26th January selfie contest

આજથી શાળા પ્રવેશોત્સવ-2018નો રાજ્યવ્યાપી પ્રારંભ

PC: narendramodi.in

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આજથી બે દિવસ માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 16મી કડીનો ગ્રામીણ ક્ષેત્રોમાં આરંભ થશે. વિજય રૂપાણી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની લાંબડીયા ગામની શાળાથી આ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવાના છે. મુખ્યમંત્રી આ ગામમાં 190 બાળકોને ધોરણ-9માં અને 68ને ધોરણ-11માં તેમજ પ્રાથમિક શાળામાં 189 બાળકો અને આંગણવાડીમાં 50 ભૂલકાંઓને પ્રવેશ અપાવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લાના ગામોમાં આ શિક્ષણ સેવા અભિયાનનું નેતૃત્વ કરશે.  આ વર્ષનો પ્રવેશોત્સવ 32780 પ્રાથમિક, 1123 સરકારી માધ્યમિક અને 5157 ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક શાળાઓમાં યોજાશે. રાજ્યના મંત્રીઓ તેમજ બોર્ડ નિગમના પદાધિકારીઓ સહિત 58 પદાધિકારીઓ, આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ મળી 538 સેવા કર્મીઓ આ શિક્ષણ સંસ્કાર યજ્ઞમાં જોડાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં એક નવતર અભિગમ અપનાવી પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશોત્સુક વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ પણ હાથ ધર્યો છે. ગુજરાતમાં વર્ષ 2002-2003થી શરૂ થયેલા આ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સફળતાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 99.15 ટકા જેટલું નામાંકન થયું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp