26th January selfie contest

આઝાદી દિવસ પહેલા જોઈ લેવા જેવી દેશભક્તિનો જોમ ભરી દેતી ફિલ્મો

PC: khabarchhe.com

સ્વતંત્રતા દિવસને આડે હવે 5 દિવસ બાકી છે, ત્યારે હંમેશની જેમ સ્વતંત્રતા દિવસના અવસર પર મોટા ભાગના લોકો પોતાના ઘરમાં બેસી રહે છે કે કોઈ જગ્યાએ ફરવા માટે ચાલ્યાં જાય છે. ટૂંકમાં મોટા ભાગના લોકો માટે આ બસ એક હોલિડે છે. પરંતુ સરહદ પર બેસેલા આપણાં જવાનો આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશની સુરક્ષા માટે પોતાની જાન દાવ પર લગાવીને બેઠાં છે. આ દેશ પ્રેમીઓની વાર્તાઓને બોલિવુડે અલગ-અલગ રીતે રજૂ કરી છે. દેશ માટે શહિદ થયેલાં અને દેશભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો બોલિવુડમાં મોટા પડદાં પર રજૂ થઈ છે. સમયની સાથે વર્ષે ને વર્ષે આઝાદી અને દેશભક્તિની પરિભાષા બોલિવુડ માટે બદલાતી ગઈ હતી. પહેલાં જે ખલનાયકની જગ્યાએ અંગ્રેજો હતાં, તેમની જગ્યા હવે પડોશી દેશની સાથે યુદ્ધ અને સરહદ પારના આંતકવાદે લઈ લીધી છે.

ગુલામીમાંથી આઝાદ થવા માટે કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો, તે 1952ની 'આનંદ મઠ' ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. હેમેન ગુપ્તા દિગ્દર્શિત 'આનંદ મઠ'માં પૃથ્વિરાજ કપૂર અને ગીતા બાલી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ બંકિમ ચંદ્ર ચેટર્જીની નવલકથા પર આધારિત હતી. ફિલ્મનું લતા મંગેશકરે ગાયેલું ગીત 'વંદે માતરમ્' આજે પણ લોકપ્રિય છે.

દેશભક્તિની વાત આવે અને 'હકીકત' ફિલ્મની વાત ન થાય તો કહેવું જ રહ્યું. 1962ની 'હકીકત' ફિલ્મ એક એવી સૈનિકોની ટુકડી વિશે હતી, જેમને લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એવું લાગતું કે આ લોકો હવે બચી નહીં શકે, પરંતુ તેમના પગ જરાં પણ ડગમગ્યા નહીં અને તે દૃઢ નિશ્ચય સાથે દુશ્મનોનો સામનો કરે છે. ફિલ્મનું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું અને ફિલ્મમાં બલરાજ સાહની અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મે 1965માં બેસ્ટ સેકન્ડ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.

આઝાદીના એક વર્ષ પછી એટલે કે 1948માં રિલીઝ થયેલી 'શહીદ' ફિલ્મને પણ દેશપ્રેમીઓએ ઘણી પસંદ કરી હતી. આમ તો ક્રાંતિકારી ભગત સિંઘ પર ત્યાર બાદ બોલિવુડમાં ઘણી ફિલ્મો બની, પરંતુ 'શહીદ' જેવો જાદુ કોઈ ફિલ્મ કરી શકી નહીં. 1965ની રામ શર્મા દિગ્દર્શિત 'શહીદ' તેમાંથી અપવાદ કહી શકાય. ફિલ્મમાં મનોજ કુમાર મુખ્ય રોલમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મની વાર્તા વર્ષ 1916થી શરૂ થાય છે, જ્યારે ભગત સિંઘના કાકા અજિત સિંઘને બ્રિટિશ રાજ વિરુદ્ધ બળવો કરવાના ગૂનામાં પોલીસ પકડી જાય છે. ત્યારે ભગત સિંઘ 8 થી 9 વર્ષના હોય છે. મોટા થઈને ભગત સિંઘ અજિત સિંઘના માર્ગ પર ચાલી નિકળે છે.

મનોજ કુમારે ભગત સિંઘના રોલને એટલો સરસ રીતે ભજવ્યો હતો કે, આજે પણ જ્યારે યુવા વર્ગ આ ફિલ્મને જુએ છે તો, તેમના દિલમાં પોતાના દેશ માટે કંઈક કરવાની ભાવના જાગી જાય છે. ફિલ્મની વાર્તા ભગત સિંઘના સાથી બટુકેશ્વર દત્તે લખી હતી અને સંયોગ એવો થયો હતો કે, જે વર્ષે ફિલ્મ રિલીઝ થવાની હતી, તે દિવસે બટુકેશ્વરનું મૃત્યુ થઈ ગયું હતું.

અત્યારના જનરેશનને ઉપરની ફિલ્મો યાદ હોય કે ન હોય, પરંતુ દેશભક્તિની ફિલ્મોનું નામ પડે તો તેમના મગજમાં 'બોર્ડર' ફિલ્મ આવી જાય છે. 1997માં રિલીઝ થયેલી 'બોર્ડર'નું દિગ્દર્શન જેપી દત્તાએ કર્યું હતું. ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં સરહદના જવાનોની અંગત જીવનને પણ દર્શાવવામાં આવ્યું છે. જેમ કે, કોઈ જવાન હાલમાં જ પોતાના પરિવારને છોડીને સરહદ પર આવે છે, કોઈ જવાનની મા આખી જિંદગી પોતાના પુત્રની રાહ જુએ છે, પરંતુ તેનો દિકરો ક્યારેય પાછો ફરતો નથી. જવાન પોતાના નવજાત શિશુનું મોઢું પણ જોઈ શકતા નથી. આ બધી વાતને ખૂબ જ સરસ રીતે આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મના ગીત તો આજે પણ લોકોના મોં પર સાંભળવા મળે છે અને તેમાં પણ 'સંદેશે આતે હૈ' ગીત સાંભળીને તો કોઈપણ દેશપ્રેમીની આંખોમાં પાણી આવી જાય, તેમાં કોઈ બેમત નથી.

ભારતની આઝાદીના લડવૈયા ગાંધીજી પર પણ ઘણી ફિલ્મ બની ગઈ છે, પરંતુ ગાંધીજી પરની ફિલ્મની વાત આવે, એટલે આપણને બેન કિંગ્સલે યાદ આવી જાય. 1982માં રિલીઝ થયેલી બેન કિંગ્સલેની 'ગાંધી' ફિલ્મને આઠ ઓસ્કર એવોર્ડ જીતીને ધૂમ મચાવી દીધી હતી, જેમાં બેન કિંગ્સલેને મળેલાં શ્રેષ્ઠ અભિનેતાના એકેડમી એવોર્ડનો પણ સમાવેશ થાય છે.

દેશભક્તિ અને આઝાદીની ફિલ્મ વિશે તો લખીએ તેટલું ઓછું છે. છેલ્લાં વીસ વર્ષમાં પણ ઘણી દેશભક્તિ પર ફિલ્મ બની છે, જે લોકોના દિલો-દિમાગ પર છવાઈ ગઈ છે, જેમાં 'રંગ દે બસંતી', 'ગદર', 'સ્વદેશ', 'ચક દે ઈન્ડિયા' અને 'મા તુઝે સલામ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp