26th January selfie contest

ગુજરાતના તમામ સરકારી વિભાગો પર આ રીતે નજર રાખશે CM રૂપાણી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશ બોર્ડ દ્વારા સરકારના પબ્લિક ડિલિંગ વિભાગોનું સીધું મોનિટરિંગ મુખ્યમંત્રી કાર્યાલયથી થશે તેમ જણાવ્યું છે.  રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઇ માસના અંત સુધીમાં જોડાઇ જશે એમ તેમણે જાહેર કર્યું છે.

મુખ્યમંત્રીએ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ પ્રચાર માધ્યમો સમક્ષ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બધા જ જિલ્લા કલેકટરો ડી.ડી.ઓ., એસ.પી.ને પ્રતિ માસ 8 થી 10 મુદ્દાઓ ફોકસ પોઇન્ટ તરીકે આપીને એ વિષયોમાં એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોકસ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓની એફિસિયન્સીનું સતત મોનિટરિંગ પણ શક્ય બનશે. આના પરિણામે કાર્યદક્ષતા વધશે.

વિજય રૂપાણીએ કહ્યું કે આ ડેશ બોર્ડમાં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલસ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 3 કોલ આપી કામગીરી પૂર્ણ કરવાની સતત સૂચના અને દેખરેખ રખાય છે. આ ડેશ બોર્ડ સરકારનું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતાથી ટેક્નોલોજીના ઉપયોગથી ગુડ ગર્વનન્સનો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સર્વેલન્સ સિસ્ટમથી રીયલ ટાઇમ મોનિટરિંગથી રાજ્યમાં કયાં સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. 

તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં રાજ્યની સિધ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુ કે નેશનલ પેરામીટર્સમાં પણ મોનિટરિંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. વિજયે કહ્યું કે મોટા પ્રોજેકટના અમલીકરણ ફોલોઅપ સમાયાવધિ વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુકત બનશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સી.એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્યના વિવિધ વિભાગોની આઇ.ટી. ટિમ અને ડેશ બોર્ડના સંકલનથી આ પદ્ધતિને વધુ પરિણામલક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. ડેશ બોર્ડની જિલ્લા સ્તરની સ્થિતિનું પણ જીવન્ત નિદર્શન આ વેળાએ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે લોકોના કામ ઝડપથી થાય, સરકારે નક્કી કરેલા પ્રોજેક્ટો ઝડપથી પૂરા થાય. યોજનાઓનો લાભ નીચે સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડિપાર્ટમેન્ટ નીચે કલેક્ટર, ડી.ડી.ઓ. અને તાલુકા સુધી એક કનેક્ટિવિટી ઉભી થાય, જેથી કરીને દરેક યોજના, દરેક નિર્ણય, દરેક અરજીઓ ચેકીંગ થાય અને સમયસર એ બધા અરજીઓનો નિકાલ પણ થાય એટલા માટે સીએમ ડેશબોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

જુલાઇ અંત સુધીમાં તમામ ડેટા અંદર ઇન્વોલ્વ થઇ જાશે અને ઓગષ્ટથી આપણે વહિવટી રીતે, અનુકૂળતાની સાથે નિશ્ચત લક્ષ્યાંક સાથ તમામ જિલ્લા એક સાથે આગળ વધશે અને આપણે ધાર્યા લક્ષ્યાંકો પૂરા પાડી શકીશું અને ગુજરાતની સાડા છ કરોડ જનતાના વ્યક્તિગત પ્રશ્નો, સામુહિક પ્રશ્નો એના નિરાકરણ પણ આપણે ઝડપથી ગાંધીનગર બેઠા કરી શકીશું. એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

ડેશ બોર્ડની ફોલોઅપની વિગતો આપતાં તેમણે કહ્યું કે, CM ડેશ બોર્ડ આોફિસમાંથી પહેલા અમારા કર્મયોગી કર્મચારી દ્વારા ફોલોઅપ થશે. પેન્ડન્સી કેટલી છે એ દેખાડવામાં આવશે. પછી મહિના પછી અધિકારી સેક્રેટરી લેવલથી ફોલોઅપ થશે. અને એમાં પણ જો સુધારો નહિ આવે તો સીધુ મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય અને ફોલોઅપ થશે. પછી એક્શન ટેકન પણ થશે. એના નિરાકરણ આપણે ઝડપથી ગાંધીનગર બેઠા થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,જે વિભાગો-કચેરીઓ પ્રજાજીવન સાથે સીધા જ જોડાયેલા છે ત્યાં અરજદારો-રજૂઆત કર્તાઓની રજૂઆતનો જો ત્વરિત નિકાલ ન થાય તો સરકાર જનસમસ્યા નિવારણ માટે કામ કરતી નથી એવી છાપ ઉભી થતી હોય છે. આ સંદર્ભમાં CM ડેશ બોર્ડ એવું અસરકારક ટૂલ બન્યુ છે કે, જિલ્લા-તાલુકા સ્તરે આવી અરજીઓની રિયલ સ્થિતી, પેન્ડન્સીની વિગતો, તૂમારના કારણો સીધા જ મુખ્યમંત્રી કક્ષાએથી જાણીને યોગ્ય નિકાલ માટે મોનિટરિંગ થઇ શકશે.

CM વિજય રૂપાણીએ તાજેતરની ચિંતન શિબિરમાં આ CM ડેશ બોર્ડના પ્રેઝન્ટેશન અને ચર્ચા સત્રને મળેલા આવકાર તેમજ અધિકારીઓ-મંત્રીઓના મળેલા સમર્થનને પગલે આ ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. આ CM ડેશ બોર્ડના ડેટા બેઇઝથી લઇને સોફટવેર ડેવલપમેન્ટ સુધીની બધી જ પ્રક્રિયા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ઇન હાઉસ વિકસાવવામાં આવી છે તે માટે તેમણે કર્મયોગીઓની ટિમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઓ.એસ.ડી. ડી.એચ.શાહ, ઉપ સચિવ હિતેશ ગોહિલ વગેરે આ વેળાએ જોડાયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp