Review: બરોબરની મંડાઈ ગઈ છે ‘લવ ની ભવાઈ’

PC: facebook.com/LoveNiBhavai

ગુજરાતી ફિલ્મોનું પુનરાગમન શરૂ થયે લગભગ પાંચ વર્ષ થવા આવ્યા. કોઇપણ બંધ પડેલા અથવાતો અતિશય ખોટમાં જતા વ્યવસાયમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવી હોય તો તેની નક્કી સમયસીમા બાંધવી લગભગ અશક્ય છે. વળી પુનઃજીવિત થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોને અર્બન ફિલ્મ ગણાવીને એને એક બ્રેકેટમાં બાંધી લેવામાં આવી હતી એટલે તેણે આ ઈમેજમાંથી પણ બહાર આવવાની મહેનત કરવી પડે એમ હતી.

તો કેટલાક ધંધાદારીઓએ પણ ત્વરિત લાભની આશાએ ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરીને તેને ‘મત્ર ત્રણ મિત્રોની કોમેડી ફિલ્મો’ ના એક નવા બ્રેકેટમાં બાંધવાની કોશિશ પણ કરી. આમ છતાં ‘છેલ્લો દિવસ’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, ‘રોંગસાઈડ રાજુ’ કે પછી ‘કેરી ઓન કેસર’ જેવા ઘરેડ બહારના પ્રયાસો પણ થયા જેણે એ ગુજરાતી ફિલ્મોના એક સાચા શુભેચ્છકની આશા જીવંત રાખી કે ગુજરાતી ફિલ્મો પણ એક સમયે મરાઠી કે પછી બંગાળી ફિલ્મોના સ્તરને જરૂર સ્પર્શ કરશે. એ આશાને વધારે પ્રાણવાયુ પૂરો પાડવા આવી છે ‘લવ ની ભવાઈ’ અને આ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસર-ડિરેક્ટર દંપત્તિ આરતી વ્યાસ પટેલ અને સંદીપ પટેલે કમાલ કરી દીધો છે.

જેમ આગળ આપણે વાત કરી કે ગુજરાતી ફિલ્મોને બહુ તાત્કાલિક અસરથી ત્રણ મિત્રોની ફિલ્મોના ટેગમાંથી બહાર આવવાની જરૂર હતી એ જરૂરિયાત કદાચ ‘લવ ની ભવાઈ’ની ટીમે પણ સમજી હશે અને આથીજ આપણને એક મીઠી મજાની લવ સ્ટોરી તેમણે પીરસી છે. ઉપર આપણે અલગ પ્રકારની જે ચાર ફિલ્મોની વાત કરી એમાંથી એક પણ ફિલ્મ લવ સ્ટોરી નથી. ઇવન ગુજરાતી ફિલ્મોને સાચા રસ્તે પરત આવનારા અભિષેક જૈનની પ્રથમ બંને ફિલ્મોમાંથી પણ કોઈ ફિલ્મ લવ સ્ટોરી ન હતી અને આથી જ અહીં ‘લવ ની ભવાઈ’નું મહત્ત્વ વધી જાય છે.

કોઇપણ લવ સ્ટોરી તમારે કહેવી હોય તો તેનું કાસ્ટિંગ પરફેક્ટ અથવાતો નીયર પરફેક્ટ હોવું જરૂરી છે. અહીં આ ફિલ્મનું કાસ્ટિંગ નીયર પરફેક્ટથી ઉપર અને પરફેક્ટની અત્યંત નજીક છે.

મલ્હાર ઠાકરની એક ખાસ પ્રકારની ઈમેજ ગુજરાતી દર્શકોમાં બની છે અને તે છે નેક્સ્ટ ડોર તોફાની છોકરાની અને ‘લવ ની ભવાઈ’માં તેની આ ઈમેજનો ડિરેક્ટર સંદીપ પટેલે ફક્ત ભરપૂર લાભ તો લીધો છે પરંતુ તેને વધુ નિખારી છે. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં કોમિક ટાઈમિંગ અને ડાયલોગ ડિલીવરીમાં મલ્હારનો હાથ પકડી શકે તેવું દૂરદૂર સુધી દેખાતું નથી એવું આ ફિલ્મનું તેનું પરફોર્મન્સ ફરીથી સાબિત કરે છે.

ફિલ્મમાં મલ્હારની અમદાવાદી બોલી, મમ્મી માટેના એના વિચારો કે પછી અરિજિત સિંહ અને મીકા સિંહની એની સ્ટાઈલઈ સરખામણી કોઈને પણ હસાવવા માટે પૂરતી છે. એક રીતે જોઈએ તો ફિલ્મમાં જ્યારે જ્યારે સ્ક્રીન પર મલ્હાર દેખાય છે ત્યારે ત્યારે તેની હાજરી તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે પૂરતી બની રહે છે. એવું નથી કે મલ્હારે ફિલ્મમાં માત્ર કોમેડી જ કરી છે કે પછી કોમેડી જ સારી કરી છે. ફિલ્મના ઉત્તરાર્ધમાં ઈમોશનલ દ્રશ્યોમાં પણ એણે મેદાન માર્યું છે. ‘થઇ જશે!’ ફિલ્મમાં જેમ બિલ્ડરની ઓફિસમાં મલ્હારનો બળાપો કાઢતો એક સીન તેની રેન્જ બતાવી ગયો હતો એવી જ રીતે અહીં તેની અંતરા સાથે લાઈવ રેડિયો શો દરમિયાન ફોન પર થયેલી વાતોમાં તેના હાવભાવ અને બોલવામાં એણે આપેલા આરોહ અવરોહથી મલ્હારની રેન્જની એક નવી જ ઓળખ આપણને થઇ જાય છે.

ફિલ્મનું અન્ય મુખ્ય પાત્ર પ્રતિક ગાંધી ભજવે છે. પ્રતિક ગાંધી પણ આમ જુવોતો વર્સેટાઈલ એક્ટર છે. ‘બેયાર’ માં એની કોમિક ટાઈમિંગ પણ જોવા જેવી હતી પરંતુ અહીં તેને એકદમ ગંભીર ભૂમિકા ભજવવાની આવી છે. એક એવો બિઝનેસમેન જે માત્ર પ્લાનિંગ કરીને જીવે છે. ઓછું હસે છે અથવાતો જો જરૂર પડે તો જ હસે છે. એને પ્રેમ તો થાય છે પણ એ પ્રપોઝ પણ બિઝનેસ ડીલ પ્રપોઝ કરતો હોય એ રીતે કરે છે. આ ઉપરાંત જ્યારે એને રીયલાઈઝ થાય છે કે પ્રેમ કરતા દોસ્તીનો સંબંધ વધારે ઉંચો છે તે સમયે આ ભાવનાના આવન-જાવનને કદાચ પ્રતિક ગાંધી સિવાય કોઈ અન્ય અદાકાર આટલી સારી રીતે વ્યક્ત ન કરી શક્યો હોત.

હા, ફિલ્મ પત્યા પછી કદાચ એમ લાગે કે પ્રતિકને અન્ય અદાકારોની સરખામણીએ મોટેભાગે અન્ડર પ્લે કરાવાનું આવ્યું છે આથી તે અન્ય કલાકારોની સરખામણીએ સ્ક્રિન પર છવાઈ જતો નથી, પરંતુ કદાચ એનું અન્ડર પ્લે કરવું જ એના પાત્રને વધુ નિખાર આપે છે. ફિલ્મનો એક ખાસ સીન જ્યાં તેણે પોતાની ખુશાલી વ્યક્ત કરવાની છે પરંતુ તે પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈને તેને વ્યક્ત નથી કરી શકતો, એ સીનમાં પ્રતિકની અદાકારીનું સ્તર કેટલું ઉંચું છે તેનો આપણને ખ્યાલ આવે છે. આ સીન અંગે વધુ નહીં કહી શકાય કારણકે તમારે હજી ‘લવ ની ભવાઈ’જોવાની બાકી છે એની અમને ખબર છે!

ફિલ્મના ડિરેક્ટર સંદીપ પટેલ સાથે પ્રોડ્યૂસર આરતી પટેલ

ફિલ્મનો ત્રીજો સ્તંભ એટલે આરોહી અને આરોહી એટલે ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર દંપત્તિનું સંતાન. આરોહીની ભૂમિકા એક RJ એટલેકે અંતરાની છે જેની સવાર એના રેડિયો કાર્યક્રમથી થાય છે. અહીં તે લવગુરુ થઈને લોકોની પ્રેમ સમસ્યાના સોલ્યુશન આપે છે. પછી તે આવું જ એક સોલ્યુશન આપતા આપતા અકસ્માતે જ  કોઈના પ્રેમમાં પડે છે અને પછી તેમાં અસંખ્ય ઈમોશન્સનો પણ સામનો કરે છે. ‘લવ ની ભવાઈ’પહેલા આરોહીએ માત્ર એક ફિલ્મ કરી છે. પણ અહીં તે ગુજરાતી ફિલ્મોમાં અદાકારીના બે મોટા નામ એટલેકે મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધી સામે બિલકુલ ઝાંખી પડી નથી, બલ્કે તેના અમુક દ્રશ્યો તો તેણે પોતાના ખભે ઉપાડી લીધા છે.

મલ્હાર સાથે કોમિક ટાઈમિંગ બેસાડવું કદાચ બહુ ઓછા કલાકારો સફળતાપૂર્વક કરી શકે પરંતુ આરોહીએ સતત આ પ્રકારના દ્રશ્યોમાં મલ્હાર સાથે કદમતાલ મેળવ્યો છે. તો સામેપક્ષે એ આરોહીનો અભિનય જ છે જે આપણને એ માનવા મજબૂર કરી દે છે કે પ્રતિક ગાંધીને એ કોઈ ખાસ સંબંધને જ ધ્યાનમાં રાખીને મળે છે. ટૂંકમાં કહીએ તો બે અલગ પ્રકારના ઈમોશન્સ ભજવવામાં આરોહીએ કમાલ કરી દીધો છે.

જેમ દરેક ફિલ્મમાં મુખ્ય પાત્રોની સાથે સપોર્ટમાં રહેલા અદાકારોમાંથી કોઈ એક અદાકાર પોતાની છાપ છોડી જતો હોય છે એમ અહીં પણ મુખ્ય ત્રણ કલાકારો સિવાય દર્શકોના દિલ જીતવામાં કોઈ સફળ જશે તો એ હશે મૌલિક જગદીશ નાયક. શું અફલાતૂન અભિનય કર્યો છે આ બંદાએ? મલ્હારના મિત્રની ભૂમિકામાં મૌલિકે કમાલ કરી નાખી છે. ફિલ્મમાં મૌલિકની અદાકારી જોઇને તમને જો સતત બોલીવુડ એક્ટર વિજય રાઝની યાદ આવે તો નવાઈ ન પામતા. આ ફિલ્મથી આપણને અદ્ભુત કોમિક ટાઈમિંગ ધરાવતો એક નવો અદાકાર મળ્યો છે. તમે જ્યારે પણ ‘લવ ની ભવાઈ’ જોવા જાવ ત્યારે ફિલ્મના એક ગીત દરમ્યાન જીમનું દ્રશ્ય આવે છે તેમાં અને મસ્કાબન ખાતા ખાતા મૌલિકના મિત્રો જ્યારે એની નિષ્ફળતાના ટોણા મારતા હોય છે તે સમયે તેની અદાકારી ખાસ ધ્યાનથી જોજો...ખડખડાટ હાસ્ય એમનેમ મળી જશે.

ફિલ્મની વાર્તા અને ડિરેક્શન પર આવીએ તો વાર્તા બિલકુલ નવી નથી, પણ એમાં તાજગી ભરપૂર છે. આ પ્રકારની વાર્તાને ગુજરાતી બેકગ્રાઉન્ડમાં ખુબજ સરળતાથી ફીટ કરવામાં આવી છે આથી આપણને તે આપણી લાગે છે. જો ડીરેક્શનની વાત કરીએ તો સંદીપભાઈએ ફિલ્મ બનાવવામાં જરૂરથી જબરદસ્ત મહેનત કરી છે તે દેખાઈ આવે છે પરંતુ ફિલ્મને આપણા દિલમાં ઉતારી દેવામાં એમને જરાય મહેનત કરવી પડી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ફિલ્મને એમણે એની ઈચ્છા મુજબ વહેવા દીધી છે. કદાચ તેને કારણે આપણને ક્યાંક એમ લાગે કે આ સિક્વન્સ થોડો લાંબો થઇ શક્યો હોત કે પેલો સિક્વન્સ થોડો ઓછો ચાલ્યો હોત તો વાંધો ન આવત, પણ કદાચ એમ કરવાથી ફિલ્મના પ્રવાહમાં બ્રેક લાગત જે સંદીપભાઈ કદાચ ઈચ્છતા ન હતા અને આથીજ પૂરેપૂરી 260 મિનીટ્સ સુધી ફિલ્મ તમને પોતાની લાગે છે અને બોર નથી કરતી.

‘લવ ની ભવાઈ’નું સૌથી મોટું જમા પાસું છે એનું સંગીત. આમ તો ફિલ્મના ત્રણ ગીત છે, પરંતુ ‘વાલમ આવો ને..’ ઓલરેડી તેની મધુરતા અને અનોખા શબ્દોને કારણે લોકજીભે ચડી ગયું છે. ફિલ્મમાં જ્યારે આ ગીત વાગ્યું ત્યારે સાથી દર્શકો એને સાથે સાથે ગાતા હતા એ જ આ ગીતની લોકપ્રિયતાનું પ્રમાણ છે. જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ‘કેવી રીતે જઈશ’ પહેલાની અને પછીની ફિલ્મો એમ બે ભાગમાં વહેંચી શકાતી હોય તો ગુજરાતી ફિલ્મોનું મ્યુઝિક કદાચ ‘લવ ની ભવાઈ’ પહેલા અને પછી એ રીતે ઓળખાય તો નવાઈ નહીં, સો કુડોઝ ટુ સચિન-જીગર!

‘લવ ની ભવાઈ’એક નિર્ભેળ લવ સ્ટોરી છે અને એટલીજ નિર્દોષ પણ છે. હા આ ફિલ્મ સંપૂર્ણ ફિલ્મ નથી, પણ આ ફિલ્મ નવો ચીલો ચાતરવા ઈચ્છતી ગુજરાતી ફિલ્મોમાં નોખી જરૂર પડે છે. ગુજરાતી ફિલ્મોમાં રોમેન્ટિક ફિલ્મો શરુ કરવાનો ટ્રેન્ડ કદાચ આ ફિલ્મથી શરુ થઇ શકે છે, તો તેને વધાવવા માટે તો આ ફિલ્મ એકવાર તો થિયેટરમાં જઈને જોવી જ પડે ને?

(રિવ્યૂઃ સિદ્ધાર્થ છાયા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp