિલ્મ રાઇટર તરીકે ઓળખવામાં આવે છે.

ફિલ્મ લેખનમાં નિરેન ભટ્ટને રસ ક્યારથી પડ્યો? એ જાણવા માટે તેમના બાળપણમાં ડોકિયું કરવું પડશે. નિરેન ભટ્ટે કહ્યુ હતું કે મારી માતા ભાવગનરની કોલેજમાં પ્રોફેસર હતા અને મને ઘણી વખત કોલેજના યુથ ફેસ્ટીવલમાં લઇને જતા. તે વખતે મારી ઉંમર નાની હતી, પરંતુ સ્ટેજ પર વિદ્યાર્થીઓને અભિનય કરતા જોઇને ત્યારથી જ એવું થતું હતું કે જિંદગીમાં આવું જ કઇંક કરવું છે.

ભટ્ટે કહ્યું, હું જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે અદલ-બદલ નામનું એક કોમેડી નાટક લખ્યુ હતુ. મગજની અદલા બદલીની સ્ટોરી હતી. એ પછી તો તેમણે શાળા-કોલેજોમાં અનેક નાટકો લખ્યા અને નેશનલ લેવલે તેમને અનેક એવોર્ડ્સ પણ મળ્યા.

નાનપણથી જ નિરેન ભટ્ટનો લેખક જીવ ઉછાળા મારતો હતો, પરંતુ હાયર એજ્યુકેશન મેળવ્યા પછી તેમણે હાઇબેક્સી નામની એક કોર્પોરેટ જોબ શરૂ કરી,તેમનો ઇન્શ્યોરન્સ કંપની માટે આઇટી કન્સલટન્ટનો રોલ હતો અને વર્ષ 2011માં એ જમાનામાં અઢી લાખનું પેકેજ હતું. કોર્પોરેટ જોબ થોડ વર્ષો કરી, પરંતુ જીવ લેખન તરફ જવા માટે કુદાકુદ કરતો હતો. આખરે કોર્પોરેટ જોબ છોડીને ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યું. એ વખતે નિર્ણય લેવો ખુબ કપરો હતો, કેટલાંક લોકોએ મારી મજાક પણ ઉડાવી હતી. કારણકે આટલી ઉંચા પગારની જોબ છોડીને લેખનમાં જવું જ્યાં માંડ 5,000 મળતા હોય અને કામની કોઇ સ્યોરિટી પણ ન હોય. છતા મનમાં આત્મ વિશ્વાસ હતો એટલે મન મક્કમ કરીને જોબ છોડી દીધી.

નિરેન ભટ્ટે કહ્યું કે શરૂઆતમાં એવી સ્થિતિ ઉદભવી કે મને મનમાં પસ્તાવો થયો કે કોર્પોરેટ નોકરી છોડીને ભૂલ કરી, કારણકે એ વખતે ફિલ્મ ઉદ્યોગમાં મંદીનો કપરો કાળ હતો અને ચેનલો પણ ટપોટપ બંધ થઇ રહી હતી. મેં જ્યારે ટીવીની સૌથી પોપ્યુલર ઓફિસ-ઓફિસના 3 હપ્તા લખ્યા હતા એટલામાં ચેનલ બંધ થઇ ગઇ,NDTV પર એક સિરિયલમાં લખ્યું તો એ સિરિયલ પણ બંધ થઇ ગઇ. પરંતુ આવા કપરા સમયમાં હું હિમંત ન હાર્યો અને સંઘર્ષ ચાલું રાખ્યો.

મુંબઇમાં મને ‘ઓ માય ગોડ’ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ સહયોગ આપ્યો અને તેમણે મારા લખેલા અનેક નાટકો પોડ્યુર્સ કર્યા. એ પછી 2011ના અંતથા 2019 સુધી ‘તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં’ સિરિયલના અસંખ્ય એપિલોડ લખ્યા.

એ પછી નિરેન ભટ્ટે બોલિવુડ અને ટેલીવુડમાં પાછળ ફરીને જોયું નથી, તેમની કેરિયરનો ગ્રાફ સતત ઉંચોને ઉંચો જ રહ્યો. નિરેન ભટ્ટે અત્યાર સુધીમાં તેમણે ગુજરાતી ફિલ્મો બે યાર, રોંગ સાઇડ રાજૂ (કો,રાઇટર)), વેંટીલેટર જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે અને દિલ્હીમાં ઓલ ઇઝ વેલ ( સંવાદ),લવયાત્રી, મેડ ઇન ચાઇના, બાલા,સિરિયસમેન, ભેડીયા, મુનિયા અને હવે સ્ત્રી-2. આ ઉપરાંત નિરેન ભટ્ટે 35 જેટલી ફિલ્મી ગીતો, સાવધાન ઇન્ડિયાના એપિસોડ, OTT પ્લેટફોર્મ પર પણ તેમના કેટલાંક શો ફેમસ થયા છે.

 

નિરે ભટ્ટને અમે પુછ્યું કે, સ્ત્રી-ટુને આટલો બધો રિસ્પોન્સ કેમ મળી રહ્યો છે? તો તેમણે કહ્યું કે, છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં મોટાભાગે હિંસક ફિલ્મો કે એક્શન ફિલ્મો જ આવતી રહી છે, આખા પરિવારને સાથે બેસીને મનોરંજન મેળવી શકાય એવી ફિલ્મોનો અભાવ હતો. આ ફિલ્મને લોકો એટલા માટે વખાણી રહ્યા છે કે, લાંબા સમય પછી એક સારી સ્ક્રિપ્ટ મળી છે અને ફેમિલી સાથે બેસીને જોઇ શકાય તેવી આ ફિલ્મ છે. હોરર ફિલ્મની સાથે એમાં કોમેડી પણ છે એટલે લોકો વખાણી રહ્યા છે.

 આ પહેલાં જ્યારે સ્ત્રી ફિલ્મ બનેલી તો તેના ડાયલોગસુમિત અરોરાએ લખેલા અને ફિલ્મના લેખત રાજ નિડિમોરુ અને ક્રિષ્ણા ડીકેએ લખેલા પરંતુ સ્ત્રી ફિલ્મને જોઇએ એટલો રિસ્પોન્સ મળ્યો નહોતો. જ્યારે સ્ત્રી ફિલ્મની સિકવલ બનાવવાનું નક્કી થયું ત્યારે ડિરેક્ટર અમર કૌશિકે નિરેન ભટ્ટની પસંદગી કરી અને ફિલ્મ ધમાકેદાર ચાલી ગઇ.

નિરેન ભટ્ટ આયુષ્માન ખુરાના અભિનીત ‘વેમ્પાયર ઓફ વિજયનગર’ ફિલ્મની સ્ટોરી પણ લખી રહ્યા છે.

છેલ્લે નિરેન ભટ્ટે કહ્યુ કે, હું નવા લેખકોને કહેવા માંગુ છું કે ફિલ્મ લેખનમાં આવવા માંગતા હો તો તમારી સ્ટોરી રિજેક્ટ થશે જ એવી માનસિકતા સાથે આવજો, મારી આજે પણ સ્ટોરી રિજેક્ટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp