અમદાવાદમાં પંચધાતુમાંથી 11.5Kgનું અજય બાણ બનાવ્યું,10 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા પ્રેરિત, અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ અજય બાણની પ્રતિકૃતિ બનાવી છે. તેને અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ અજય બાણની પૂજા કરવામાં આવી છે.
પૌરાણિક કથાઓ અનુસાર શક્તિપીઠ અંબાજીને અજય બાણ સાથે અનોખો સંબંધ છે. જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ઋષિ શ્રીંગીને મળ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી રામને આદ્યશક્તિ માની પૂજા કરીને માતા અંબાને પ્રસન્ન કરવા કહ્યું. માતા અંબા પ્રસન્ન થયા અને શ્રી રામને વરદાન રૂપે આ અજય બાણ આપ્યું હતું.
ભગવાન શ્રી રામે આ અજય બાણથી દશાનન રાવણનો વધ કર્યો હતો. માતાજીની આરતીમાં પણ અજય બાણથી રાવણનો વધ કરવાનો ઉલ્લેખ જોવા મળે છે. અજય બાણની પ્રતિકૃતિ તૈયાર કરનાર જય ભોલે ગ્રૂપના સ્થાપક દીપેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'ત્રેતાયુગમાં માતા અંબાએ ભગવાન શ્રી રામને અજય બાણ આપ્યું હતું, જેનાથી રાવણનો વધ કર્યો હતો.'
હવે કલયુગમાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે દંતકથા અનુસાર અજય બાણની પ્રતિકૃતિ બનાવવાની પ્રેરણા મળી છે. ધનુર્વેદના પુસ્તકમાં બાણ વિશેની માહિતી ઉપલબ્ધ છે, તેને ધ્યાનમાં રાખીને અજય બાણની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. તેથી આ બાણની ડિઝાઇનમાં આગળનો ભાગ જાડો બનાવવામાં આવ્યો છે. શ્રી રામ મંદિરની તરફથી અજય બાણ માટે ખાસ બોક્સ ડિઝાઇન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે અજ્ય બાણના મહત્વ વિશેની માહિતી પણ ઉમેરવામાં આવશે.
11.5 કિલો વજનના આ અજય બાણને બનાવવામાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 5 ફૂટ રાખવામાં આવી છે. આ અજય બાણ અમદાવાદની ફેક્ટરીમાં રૂ. 5 લાખના ખર્ચે માત્ર 5 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
10મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ મંદિરમાં આ અજય બાણ ચઢાવવામાં આવશે. શ્રી રામ ભક્તોની ભક્તિ અને આસ્થાને ધ્યાનમાં રાખીને 7 જાન્યુઆરી સુધી અજય બાણના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી 8 જાન્યુઆરીએ આ અજય બાણ અમદાવાદથી અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અર્પણ કરવા માટે રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp