સિંઘ ઇઝ કિંગ:  મે મહિનામાં નિવૃત્તિ એક્સટેન્શન, ત્યારબાદ PMOમા

PC: gujaratmetrorail.com

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે કેમ કે તેમનો ઉપયોગ પછી નવી દિલ્હીમાં કરવામાં આવશે. કેન્દ્રમાં જો NDA અને ભાજપ સરકારની રચના થશે તો જે.એન.સિંઘ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કામ કરતા હશે. તેમના માટે સ્પેશિયલ જગ્યા ઊભી કરવામાં આવી શકે છે.

જી.આર.અલોરિયા 31મી જુલાઈ 2016ના રોજ નિવૃત્ત થતા જે.એન.સિંઘને ગુજરાતના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. તેઓ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ હતા. 1983 બેચના ગુજરાત કેડરના અધિકારી સિંઘ એ આનંદીબહેન પટેલની સરકાર હતી ત્યારથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આગામી મે મહિનામાં તેઓ નિવૃત્ત થાય છે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી હોવાથી જે.એન.સિંઘને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. એ સમય દરમ્યાન દિલ્હીમાં સરકારની રચના થઈ જશે અને તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે. જો કેન્દ્રમાં NDAની સરકાર બનશે તો તેમની PMOમાં નિયુક્તિ થાય તેવી સંભાવના છે.

અલોરિયાની નિવૃત્તિ પછી ગુજરાતમાં હસમુખ અઢિયા સિનિયોરિટી પ્રમાણે મુખ્ય સચિવ બની શકે તેમ હતા પરંતુ તેમની ડેપ્યુટેશન પર દિલ્હી નિયુક્તિ થતા જે.એન.સિંઘને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. તેમનું વતન બિહાર છે પરંતુ તેમણે કેડર ગુજરાતની પસંદ કરી હતી.

ગુજરાતમાં સિનિયર મોસ્ટ અધિકારી તરીકે હાલ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ છે. જે.એન.સિંઘની નિવૃત્તિ પછી તેમને મુખ્ય સચિવ બનાવવામાં આવી શકે છે પરંતુ જો જે.એન.સિંઘને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો સપ્ટેમ્બર 2019મા અરવિંદ અગ્રવાલ મુખ્ય સચિવ બની શકે છે.

જે.એન.સિંઘની નિવૃત્તિ પછી એવું હતું કે અનિલ મુકીમને રાજ્યના ચીફ સેક્રેટરી બનાવવામાં આવશે પરંતુ તેમણે ડેપ્યુટેશન પર દિલ્હી જવાનું પસંદ કર્યું છે. તેથી તેમના ચાન્સ હવે રહ્યા નથી, કારણ કે તેમની વય નિવૃત્તિ નવી દિલ્હીમાં જ પૂર્ણ થશે. મુકીમ ઓગષ્ટ 2020મા નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી અરવિંદ અગ્રવાલ હવે સિનિયર બન્યા છે.

એક બાબત નક્કી છે કે સરકાર જેને નાણા વિભાગનો હવાલો આપે છે, તે રાજ્યના મુખ્યસચિવ બની શકે છે. આ પોસ્ટ માટે સુજીત ગુલાટી અને અરવિંદ અગ્રવાલનો ક્રમ આવતો હતો પરંતુ સરકારે અરવિંદ અગ્રવાલને નાણા વિભાગમાં મૂકતા સુજીત ગુલાટીના મુખ્ય સચિવ થવાના ચાન્સ ઓછા થઇ ગયા છે, કારણ કે સુજીત ગુલાટી નવેમ્બર 2019મા વય નિવૃત્ત થાય છે એટલે કે સરકાર પાંચ છ મહિના માટે કોઇને ચીફ સેક્રેટરી બનાવે નહીં, તેથી અગ્રવાલના ચાન્સ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp