જ્યારે સોઢી દેવામાં ડૂબી ગયો,ન તો મદદ માંગી કે ન જીવન હાર્યો,કેવા દિવસો કાઢ્યા?

PC: agniban.com

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ગુરુચરણ સિંહ ઘણા દિવસોથી ગાયબ છે. તેના પિતાની ફરિયાદના આધારે પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. ત્યારથી, ગુરુચરણને લઈને અનેક વાતો સામે આવી રહી છે. એવું પણ કહેવાય છે કે, તે ડિપ્રેશનમાં હતો. પરંતુ સાથે કામ કરતા કલાકારો માને છે કે આવું થઈ જ ન શકે. ગુરુચરણ એક જિંદાદિલ માણસ છે.

ગુરુચરણની આ જિંદાદિલ છબીની ઝલક એક જૂની મુલાકાતમાં પણ જોઈ શકાય છે. અહીં તેઓ પોતે કેટલી મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા તે કહેતા જોવા મળે છે, પરંતુ તેમણે ક્યારેય હિંમત હારી નથી, કે તેણે ક્યારેય પોતાને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું ન હતું. તે હંમેશા લડવામાં માને છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મુશ્કેલીનો સામનો કરીને આગળ વધવાનો છે.

'ધ P.S. રાઠોડ ટોક શો'ને આપેલા આ ઈન્ટરવ્યુમાં ગુરુચરણે તેમની કારકિર્દીના સંઘર્ષથી લઈને તેમના મુશ્કેલીના દિવસો સુધીની ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. ગુરુચરણે કહ્યું હતું, હું આભારી છું કે મારા જીવનમાં ઘણા પડકારો આવ્યા, મને ક્યારેય એવું લાગ્યું નથી કે, ભગવાન મારા પર મહેરબાન નથી. મને હંમેશા એવું લાગ્યું છે કે ભગવાન મારી સાથે છે, હંમેશા મને હિંમત આપે છે.

'એવો પણ એક સમયગાળો આવ્યો, જ્યારે પરિસ્થિતિ આર્થિક રીતે ખુબ જ ખરાબ હતી. પૈસા નહોતા અને ધીરે ધીરે દેવું વધી રહ્યું હતું. મતલબ, એવું થઇ ગયું હતું કે, હું શું કરું અને શું નહીં. અમારી પાસે એક પ્લોટ હતો જેના પર કેસ ચાલી રહ્યો હતો અને અમારા પર દેવું વધી રહ્યું હતું. તેથી અમે દરરોજ કંઈક ને કંઈક વેચવા માટે જતા. બધા તેનો લાભ ઉઠાવતા હતા. હવે જુઓ કે ભગવાન કેવી રીતે મદદ કરે છે. હું પૈસા મંગાવાવાળાઓથી ઘેરાયેલો હતો. હવે તે તેમની પણ ભૂલ નથી, તેઓ પણ તેમના પૈસા માંગે છે. તેથી અમારે વારંવાર સાંભળવું પડતું હતું. હવે સાંભળવું અશક્ય હતું. સ્થિતિ એવી હતી કે, તમે તમારા દિલથી તેમને તેમના પૈસા પાછા આપવા માંગો છો, પરંતુ તમારી પાસે પૈસા નથી.'

ગુરુચરણે આગળ કહ્યું, પણ એક વાત હતી. એક દિવસ રસ્તા પર ઉભા રહીને મેં કહ્યું કે ગુરુ, ગમે તે થાય હું આત્મહત્યા નહિ કરું. ગમે તે હોય હું મરીશ નહિ. જો તમે જીવન આપ્યું છે તો બધું બદલાઈ પણ શકે છે. સંજોગો એવા જ હતા અને મારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ તેણે પોતાનો જીવ આપી દીધો હોત. પણ મેં કહ્યું ના, હું નહિ કરું. મને હજુ પણ યાદ છે, હું એટલો દુઃખી હતો કે, લાજપત નગરમાં રસ્તા પર ઊભો હતો, ત્યારે મેં ભગવાન તરફ જોયું અને કહ્યું, જો તમે એમ ન માનતા હો કે હું તેમના પૈસા ચૂકવવા માંગુ છું, તો મને મારી નાખો, હું આત્મહત્યા નહીં કરું.'

'તમને વિશ્વાસ નહીં થાય, એ પછી નજીકનો એક દુકાનદાર મારી પાસે આવ્યો અને કહ્યું, ઓયે સરદારજી, એક માણસ તમને ઘણા સમયથી શોધી રહ્યો છે. મેં કહ્યું મને કોણ શોધતું હશે? તેણે મને એક નંબર આપ્યો. મેં ફોન કર્યો તો ત્યાંથી એક વ્યક્તિએ કહ્યું, અમે આટલા પૈસામાં તમારો પ્લોટ ખરીદવા માંગીએ છીએ, મને કહો, શું તે સ્વીકાર્ય છે? હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં કહ્યું કે મેં હમણાં ભગવાનને કહ્યું અને તેણે તે જ ક્ષણે મારી વાત સાંભળી. અમને 25 દિવસમાં પૈસા મળી ગયા. મેં ગુરુદ્વારા બોલાવીને તમામ દેવાદારોને પૈસા આપ્યા ત્યારે અમે અને તેઓ બધા રડવા લાગ્યા.'

આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં ગુરુચરણે કહ્યું કે, ભગવાન છે, દરેકની સાથે છે, તમારે તમારામાં વિશ્વાસ રાખવાની જરૂર છે. ગુરચરણ તારક મહેતા...સિટકોમમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેણે CIDમાં પણ કામ કર્યું છે. તેના સહ કલાકારો અને ચાહકો આશા રાખી રહ્યા છે કે, તે જ્યાં પણ હોય, તે સુરક્ષિત રીતે ઘરે પરત ફરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp