રણદીપ હૂડાની ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની પહેલા દિવસે ફક્ત આટલી કમાણી થઈ

PC: news18.com

શુક્રવારે રીલિઝ થયેલી રણદીપ હૂડાની બહુચર્ચિત ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે ફક્ત 1.10 કરોડની કમાણી કરી હતી. દુનિયાભરમાં તેની કુલ કમાણી ફક્ત 1.60 કરોડની રહી હતી. ફિલ્મને દર્શક જ નથી મળી રહ્યા, પહેલા દિવસે ફક્ત 15.40 ટકા ઓક્યૂપેન્સી હતી. બીજી બાજુ અજય દેવગણની શૈતાન ફિલ્મ હજુ બધી ફિલ્મોને ટક્કર આપી રહી છે. શૈતાન ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી 168 કરોડને પાર કરી ગઈ છે.

ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

જ્યારે સ્વતંત્રતા સંગ્રામના નાયકોનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે વર્તમાન પેઢી મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના નામ જ જાણે છે. પરંતુ આ ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ગાંધી અને નેહરુના યુગ પહેલા દેશ માટે સર્વસ્વ જોખમમાં મૂકનાર અનેક વિસ્મૃત નાયકોની દર્દનાક સંઘર્ષગાથાને પડદા પર લાવે છે.

આ ફિલ્મની વાર્તા 18મી સદીના છેલ્લા દાયકામાં શરૂ થાય છે, જ્યારે દેશ પ્લેગની મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો. અંગ્રેજ સરકારની ગુલામી હેઠળ દેશવાસીઓ યોગ્ય જીવન સંસાધનો વિના કીડા મંકોડાની જેમ મૃત્યુ પામી રહ્યા હતા. આપણે કોરોનાનો ખતરનાક સમય જોયો છે, પરંતુ તે સમયે અંગ્રેજો પ્લેગના પીડિતોને જીવતા સળગાવી દેતા હતા. તે સમય દરમિયાન વિનાયક દામોદર સાવરકર (રણદીપ હુડ્ડા)ના પિતા દામોદર સાવરકર પ્લેગનો શિકાર બન્યા અને તેમના પરિવારની જવાબદારી તેમના મોટા પુત્ર ગણેશ દામોદર સાવરકર (અમિત સિયાલ) અને તેમની પત્નીને આપીને આ દુનિયા છોડી દીધી. દામોદરે તેના ત્રણ પુત્રોને સમજાવ્યા હતા કે, અંગ્રેજો ખૂબ શક્તિશાળી છે, તેથી તેમની સાથે લડવાનો કોઈ અર્થ નથી. આમ છતાં, બાળપણથી જ બ્રિટિશ વિરોધી વિચારો ધરાવતા વિનાયકે તેમના મોટા ભાઈ ગણેશ સાથે મળીને અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરતી ગુપ્ત સંસ્થા અભિનવ ભારતનો પાયો નાખ્યો હતો. સાવરકરે માત્ર અંગ્રેજી વસ્ત્રોની જંગી હોળી જ નથી પ્રગટાવી, પરંતુ તેમની સંસ્થા સાથે જોડાયેલા તમામ યુવાનોએ અનેક અંગ્રેજ અધિકારીઓને મારી નાખ્યા.

તે સમય દરમિયાન સાવરકરને સ્વતંત્રતા ચળવળના મુખ્ય નેતા લોકમાન્ય બાલ ગંગાધર તિલકના આશીર્વાદ મળ્યા હતા. અંગ્રેજોને તેમની જ રણનીતિ દ્વારા હરાવવાની કળા શીખવા સાવરકર કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા. અહીં લંડનમાં હાજર ભારતીય ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્માના ઈન્ડિયા હાઉસમાં ભેગા થતા હતા. તેમની મદદથી, સાવરકરે તેમની સંસ્થાના સભ્યો માટે શસ્ત્રો એકત્રિત કર્યા અને બોમ્બ બનાવવાનું શીખ્યા. તેમની સંસ્થા સાથે સંકળાયેલા મદન લાલ ઢીંગરાએ લંડનમાં બ્રિટિશ સિક્રેટ સર્વિસના વડા કર્ઝન વાયલીને ખુલ્લેઆમ ગોળી મારીને સનસનાટી મચાવી હતી. આ દુ:ખદ ઘટના પછી, સાવરકરની ધરપકડ કરવામાં આવી અને તેમને ભારત મોકલવામાં આવ્યા અને તેમને બેવડી આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી અને તેમને કાલા પાણી એટલે કે આંદામાન નિકોબાર ટાપુઓ પર મોકલી આપવામાં આવ્યા, જ્યાં એવું કહેવાય છે કે, ત્યાંથી કોઈ જીવતું પાછું ફરતું નથી. આનાથી આગળની વાર્તા જાણવા માટે તમારે સિનેમા થિયેટરમાં જવું પડશે.

અભિનેતા રણદીપ હુડ્ડા કે જેઓ પોતાના પાત્રોમાં ડૂબી જવા માટે જાણીતા છે, તે આ ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' સાથે ઘણા જોડાયેલા રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત તેણે તેના નિર્દેશન અને નિર્માણનું કામ પણ સંભાળ્યું છે. તેણે ઉત્કર્ષ નૈથાની સાથે મળીને તેની વાર્તા પણ લખી છે. દિગ્દર્શક તરીકે રણદીપે આ ફિલ્મ પર ઘણી મહેનત કરી છે. લગભગ ત્રણ કલાક લાંબી આ ફિલ્મ તમને શરૂઆતમાં તેના પાત્રો સાથે જોડે છે. ફિલ્મનો ઈન્ટરવલ ખૂબ જ રસપ્રદ તબક્કે થાય છે. જો કે ઈન્ટરવલ પછી વાર્તા ચોક્કસપણે થોડી બોજારૂપ બની જાય છે, પરંતુ ટૂંક સમયમાં તે પાછી પાટા પર આવી જાય છે.

અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ રણદીપે ફિલ્મના ઘણા ભાગોને ફરીથી શૂટ કર્યા છે અને તેની મહેનતની અસર ફિલ્મમાં જોવા મળે છે. ખાસ કરીને કાલા પાની ની સજાનો સીન જોઈને, રણદીપનો ફિલ્મ સરબજીતનો રોલ તાજો થઇ આવે છે. જો કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો રણદીપે પોતાના પાત્રમાં ઘણી મહેનત કરી છે. આનું પરિણામ એ છે કે, તમે સ્ક્રીન પર માત્ર સાવરકર જ નજર આવે છે. અમિત સિયાલ સહિત અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. જો કે, વિનાયક અને ગણેશ સિવાય, ફિલ્મના અન્ય કલાકારોએ તેમની ભૂમિકાને એટલી સારી રીતે બંધબેસતી નથી કરી. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે અને તેના સેટ પણ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અલબત્ત, 100 વર્ષ જૂના યુગને પડદા પર લાવવો સરળ ન હતો. કાળા પાણીની સજાના ભયાનક દ્રશ્યો પ્રેક્ષકોના રુવાડા ઉભા કરી દે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર અને પાત્રોની ડ્રેસ ડિઝાઇનિંગ પણ જોરદાર છે. જોકે, ફિલ્મનું સંગીત એટલું મજબૂત નથી. તેનું કોઈ પણ ગીત શ્રોતાઓમાં દેશભક્તિનો ઉત્સાહ જગાડવામાં સક્ષમ નથી.

તમે શા માટે આ ફિલ્મ જુઓ : જો તમને આઝાદીની લડાઈમાં રસ છે અને તમે તેનાથી સંબંધિત કેટલાક નવા પાસાઓને નજીકથી જોવા માંગો છો, તો તમે આ ફિલ્મ માટે ટિકિટ ખરીદીને તેને જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp