
ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્ય કરનારા ઓ.પી.કોહલીનું નિધન થયું છે. તેઓ ABVPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પણ અધ્યક્ષ તેઓ રહ્યા હતા. 15 જુલાઈ 2019 સુધી ઓ.પી.કોહલી ગુજરાતના રાજ્યપાલના પદે હતા, તેમના બાદ આચાર્ય દેવ વ્રતને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
24મા રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થયો હતો. તેમને રાજભવનમાં 12 જુલાઈ 2019ના દિવસે વિદાય આપવામાં આવી હતી. ત્યારે તેમના પત્ની લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ આ દરમિયાન તેમની સાથે હતા. 5 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યાં અને બેકારી વધી હોવાના તેમના અભિપ્રાયને બાદ કરતા કોઈ વિવાદ તેમના નામે રહ્યો નહોતો. તેઓ દરેકને મળતા હતા તેથી તેમણે રાજભવનને લોક ભવન બનાવ્યું હતું.
મોટા ભાગે તેમણે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ઉદઘાટનો કર્યા હતા. તેમણે આ રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો સમય બચાવી આપ્યો હતો.
2019મા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઉત્સવપ્રિય પ્રદેશ છે. અહીની નવરાત્રિ, દિપાવલી જેવા તહેવારોથી દેશવિદેશમાં પણ ગુજરાતીઓ અને ગુજરાતની અસ્મિતા સુવિખ્યાત બન્યા છે. ગુજરાતે દેશના ખૂણેખૂણેથી આવેલા વિવિધ જાતિઓના લોકોને સ્વીકારી લઘુ ભારતના દર્શન કરાવ્યા છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરદાર પટેલની વિરાટ પ્રતિમાએ ગુજરાત અને દેશને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસનધામોમાં સ્થાન અપાવ્યું છે. રાજ્યપાલે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધી અને દેશને એકતાતણે બાંધનાર સરદાર વલ્લભ પટેલનું સ્મરણ કરી કહ્યું કે, ગુજરાત રાજ્ય મહાન સપૂતો, દેશભકતો, શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના વિકાસ માટેનું યોગદાન પણ અજોડ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે રચનાત્મક પત્રકારત્વ દ્વારા લોકોની વેદનાને વાચા આપી પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરવાના ‘ચાણક્ય વાર્તા’ના પ્રયાસોને બિરદાવ્યા હતા, અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
16 જુલાઈ 2014ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી.
રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે 1999-2000માં હતા. 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.
અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી
ક્રમ રાજ્યપાલ સમયગાળો
1 મહેંદી નવાઝ જંગ 1-5-1960 થી 31-7-1965
2 નિત્યાનંદ કાનુગો 1-8-1965 થી 6-12-1967
3 પી.એન.ભગવતી (કાર્યકારી) 7-12-1967 થી 25-12-1967
4 ડૉ.શ્રીમન્નારાયણ 26-12-1967 થી 16-3-1973
5 પી.એન.ભગવતી (કાર્યકારી) 17-3-1973 થી 3-4-1973
6 કે.કે.વિશ્વનાથન 4-4-1973 થી 13-8-1978
7 શ્રીમતી શારદા મુખર્જી 14-8-1978 થી 5-8-1983
8 પ્રો.કે.એમ.ચાંડી 6-8-1983 થી 25-4-1984
9 બી.કે.નહેરુ 26-4-1984 થી 25-2-1986
10 આર. કે. ત્રિવેદી 26-2-1986 થી 2-5-1990
11 મહિપાલસિંહ શાસ્ત્રી 2-5-1990 થી 20-12-1990
12 ડૉ. સ્વરૂપસિંહ 21-12-1990 થી 30-6-1995
13 નરેશચંદ્ર સક્સેના 1-7-1995 થી 29-2-1996
14 કૃષ્ણપાલસિંહ 1-3-1996 થી 24-4-1998
15 અંશુમનસિંહ 25-4-1998 થી 15-1-1999
16 કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી) 16-1-1999 થી 17-3-1999
17 સુંદરસિંહ ભંડારી 18-3-1999 થી 6-5-2003
18 કૈલાશપતિ મિશ્રા 7-5-2003 થી 2-7-2004
19 ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) 3-7-2004 થી 23-7-2004
20 નવલકિશોર શર્મા 24-7-2004 થી 29-7-2009
21 એસ. સી. જમિર (કાર્યકારી) 30-7-2009 થી 26-11-2009
22 ડૉ.કમલા બેનિવાલ 27-11-2009 થી 07-07-2014
23 માર્ગારેટ આલ્વા (કાર્યકારી) 07-07-2014 થી 16-07-2014
24 ઓમપ્રકાશ કોહલી 16-07-2014 થી 15-07-2019 સુધી
25 આચાર્ય દેવ વ્રત 16-07-2019થી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp