સુરત કમિશનર તરીકે કોણ આવશે? જાણો

PC: jdmagicbox.com

સુરત પોલીસ કમિશનરની નિમણૂકનું કોકડું હાલ ગૂંચવાયું છે. ગઈ તા. 31મી ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા સતીશ શર્માના સ્થાને હજુ સુધી કોઈની નિમણૂક કરવામાં આવી નથી. જેની પાછળનું એક કારણ એવું છે કે સરકાર જે અધિકારીની અહીં નિમણૂક કરવા માગે છે તે આઇજી કક્ષાના અધિકારી છે. જેમને સુરતમાં નિમણૂક આપવી હોય તો એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપવી અનિવાર્ય છે. હાલ આ બઢતીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બે ત્રણ દિવસમાં આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નિમણૂક કરવામાં આવશે.

હાલ આઇબીમાં છેલ્લાં પાંચેક વર્ષથી ફરજ બજાવતા આઇજી કક્ષાના અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કારણ કે હાલ તેમને આઈજીમાંથી એડિશનલ ડીજીપી બનાવવાની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. જેનો પ્રથમ તબક્કો એટલે કે ડીપીસીની કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે. પરિણામે તેમને એડિશનલ ડીજીપીનું પ્રમોશન આપી સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવે.

આઇપીએસ અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ સુરતના પોલીસ કમિશનર તરીકે તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આઈજી તરીકે નિમણૂક એ જ અધિકારીને આપવામાં આવે છે જે અધિકારીના નામને અમિત શાહ મંજૂરી આપે. આ કિસ્સામાં બ્રહ્મભટ્ટ અમિત શાહની નજીક હોવાની અને અમિત શાહ જ તેમને સુરતના પોલીસ કમિશનર બનાવવા ઇચ્છતા હોવાની વાત હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે જ બ્રહ્મભટ્ટને બઢતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

હવે વાત રહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની નિમણૂકની. તો સરકાર આ પોસ્ટને અપગ્રેડ કરી આઇજીમાંથી એડિશનલ ડીજીપીની પોસ્ટ કરી ત્યાં મનોજ શશીધરની નિમણૂક કરવા માગતી હોવાની વાત જાણવા મળી રહી છે.
એક વાત એ પણ ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે કે બ્રહ્મભટ્ટ ગુજરાતી અધિકારી છે. સુરત શહેર પોલીસ કમિશનરના 37 વર્ષના ઇતિહાસમાં કોઇ ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે અન્ય રાજ્યોના સિનિયર આઇપીએસ અધિકારીઓ બ્રહ્મભટ્ટની નિમણૂકનો વિરોધ કરી રહ્યા છે. જો એક વખત ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ જશે તો આ પરંપરા બની જશે એ ડરને ધ્યાને લઈ બ્રહ્મભટ્ટની નિમણૂકને બ્રેક મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp