પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને તેમની જ ઓફિસમાં ધરણા પર બેસવાની માગ કરીને.

PC: khabarchhe.com

સુરતના ભાજપના નગર સેવક અને સુરત મહાનગર પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હેમાલી બોઘાવાળા ચાર વાગ્યે સીધા તેમની મનપા સ્થિત કચેરીમાં પહોંચીને ધરણાં પર બેસી ગયા હતા.પોતાના જ શાસકો અને અધિકારીઓ પાસે 24 કલાક ઓફિસમાં જ ધરણાં કરવાની મંજૂરી માંગી હતી. જેના પગલે અધિકારીઓની સાથોસાથ શાસકો પણ દોડતા થઈ ગયા હતા.

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા તમામ તેમને મનાવવા પહોંચી ગયા હતા. વાત વાયુવેગે શહેરભરમાં પહોંચી જવાને કારણે ભાજપની ભારે ફજેતી પણ થઈ હતી. મુદ્દો એ હતો કે બીઆરટીએસના કેટલાક સ્વીંગ ગેટ બંધ હોવાથી બોઘાવાલાએ આ મોરચો ખોલ્યો હતો અને અધિકારીઓનો ઉધડો લીધો હતો.  

વાત કંઈ એમ છે કે બીઆરટીએસ બસના રુટ પર સામાન્ય નાગરિકો વાહન લઈને ન જાય અને તેના થકી અકસ્માત ન થાય તે માટે આ રૂટ પર 283 જેટલા સ્વીંગ ગેટ લગાવવામાં આવ્યા છે. BRTSમાં આ સ્વીંગ ગેટ લગાવવા પાછળ રૂ 3.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો એટલે કે એક ગેટની કિંમત રૂપિયા 1.38 લાખ મનપાએ કોન્ટ્રાક્ટ કંપની ટેક્નોક્રેટ ને ચુકવ્યા હતા અને તેના રિપેરિંગની જવાબદારી પણ કંપનીને સોંપાય હતી.

જોકે, તે પૈકી હાલ 38 ગેટ બંધ પડેલા છે અને તે ફરી શરૂ કરવા માટે હેમાલી બોઘાવાલાએ 18 જેટલી ફરિયાદો સિટી લિંકના ટેકનીકલ ડિપાર્ટમેન્ટના હેડ રાજેશ પંડ્યાને કરી હતી. તેમ છતા આ ગેટ હજી સુધી બનાવાયા નથી. આ મામલે હેમાલીબેન જાતે જ બીઆરટીએસ રૂટ પર જઈને ખાનગી વાહનોને અંદર જતા રોકતા હતા અને તેના ફોટો પણ તેમણે લીધા હતા. આ ફોટો પણ તેઓએ વિભાગને સબમીટ કર્યા હતા પણ તંત્રે ધ્યાન ન આપાત આખરે તેઓ આજે ચાર વાગ્યે સીધા તેમની મનપા સ્થિત કચેરી પર પહોંચી ત્યાં જ બેસી રહેવાની ધમકી ઉચ્ચારી હતી.

હઠને કારણે એક કલાકમાં એક ગેટ રિપેર કરાયો હતો. જેથી, તેમણે કહ્યું હતું કે હું 24 કલાક અહીં મારી કચેરીમાં જ બેસી રહીશ તમે 24 કલાકમાં 24 ગેટ રિપેર કરો. તેમણે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો. ધીરેધીરે વાત મેયર ડો. જગદીશ પટેલ, ડે.મેયર નિરવ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી અને શાસક પક્ષના નેતા સુધી પહોંચતા તેઓએ તેમને બોલાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથોસાથ અધિકારીઓને પણ હાજર કરી બાંયેધરી લીધી હતી. બાદમાં હેમાલી બેન માન્યા હતા અને ઘરે જવા રવાના થયા હતા.

 વિપક્ષી નગરસેવક વિજય પાનસેરિયાએ પણ પુરાવ્યો સૂર

વિપક્ષી નગર સેવક વિજય પાનસેરિયાએ ભાજપના નગર સેવક હેમાલી બોઘાવાલાની વાતમાં સૂર પુરાવતા કહ્યું હતું કે, અધિકારીઓ હંમેશા ઉઠા ભણાવે છે. તેમના દ્વારા સામાન્ય સભા માં પ્રશ્ન પૂછી રજુઆત અને ફરિયાદ કરવામાં આવેલ હતી તેના સંદર્ભે પણ સ્વીંગ ગેટ ચાલુ છે અને 73 ડેમેજ થયેલ છે 40 ગેટ રિપેર કરેલ છે અને 33 રેપર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે  એવો જવાબ આપવામાં આવ્યો હતો.પરંતુ હકીકત જોતા મોટા ભાગના સ્વિંગ ગેટ બંધ હાલતમાં હોઈ છે સંબંધિત અધિકારી દ્વારા સામાન્ય સભાને ગેરમાર્ગે દોરે અને હકીકત છુપાવતા જવાબ આપવામાં આવ્યો હોવાનું પાનસેરિયાએ કહ્યું હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp