પ્રભાસની 'સલાર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો આ રિવ્યૂ
આજકાલ સાઉથની ફિલ્મો જોતા પહેલા મૂંઝવણ રહે છે કે શું આ ફિલ્મમાં સંપૂર્ણ વાર્તા જોવા મળશે? અથવા વાર્તા સમાપ્ત થવા માટે આપણે વધુ 2 વર્ષ રાહ જોવી પડશે. KGF હોય, પુષ્પા હોય કે પછી કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તેનો જવાબ હોય, નિર્માતાઓએ આપણને આ ફિલ્મો જોવા માટે 2 વર્ષ રાહ જોવડાવી. આ જ કારણ હતું કે, સલારને જોવાની ઉત્તેજના સાથે, મેં આ ફિલ્મ થોડા ડર સાથે જોઈ અને મિત્રો, હું તમને શું કહું, આ ડર વાજબી નીકળ્યો કારણ કે સલારની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. આ વાર્તા પૂર્ણ કરવા માટે તમારે સલારની બીજા પાર્ટની રાહ જોવી પડશે. ફિલ્મના પાર્ટ 2 સામે કોઈ વાંધો નથી, પરંતુ જો એક વાર્તા પૂરી થાય અને નવી વાર્તાની ઝલક બતાવીને ફિલ્મ પૂરી થાય તો જ પૈસા વસૂલનું સમાધાન મળે છે. જેમ કે આપણે હાલમાં જ અજય દેવગનની ભોલા કે શાહરૂખની જવાનમાં જોઈ.
જો તમારે 'સલાર' જોવી હોય તો IMAX થિયેટરમાં જુઓ, કારણ કે આ ફિલ્મ આવા મોટા થિયેટર માટે બનાવવામાં આવી છે. અન્યથા તેનું સંગીત માથાનો દુખાવો બની શકે છે. પ્રભાસની આ ફિલ્મમાં પૃથ્વીરાજની એક્ટિંગ તમારું દિલ જીતી લેશે. પરંતુ, તેને ફિલ્મમાં જોવા માટે તમારે લાંબી રાહ જોવી પડશે. વાર્તા બિલકુલ નવી નથી, આપણે વર્ષોથી બે મિત્રો વચ્ચેની વાર્તા સાંભળીએ છીએ, પરંતુ વાર્તાને આપવામાં આવતી ટ્રીટમેન્ટ માટે તમે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો. જો તમે KGF ફ્રેન્ચાઇઝીના ચાહક છો, તો તમને હોમગ્રોન ફિલ્મ સાલાર ગમશે. પરંતુ, સલારની હિંસા જોયા પછી, મારે ફરી એકવાર 'ડંકી' જોવી પડશે.
પ્રભાસે પોતાના અભિનયથી આ ફિલ્મને ન્યાય આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. એક્શન સીન્સમાં તે નેચરલ લાગે છે. બાહુબલી પછી સાઉથની સાહો, રાધે શ્યામ અને આદિપુરુષમાં સાઉથના ડાર્લિંગ કંઈ ખાસ કમાલ બતાવી શક્યા નથી. આ પછી, હવે સલારમાં તેમણે બતાવ્યું છે કે, જો તેની પાસે યોગ્ય ડિરેક્ટર હોય તો પ્રભાસ કમાલ કરી શકે છે. વાર્તા વગરની આ ફિલ્મને હેન્ડલ કરવાનો તેણે પૂરો પ્રયાસ કર્યો છે. પૃથ્વીરાજ પણ હંમેશની જેમ શાનદાર દેખાય છે. સમગ્ર ભારતના દર્શકોએ તેમને અત્યાર સુધી હીરો તરીકે જોયા છે પરંતુ આ ફિલ્મમાં તેમનું પાત્ર ન તો સંપૂર્ણ કાળું છે અને ન તો સંપૂર્ણ રીતે સફેદ છે. આમ છતાં, આપણી આંખો તેમને જોવા માટે તલસે છે. જો પ્રભાસ સાથે સરખામણી કરવામાં આવે તો આ મલયાલમ સુપરસ્ટારને ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. જ્યારે, શ્રુતિ હાસન પણ થોડા સમય માટે જ આ ફિલ્મમાં છે.
જ્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત આવે છે ત્યારે હું સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અવાજ પ્રત્યેના જુસ્સાને સમજી શકતો નથી. કેટલીક જગ્યાએ સલારનો બેકગ્રાઉન્ડ સ્કોર કાનમાંથી લોહી નિકાળી નાંખે છે. ફિલ્મનું છેલ્લું ગીત અને ક્લાઈમેક્સ તમને બાહુબલી ફિલ્મની યાદ અપાવશે. બીજી તરફ આ ફિલ્મમાં કંઈક વધુ જ ડાર્ક ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ફ્લેશબેકને ડાર્ક ટોનમાં બતાવવામાં આવ્યું હોત અને વર્તમાનને બતાવવા માટે કેટલાક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો વધુ મજા પડત. પરંતુ, આખી ફિલ્મમાં માત્ર ડાર્ક ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેટમેનને ડાર્ક સેન્ટ્રીક થીમમાં જોવો એ અલગ વાત છે પણ સલારને જોવું અજીબ છે.
સિનેમેટોગ્રાફી અદ્ભુત છે. આ બાબતમાં આ ફિલ્મ હોલીવુડની ફિલ્મોને ટક્કર આપી શકે છે. ભુવન ગૌડા આ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેમણે RRR અને બાહુબલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ માટે તેણે ખાસ ડિઝાઈન કરેલા એરી એલેક્સા કેમેરાનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ફિલ્મમાં ઘણા અદ્ભુત શોટ્સ લેવામાં આવ્યા છે. દેવાની કોલસાની ખાણો હોય કે વરદરાજનું શહેર, તેના પર ઉત્તમ કેમેરા વર્ક કરવામાં આવ્યું છે.
કાસ્ટિંગ સારું છે પરંતુ પ્રભાસ, પૃથ્વીરાજ અને શ્રુતિ હાસન સિવાય દરેકનો મેક-અપ ખૂબ લાઉડ છે.
પ્રભાસના ચાહકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ, કારણ કે ત્રણ ફિલ્મોની રાહ જોયા પછી હવે તમે કહી શકો છો કે, ડાર્લિંગ પાછી આવી છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજની એક્ટિંગને કારણે પણ તેને એક તક આપવામાં આવી શકે છે. એક્શન ફિલ્મો જોનારાઓને આ ફિલ્મ ચોક્કસ ગમશે. પરંતુ, KGF અને Kantara જેવી ફિલ્મો બનાવનાર હોમબલ ફિલ્મ્સ પાસેથી વધુ સારી વાર્તાની અપેક્ષા હતી. અહીં આપણને બાહુબલી અને KGFની કોકટેલ પીરસવામાં આવી છે, જે વાર્તા વિના તૈયાર કરવામાં આવી છે.
ફિલ્મનું નામ: સલાર, ડાયરેક્ટરનું નામ: પ્રશાંત નીલ, અભિનેતા: પ્રભાસ, શ્રુતિ હસન પૃથ્વીરાજ, પ્લેટફોર્મ: થીએટર, રેટિંગ્સ: 3 સ્ટાર્સ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp