હાઈકોર્ટે ગીતા રબારીને આપી મોટી રાહત, પોલીસ દ્વારા નહીં થાય કોઈ કાર્યવાહી

PC: youtube.com

ગુજરાતની લોક ગાયિકા ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગીતા રબારી સામેના ગુનામાં હાઈકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો છે અને હાઈકોર્ટે સ્પષ્ટ પણે સૂચન કર્યું છે કે, હાલમાં ગીતા રબારી સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવશે નહીં. કોરોનાની મહામારી વચ્ચે એક ગામમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મામલે ગીતા રબારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

રિપોર્ટ અનુસાર 21 જુલાઇના રોજ ભુજના રેલડી ગામમાં એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોકડાયરામાં ગીતા રબારીની હાજરી હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે, ગીતા રબારીની સાથે સાથે આ લોકડાયરામાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને લોકડાયરામાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હોવાના કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકડાયરનો વીડિયો વાયરલ થયા બાદ ભુજ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે ડાયરાના આયોજકો અને ગીતા રબારી સામે ગુનો દાખલ કર્યો હતો.

કોરોનાની મહામારી વચ્ચે ડાયરાની સહમતી દર્શાવનાર ગીતા રબારી સામે પણ કાર્યવાહી થઈ હતી. કોરોનાની મહામારી વચ્ચે ડાયરો યોજવા બદલ અને તેમાં સામાજિક અંતરનો ભંગ થવા બદલ કલેક્ટરના જાહેરનામાના તેમજ IPC કલમ 188, 269 અને 270 કલમ હેઠળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે ગીતા રબારીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને હાઇકોર્ટમાં ગીતા રબારીને રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા ગીતા રબારી સામે કાર્યવાહી ન કરવાનો વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો છે. જેથી ગીતા રબારી અને પોલીસ દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ગાયક કલાકારોએ અલગ-અલગ જગ્યાઓ પર કાર્યક્રમો કરીને લોકોની ભીડ એકઠી કરી સામાજિક અંતર અને માસ્કના નિયમોના ધજાગરા કર્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મહત્વની વાત છે કે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યુ છે અને રાજ્યમાં હાલ નહીંવત કરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. તો કેટલાક જિલ્લાઓ તો કોરોના મુક્ત થયા હોવાની માહિતી પણ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp