કંગનાની ‘ધાકડ’ અને ‘તેજસ’ ફિલ્મે પ્રોડ્યૂસરોના આટલા કરોડનું આંધણ કરી નાખ્યું
અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી નથી. તેની છેલ્લી હિટ ફિલ્મ મણિકર્મિકા હતી. જે 2019માં રીલિઝ થઇ હતી. ત્યાર પછી તેણે જજમેન્ટલ હે ક્યા, પંગા, થલાઇવી અને ધાકડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી એક પણ ફિલ્મ હીટ સાબિત થઇ નથી. હાલમાં અભિનેત્રીની ફિલ્મ તેજસ રીલિઝ થઇ. આ ફિલ્મ પણ કંગનાની સુપર ફ્લોપ ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે. જણાવીએ કે કંગના રણૌતની પાછલી બે ફિલ્મ ધાકડ અને તેજસે નિર્માતાઓને 129 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
તેજસ ફિલ્મનું ડિરેક્શન સરવેશ મેવાડાએ કર્યું છે. જે તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને એરિયલ એક્શન ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. ફિલ્મ 70 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. પણ તેજસ આખા દેશમાંથી માત્ર 4.25 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી. આ એક એવી ફિલ્મ રહી કે ઘણાં થિએટર્સમાં તેની એકપણ ટિકિટ પણ વેચાઇ નહીં. ખેર, 4.25 કરોડ રૂપિયામાંથી 1.91 કરોડ રૂપિયા ડિસ્ટ્રિબ્યૂટર્સને ગયા, તો પ્રોડ્યુસર્સને મળ્યા 2.34 કરોડ રૂપિયા. તેજસના સેટેલાઇટ, મ્યૂઝિક અને સ્ટ્રિમિંગ રાઇટ્સની કિંમત 17 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહી છે. ટોટલ કલેક્શન પહોંચી ગયું 19.34 કરોડ રૂપિયા.
ફિલ્મના 70 કરોડ રૂપિયાના બજેટમાંથી 19.34 કરોડ રૂપિયા ઘટાડીશું તો બચશે 50.66 કરોડ રૂપિયા. એટલે કે કંગનાની તેજસ ફિલ્મના નિર્માતાઓને 50.66 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કંગનાની પાછલી ફિલ્મ ધાકડની વાત કરીએ તો આ 80 થી 85 કરોડ રૂપિયામાં બની હતી. ફિલ્મે વર્લ્ડવાઇડ માત્ર 3.17 કરોડ રૂપિયાની કમાણી કરી. બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શનને લીધે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ પણ ઓછા ભાવે વેચાયા. બોલિવુડ હંગામાની રિપોર્ટ્સ અનુસાર, ધાકડ ફિલ્મના નિર્માતાઓને આ ફિલ્મથી 78.72 કરોડ રૂપિયા નું નુકસાન થયું. જો તેજસ અને ધાકડ ફિલ્મના નુકસાનને ભેગું કરીએ તો કુલ મળીને કંગનાની આ બે ફિલ્મથી નિર્માતાઓને 129.38 કરોડ રૂપિયાની ખોટ ગઇ છે.
ખેર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંગના રણૌતના રાજકીય વલણે આ રીતના ખરાબ બોક્સ ઓફિસ પ્રદર્શનનું કારણ છે. લોકો કંગનાને રિયલ લાઇફમાં એટલું જોઇ અને સાંભળી લે છે કે તેની ફિલ્મોમાં રૂચિ ઓછી થઇ જાય છે. એટલું જ નહીં ફિલ્મની ઉપર પૂર્ણ અધિકાર પણ કંગનાના વિરોધમાં કામ કરી રહ્યો છે. જો દરેક ડિરેક્ટર કંગનાના કહેવા અનુસાર ફિલ્મ બનાવશે, તો દેખીતી વાત છે કે ફિલ્મની ક્વોલિટી પર અસર પડશે. આવનારા દિવસોમાં કંગના ફિલ્મ ‘ઈમરજેંસી’ માં જોવા મળશે. જેમાં તે દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને પણ કંગનાએ પોતે જ ડિરેક્ટ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp