સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2018ના વિજેતાઓનું CM-Dy.CMના હસ્તે સન્માન

PC: Khabarchhe.com

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ સેકટર તેમજ આરોગ્ય, શિક્ષણ જેવા જન સમૂહને સ્પર્શતા સીધા વિષયોમાં સમસ્યાઓના જનહિતકારી સમાધાન માટે હેકાથોન જેવી અદ્યતન ટેકનોલોજી વિનિયોગથી યુવાશક્તિને પ્રોત્સાહિત થવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્ર-રાજ્યમાં સમાજજીવનની સમસ્યાઓનું ટેકનોલોજીયુકત અભિગમથી નિવારણ જ નહિ, એ સમસ્યાઓ ઉદભવે જ નહિ તેવા લોંગટર્મ વિઝન અને વિચારની આવશ્યકતા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં આવી ટેકનોલોજીના સથવારે યુવા પેઢી નવિન આવિષ્કરણો, નવી ટેકનોલોજીથી જોડાય તે સમયની માંગ અને આવશ્યકતા છે.

મુખ્યમંત્રી હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન-2018ના વિનર્સને સન્માનિત કરવાના અવસરે ગાંધીનગરમાં સંબોધન કરી રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરી દવે તેમજ મંત્રીઓ સર્વ ઇશ્વર પરમાર, પરબત પટેલ અને વાસણ આહિર પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 55 ટકા યુવા વસ્તી ધરાવતા દેશમાં યુવાનોની નવીનતમ વિચારશક્તિને વેગ આપીને સમસ્યાઓનું સમાધાન ટેકનોલોજીથી શોધવાની પહેલરૂપે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અને હેકાથોનની લીડ ગુજરાતે લીધી છે.

તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલાઇઝેશનને કારણે વિશ્વમાં જે કોઇ સમસ્યા-પ્રશ્નો ઊભા થાય છે તે આપણા ધ્યાનમાં આવે છે પરંતુ આપણી યુવાશકિત તેના આધાર ઉપર ભવિષ્યમાં આવી સમસ્યા ઉદભવે નહિં તેવા સમાધાનો-ઉપાયો ઇનોવેશન્સથી શોધી કાઢે તે પણ આવશ્યક છે.

મુખ્યમંત્રીએ આના દ્રષ્ટાંતો આપતાં કહ્યું કે, શહેરીકરણ, સ્વચ્છતા-સફાઇ, ટ્રાફિક જેવી પાયાની બાબતોની સમસ્યાના નિવારણમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થવો જરૂરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક સિસ્ટમમાં નવું જોડવા, નવા ઇનોવેશન્સને પ્રેરિત કરવા 200 કરોડ રૂપિયા SSIP માટે ફાળવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે આઇ-ક્રિયેટ જેવી સંસ્થાઓ ઇઝરાયેલના સહયોગથી ગુજરાતમાં શરૂ કરીને યુવાશક્તિના સંશોધનોને માર્કેટ સુધી લઇ જવાની વ્યવસ્થા કરી છે તેની વિગતો આપતાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓને પણ આવી વ્યવસ્થા વિકસાવવા અપિલ કરી હતી.

મુખ્યમંત્રીએ 18થી 40 વર્ષની વયનું યુથ સ્ટ્રેન્થ-યુવાશકિત સ્ટાર્ટ અપમાં જોડાય, હેકાથોનમાં ભાગ લઇ પોતાનું કૌવત ઝળકાવે તેવા પ્રોત્સાહક વાતાવરણના નિર્માણ માટે અપિલ કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે, આવી હેકાથોનના વિજેતાઓની ટીમ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળીને મનોમંથન કરે તથા અન્ય સમસ્યાઓના સમાધાન માટે નાના પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરે.  તેની સફળતાને પગલે જૂના વિચારો-જૂની વ્યવસ્થાઓને પણ સરવાળે મોટા પાયે આવી ટેકનોલોજી સાથે જોડી શકાય તેવું સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતું.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્ટાર્ટઅપની સરળ સમજ આપતા જણાવ્યું હતું કે સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ એટલે સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ અંતર્ગત રાજ્યના યુવાનોએ જે પ્રયોગો કર્યા છે, તે વ્યવહારમાં પણ સફળ રહ્યા છે, તે સ્ટાર્ટઅપની સફળતા છે.

સ્ટાર્ટ-અપ નીતિ જાહેર થયા બાદ રાજ્યના વિદ્યાર્થીઓએ દાખવેલા રસ અને ઇનોવેટિવ આઇડિયા સાથે આગળ આવવાની યુવાનો-વિદ્યાર્થીઓએ દાખવેલી ઉત્સુકતાને બિરદાવી શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે યુવાનોની આ ઉત્સુકતા અને પહેલના કારણે રાજ્ય સરકારને પણ પ્રોત્સાહન મળ્યું છે.

કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે ટેકનોલોજી ઉપયોગી બની શકે તેના ઉદાહરણ સાથે નિર્દેશ કરતા ચુડાસમાએ જણાવ્યું હતું કે પાણી-વીજળીના કરકસરયુકત ઉપયોગ માટે ઉકેલ સાથેનું સમાધાન સ્ટાર્ટઅપના પ્રયોગોથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતે વધુ સક્રિયતા બતાવી છે. તેમણે એવી આશા પણ વ્યકત કરી હતી કે ગુજરાતના યુવાનો અને ભવિષ્યમાં દેશમાં અને વિશ્વ કક્ષાની યોજાતી હેકાથોન સ્પર્ધામાં પણ ભાગ લઇ વિજેતા બને, તેની પ્રતિક્ષા છે.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરીને રાજ્ય સરકાર દ્વારા હેકાથોન માટે કરેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપીને રાજ્યના યુવાનો દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની લગભગ 60 જેટલી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે તેઓનામાં રહેલી ક્રિયાત્મક ક્ષમતાનો વિકાસ કરવા તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેના માધ્યમથી વિદ્યાર્થીઓ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ જેવા નવતર પ્રયોગોમાં ભાગ લેવા પ્રેરાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડીયા હેકાથોન-2018નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગને અન્ય 16 જેટલા વિભાગોએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં 213 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે 1434 ટીમોના 9804 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત હેકોથોન સ્પર્ધા 36 કલાકની નોનસ્ટોપ સ્પર્ધા હતી. આ સ્પર્ધાના રીજીયોનલ રાઉન્ડમાં કુલ 258 ટીમોના 1505 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રીજીયોનલ રાઉન્ડમાં ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીના મુલ્યાંકન બાદ ફાઇનલ રાઉન્ડ માટે કુલ 153 ટીમો પસંદ કરવામાં આવી હતી. ફાઇનલ સ્પર્ધા માટે પસંદગી પામેલ 153 ટીમોના અંદાજીત 1075 વિદ્યાર્થીઓ માટેના ફાઇનલ રાઉન્ડમાં વિભાગવાર પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક આપતા કુલ 33 ટીમ વિજેતા બની હતી.

આ વિજેતા 33 ટીમો ઉપરાંત સ્પર્ધામાં સારી કામગીરી કરેલ અન્ય 10 ટીમોને તથા સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન 2018માં વિજેતા બનેલી 8 ટીમો આમ કુલ આ 51 ટીમોના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત રીજીયોનલ સ્પર્ધામાંથી ફાઇનલ સ્પર્ધા માટે સૌથી વધુ ટીમો પસંદ થનાર સંસ્થાઓને પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમ માટે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. સ્પર્ધામાં સક્રિય રીતે સૌથી વધારે ભાગ લેનાર, સહયોગ તથા માર્ગદર્શન આપનાર ત્રણ વિભાગોને મોમેન્ટો આપી સંસ્થાઓને સન્માનિત આવી હતી.
SSIP અંતર્ગત ફેઝ-IIIમાં પસંદગી પામેલ ૬ યુનિવર્સિટીઓને કુલ ૩૫ લાખની ગ્રાન્ટના ચેક વિતરણ પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp