કરદાતાઓના પૈસે 3 IAS અધિકારીઓએ પેરિસમાં જલસા કર્યા, 18 લાખનો ખર્ચ કરી નાંખ્યો

PC: indianexpress.com

ચંદીગઢ સરકારમાં કામ કરતા ત્રણ IAS અધિકારીઓ સવાલોના ઘેરામાં છે. આ મામલો તેમની એક જૂની વિદેશ યાત્રા સાથે જોડાયેલો છે. 2015માં ત્રણેય સરકારી ખર્ચે પેરિસ ફરવા ગયા હતા. કામના નિર્ધારિત સમય કરતાં ઘણા વધુ દિવસો રોકાયા. જેટલો ખર્ચ કરવા માટે તેઓ જે અધિકૃત હતી તેના કરતા ઘણો વધારે ખર્ચ કરી નાંખ્યો હતો. મતલબ 3 IAS અધિકારીઓએ કરદાતાના ખર્ચે પેરિસમાં મોજમજા કરી હતી. પોતાની સગવડતા માટે તેમણે ફાઇવ સ્ટાર હોટલ બદલાવી અને તેનાથી પણ વધુ વૈભવી મિલકતમાં રોકાયા હતા.એવું પણ સામે આવ્યું છે કે, જે આમંત્રણ પર તેઓ પેરિસ ગયા હતા તે આમંત્રણ તેમના માટે હતું જ નહીં, ત્રણેયનો એક માત્ર હોટલનો ખર્ચ 17 લાખ 97 હજાર રૂપિયા આવ્યો હતો.

સ્પેશિયલ ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. કરદાતાઓના નાણાં પર તેમની અંગત સફરનો આનંદ માણનારા અધિકારીઓની ઓળખ ચંદીગઢ વહીવટીતંત્રના તત્કાલીન સલાહકાર વિજય દેવ, તત્કાલીન ગૃહ સચિવ અનુરાગ અગ્રવાલ અને તત્કાલીન સચિવ (કર્મચારી) વિક્રમ દેવ દત્ત તરીકે કરવામાં આવી છે. RTIમાં મળેલી માહિતી મુજબ ત્રણેયએ એકબીજાના બજેટમાં વધારો કરવાની પોતે જ મંજૂરી આપી હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ પેરિસમાં 15 જૂન 2015ના દિવસે આર્કિટેક્ટ લે કોર્બુસીયરના મોતની 50મી પૂણ્યતિથી પર આયોજિત એક બેઠક સાથે જોડાયેલું આમંત્રણ આવ્યું હતું. ચંદીગઢ સરકારને સોંપવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ આમંત્રણ ચંદીગઢના ચીફ આર્કિટેક્ટ માટે હતું, પરંતુ તેમને બદલે સેક્રેટરી લેવલના 3 અધિકારીઓ પેરિસ ઉપડી ગયા હતા.

બેઠકમાં ભાગ લેવા માટે ચંદીગઢ વહીવટીતંત્રના ત્રણ અધિકારીઓને કેડર ક્લિયરન્સ આપવા અંગે દિલ્હીને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 5 જૂને ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી હતી. જો કે, ઓડિટમાં બહાર આવ્યું છે કે વિદેશ મંત્રાલય તરફથી મંજૂરીનું કોઈ પ્રમાણપત્ર મળ્યું નહોતું.

એ વાત પણ સામે આવી કે બેઠક માટે 3 IAS અધિકારીઓ 7 દિવસ પેરિસમાં પસાર કર્યા. નિયમો મુજબ એવું છે કે 5 દિવસ કરતા વધારે થવાના હોય તો એવા સંજોગોમાં સ્ક્રિનિંગ કમિટિની સામે રજૂઆત કરીને મંજૂરી મેળવવી જરૂરી હોય છે. પરંતુ 7 દિવસની ટૂર થઇ હોવા છતા ન તો મામલો સ્ક્રિનિંગ કમિટિ સામે મુકવામાં આવ્યો હતો કે ન તો કોઇ મંજૂરી લેવામાં આવી હતી.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિજય દેવ અને વિક્રમ દેવદત્તે એક બીજા માટે પ્રોગ્રામને મંજૂરી આપી દીદી હતી અને વિજય દેવે અનુરાગ અગ્રવાલના પ્રોગ્રામને મંજૂરી આપેલી. આ બધું 10 જૂન 2015ના દિવસે થયું હતું.

આ મામલામાં ત્રણેય અધિકારીઓ તરફથી કોઇ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp