કંગનાની 'ઇમરજન્સી'ને મળશે સર્ટિફિકેટ પણ 3 સીન કાપવા પડશે અને 10 ફેરફાર કરવા પડશે

PC: instagram.com/kanganaranaut

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ સાથે સંકટના વાદળો દૂર થવાના છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર તરફથી પ્રમાણપત્રના અભાવને કારણે, ફિલ્મ થિયેટરોમાં પહોંચી શકી ન હતી. ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે એક અપડેટ છે. આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. સેન્સરે તેને UA સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ આ માટે મેકર્સે કેટલાક ફેરફાર કરવા પડશે. સેન્સરે ફિલ્મમાં ત્રણ કટ અને દસ ફેરફાર સૂચવ્યા છે.

હવે નિર્માતાઓએ પહેલા CBFC દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારો કરવા પડશે, ત્યારપછી જ ફિલ્મ રિલીઝ થઈ શકશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડે ફિલ્મ 'ઇમરજન્સી'ને લઈને ત્રણ કટ સૂચવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સે 8 જુલાઈએ જ ફિલ્મને સેન્સર બોર્ડને સર્ટિફિકેશન માટે સબમિટ કરી હતી. એક મહિના પછી, શિરોમણી અકાલી દળ અને ઘણા શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં CBFCએ ફિલ્મના પ્રોડક્શન હાઉસને પત્ર દ્વારા ત્રણ કટ અને તેમાં લગભગ 10 ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, 'ઇમર્જન્સી'ના પ્રોડક્શન હાઉસ, મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, CBFC દ્વારા સૂચવવામાં આવેલા 10માંથી 9 સૂચન સાથે સંમત થયા હતા. સેન્સર બોર્ડે ફિલ્મના એક સીનમાં કેટલાક વિઝ્યુઅલ હટાવવા અથવા બદલવાની સલાહ પણ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સીનમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરતા દેખાડવામાં આવ્યા છે. તેમાં એક સૈનિક એક બાળકનું અને બીજો ત્રણ મહિલાઓનું શિરચ્છેદ કરી રહ્યો છે.

CBFCએ 'ઇમર્જન્સી'ના નિર્માતાઓને ફિલ્મમાં એક નેતાના મૃત્યુના જવાબમાં ભીડમાં કોઈ દ્વારા ઉપયોગમાં લેવાતી અપમાનજનક ભાષા બદલવા માટે પણ કહ્યું હતું. આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મના એક ડાયલોગમાં વપરાયેલી સરનેમ બદલવાનો પણ નિર્દેશ આપ્યો હતો. CBFCએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ડેટા માટે સંશોધન સંદર્ભો અને તથ્યલક્ષી સ્ત્રોતોનો ઉલ્લેખ કરીને પણ સલાહ આપી હતી. જેમાં બાંગ્લાદેશી શરણાર્થીઓની માહિતી, કોર્ટના નિર્ણયોની વિગતો અને 'ઓપરેશન બ્લુસ્ટાર'ના આર્કાઇવલ ફૂટેજનો ઉપયોગ કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે.

કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં પૂર્વ PM ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કંગનાએ પોતે કર્યું છે. 'ઇમરજન્સી'માં અનુપમ ખેર, શ્રેયસ તલપડે અને મહિમા ચૌધરી જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં 1975થી 1977 સુધીની 21 મહિનાની ઈમરજન્સીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે. સેન્સર તરફથી પ્રમાણપત્ર મેળવ્યા પછી અને સૂચિત ફેરફારો પૂર્ણ કર્યા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp