કોરોનાના દર્દને તાજા કરતી ‘ભીડ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: mashable.com

અનુભવ સિંહાની ફિલ્મ ‘ભીડ’ ટ્રેલર રીલિઝ બાદથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ફિલ્મના પહેલા ટ્રેલરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ અને એક ડાયલોગ જ્યાં કોરોનાના કહેરથી પેદા થયેલી સ્થિતિને 1947 દરમિયાનના વિભાજન સાથે કમ્પેયર કરી હતી. આ બંને બાબતોને લઈને લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. જેને લઈને ખૂબ બવાલ થઇ. ત્યાં સુધી કે સિલ્વર સ્ક્રીન પર રીલિઝ થતા પહેલા જ ફિલ્મને ભારત વિરોધી જાહેર કરી દેવામાં આવી હતી. વધતા વિવાદને જોતા આખરે મેકર્સે ટ્રેલર જ નહીં પરંતુ, ફિલ્મમાં પણ ઘણા બદલાવ કરવા પડ્યા. હવે આ બદલાવોની અસર શું ફિલ્મ પર પડી છે. વાંચી લો રિવ્યૂ...

ફિલ્મ ‘ભીડ’ દ્વારા કોરોના દરમિયાન થઈ રહેલા પલાયન સામે ઝઝૂમી રહેલા લોકોની અલગ-અલગ સ્ટોરીઓને ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગરીબ-લાચાર મજૂરોનો એક વર્ગ છે, જે આ આપત્તિમાં પોતાના ઘર-ગામ તેમજ પોતાના લોકોની વચ્ચે જવા ઈચ્છે છે. એક પોલીસ ફોર્સ ડિપાર્ટમેન્ટ છે, જે સિસ્ટમ અને આ પલાયન કરી રહેલા મજૂરોની જીદ વચ્ચે ફસાયેલા છે. આ ઉપરાંત, એક રિપોર્ટર અને તેની ટીમ છે, જે દુનિયાને સત્ય બતાવવાના પુરજોર પ્રયત્નમાં છે અને એક હાઈ સોસાયટીમાંથી આવતી મા છે, જે હોસ્ટેલમાં ફસાયેલી પોતાની દીકરીને લેવા નીકળી છે. આ તમામ વર્ગના લોકો વચ્ચે જે વાત કોમન છે, તે છે અજાણી બીમારીનો ડર અને સિસ્ટમની સામે લાચારી.

અનુભવ સિંહાએ તેમા જરા પણ ઉતાવળ ના કરતા પોતાનો સમય લઈને ‘ભીડ’ ફિલ્મ બનાવી છે. શુગર કોટિંગ વિના સત્યને હંમેશાં દર્શાવનાર અનુભવનું સાહસ આ ફિલ્મમાં પણ દર્શાવ્યું છે. સિસ્ટમ પ્રત્યે પોતાની નારાજગી, લાચારી, અફસોસ, દરેક એ ઇમોશનને ડાયરેક્ટરે સ્ટોરીમાં વણી લીધો છે. તેમણે કોઇપણ મુદ્દા તેમજ સિચ્યુએશનને અતિ કરવાનો પ્રયત્ન નથી કર્યો. જે કંઇ પણ ઘટનાઓ બની છે, તેને દર્શકો સામે રજૂ કરી છે. તેમજ તેમણે સ્ટોરીના લેયરમાં સમાજની કેટલીક એવી કુનીતિઓ પર પણ ફોકસ કર્યું છે, જેની સામે આપણે આજે પણ ઝઝૂમી રહ્યા છીએ. કાસ્ટ-ક્લાસ ડિફરન્સ ઈશ્યૂને પ્રોમિનન્ટ રીતે હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મની શરૂઆત જ ખૂબ માર્મિકરીતે થાય છે. જે તમને ડિસ્ટર્બ કરી દે છે. આ સાથે જ સ્ટોરી આગળ વધતી જાય છે, કોરોના કાળ સાથે સંકળાયેલી યાદો પણ તાજી થવા માંડે છે. ફિલ્મ ફર્સ્ટ હાફથી લઈને સેકન્ડ હાફ સુધી તમને બાંધીને રાખે છે.

કેટલાક સીન્સ જોઈને તમારા રુંવાડા ઊભા થઈ જશે, ખાસ કરીને જ્યારે સિમેન્ટવાળી મશીનમાંથી નીકળતા મજૂરોને દર્શાવવામાં આવ્યા છે, આ ઉપરાંત ટ્રેનના પાટા પર સૂતેલા કેટલાક મજૂરોના ગ્રુપ પરથી ટ્રેનનું પસાર થવુ, ભૂખ્યા-તરસ્યા બાળકો અને સાઇકલ પર પોતાના પિતાને ઘરે લઈ જતી એક છોકરી, દરેક ફ્રેમ પર એક નવી સ્ટોરી દેખાય છે. સૌમિખ મુખર્જીની સિનેમેટ્રોગ્રાફી અદ્ભુત રહી, સ્ક્રીન પર કોરોના દરમિયાન થયેલા પલાયનને બરાબર જસ્ટિફાઇ કરે છે. દિલ્હીના બસ સ્ટેન્ડ પર લેવામાં આવેલા કેટલાક એરિયર શૉર્ટ્સ ફિલ્મની સુંદરતા દર્શાવે છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ ઓછો પરંતુ યોગ્ય જગ્યાઓ પર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઇમોશનને જગાવવામાં ફ્યૂલનું કામ કરે છે. ઓવરઓલ ફિલ્મ તમને વિચલિત જરૂર કરે છે પરંતુ, તેની એન્ડિંગ તમને થોડી રાહત આપશે.

ફિલ્મની કાસ્ટિંગ એક મજબૂત પક્ષ છે. પંકજ કપૂર, વિરેન્દ્ર સક્સેના, આશુતોષ રાણા જેવા દિગ્ગજોને એક્સ્પીરિયન્સ અને રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, કૃતિકા કામરા જેવા સ્ટાર્સની ફ્રેશનેસ ફિલ્મને સુંદરરીતે બ્લેન્ડ કરે છે. રાજકુમાર રાવનું કામ કમાલનું રહ્યું છે, તેણે સમાજના એ કંડિશનિંગને સચોટરીતે દર્શાવી છે કે અલગ દલિત સમાજના છોકરા સિસ્ટમમાં ઓફિસર બની પણ જાય, તો કઈ રીતે તેને ઓર્ડર આપવામાં ખચકાટ થાય છે.

સિક્યોરિટી ગાર્ડ બનેલા પંકજ કપૂર અને વિરેન્દ્ર સક્સેના પોતાના કેરેક્ટરમાં ખૂબ જ સહજ લાગે છે. ભૂમિ પેડનેકર અને દિયા મિર્ઝાનું પરફોર્મન્સ પણ પરફેક્ટ રહ્યું. આશુતોષ રાણાની એક્ટિંગ હંમેશની જેમ દમદાર રહી. રિપોર્ટરના રૂપમાં કૃતિકા કામરા સરપ્રાઈઝ કરે છે. પોલીસ અધિકારી બનેલ આદિત્ય શ્રીવાસ્તવે પણ પોતાના કેરેક્ટરની સાથે પૂરો ન્યાય કર્યો છે. કોરોના સબ્જેક્ટ પર અનુભવ સિંહાની ‘ભીડ’ એક સચોટ ફિલ્મ છે. ફિલ્મ તમને ઇમોશનલ કરી દેશે અને મજૂરો સાથે શું થાય છે, તેને નજીકથી બતાવે છે. સશક્ત અભિનેતાઓની હાજરીથી બનેલી આ ફિલ્મને એક તક જરૂર આપી શકાય. દાવો છે નિરાશા હાથ નહીં લાગશે.

ફિલ્મઃ ભીડ

ડિરેક્ટરઃ અનુભવ સિંહા

સ્ટાર કાસ્ટઃ પંકજ કપૂર, આશુતોષ રાણા, રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, દીયા મિર્ઝા, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા, વિરેન્દ્ર સક્સેના

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 3.5 સ્ટાર્સ

NDTV: 4 સ્ટાર્સ

ઈન્ડિયા ટાઈમ્સઃ 3.5 સ્ટાર્સ

ઈન્ડિયા ટીવી ન્યૂઝઃ 3.5 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp