એક્ટરે 500 ફિલ્મમાંથી 300 ફિલ્મમાં 'જજ'ની ભૂમિકા ભજવી,તાઉમ્ર લીડ રોલની ઝંખના રહી
બોલિવૂડમાં ઘણા એવા દિગ્ગજ સ્ટાર્સ છે જેમણે પોતાના કરિયરમાં ખૂબ જ નાની ભૂમિકાઓ ભજવી છે. તેની આ જ નાની ભૂમિકાએ તેમને દર્શકોમાં મોટો બનાવ્યો. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું, જેમણે પોતાના કરિયરમાં લગભગ 500 ફિલ્મો કરી. તેણે અડધાથી વધુ ફિલ્મોમાં જજની જ ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે, તેમને ક્યારેય મુખ્ય ભૂમિકા ભજવવાની તક ન મળી, પરંતુ તે અભિનેતા હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો આજે પણ જોવામાં આવે છે.
અમે અહીં જે વ્યક્તિત્વ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે દિવંગત પીઢ અભિનેતા હામિદ અલી મુરાદ છે. જે બોલિવૂડમાં મુરાદ તરીકે ઓળખાય છે. મુરાદ આપણી વચ્ચે નથી. 1940થી 1980 સુધી મુરાદ ઘણી ફિલ્મોનો ભાગ હતા.
મુરાદ દીદાર (1951), આન (1952), દો બીઘા જમીન (1953), મિર્ઝા ગાલિબ (1954), અમર (1954), દેવદાસ (1955), આઝાદ (1955), મુગલ-એ-આઝમ, ટારઝન ગોઝ ટુ ઈન્ડિયા (1962), તાજમહેલ (1963), લવ ઇન ટોક્યો (1966), નીલ કમલ (1968), કાલિયા (1981), સન્યાસી (1975), શહેનશાહ (1988), ભ્રષ્ટાચાર (1989), પ્યાર કે નામ કુરબાન જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. એકંદરે, મુરાદે 40 થી 80ના દાયકામાં ઘણું કામ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે ખૂબ નામ અને ખ્યાતિ પણ મેળવી.
મુરાદ એવા અભિનેતા હતા જેમણે અશોક કુમાર, દિલીપ કુમાર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અભિતાભ બચ્ચન, જીતેન્દ્ર કુમાર અને મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. તેઓ વીણા કુમારી, સુરૈયા, નરગીસ, મધુબાલા, હેમા માલિની, રેખા અને ડિમ્પલ કાપડિયા જેવી પીઢ અભિનેત્રીઓના પિતા, સસરા, મામા અને દાદા બન્યા હતા. આ સિવાય તેમણે કેટલીકવાર ફિલ્મોમાં ઈન્સ્પેક્ટર, જજ, વકીલ અને પ્રોફેસરની ભૂમિકાઓ ભજવી હતી.
મુરાદે તેની અભિનય કારકિર્દીમાં 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ 300થી વધુ ફિલ્મોમાં જજની ભૂમિકા ભજવી. આ તેની કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. પરંતુ દુઃખની વાત એ છે કે, આટલી બધી ફિલ્મોમાં કામ કરવા છતાં તેને ક્યારેય લીડ રોલ કરવાનો મોકો મળ્યો નથી.
અહીં તમને જણાવી દઈએ કે, હામિદ અલી મુરાદ બોલિવૂડના હિટ વિલન રઝા મુરાદના પિતા હતા. તેમનો જન્મ 24 સપ્ટેમ્બર 1911ના રોજ ઉત્તર પ્રદેશના રામપુરમાં થયો હતો. 24 એપ્રિલ 1997ના રોજ 86 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. એકવાર રઝા મુરાદે તેના પિતા વિશે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેના પિતા સંયોગથી ફિલ્મોમાં આવ્યા હતા. તેમને નિર્માતા અને નિર્દેશક મહેબૂબ ખાન સાહબ દ્વારા બોલિવૂડમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
રઝા મુરાદે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમના પિતા વર્ષ 1938માં મુંબઈ આવ્યા હતા. તે સમયે રઝા અલી ખાન રામપુર રાજ્યના નવાબ હતા. તેમના પિતાએ નવાબ વિરુદ્ધ સરઘસ કાઢ્યું હતું. આવી સ્થિતિમાં તેમને 24 કલાકમાં રામપુર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બોમ્બે આવીને તેની મિત્રતા ઝીનત અમાનના પિતા અમાનુલ્લા ખાન સાથે થઈ ગઈ, તેમના પિતા એટલે કે મુરાદને વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. આવી સ્થિતિમાં, તેઓ એકવાર તે સમયના પ્રખ્યાત નિર્દેશક મહેબૂબ ખાનને વાર્તા સંભળાવવા ગયા. વાર્તા સાંભળતી વખતે દિગ્દર્શકે કહ્યું, 'તમે આ વાર્તા લખવાનું છોડી દો, અને મને એ બતાવો કે, શું તમે અભિનેતા બનશો?'
મહેબૂબ ખાનની આ વાત સાંભળીને મુરાદને બિલકુલ વિશ્વાસ ન થયો. તેમણે એક્ટર બનવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ મહેબૂબ ખાન તેમને એક અભિનેતા તરીકે જોવા માંગતા હતા, તેમને ઘણા સમય સુધી મનાવ્યા પછી મુરાદ એક્ટર બનવા માટે રાજી થયા હતા. ત્યાર પછી 1942માં આવેલી મહેબૂબ ખાનની ફિલ્મ 'નઝમા'થી તેમનું ડેબ્યુ થયું. તે ફિલ્મમાં મુખ્ય અભિનેતા અશોક કુમાર અને મુખ્ય અભિનેત્રી વીણા હતી. આ ફિલ્મમાં મુરાદે અશોક કુમારના પિતાની ભૂમિકા ભજવી હતી. આ રીતે મુરાદે ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp