SMC સુરક્ષા ગાર્ડને 16-18 કલાક કામ કરાવી 8 કલાકનો પગાર આપે છેઃ AAP કોર્પોરેટર
સુરત મહાનગરપાલિકા (SMC)ને વિવાદો સાથે જૂનો સંબંધ હોય એમ લાગી રહ્યું છે. સિક્યોરિટી ગાર્ડ એજન્સીઓને લઈને કરોડો રૂપિયાનો SMCને ચૂનો લગાવવામાં આવી રહ્યો હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી આરોપો લાગી રહ્યા હતા કે, સિક્યોરિટી એજન્સીઓએ જે નિયમોનું પાલન કરવું જોઈએ તે કરી રહી નથી. હવે આ પ્રકારની આશંકાઓ એ વાતને સાચી સાબિત કરી રહી છે. SMCના પૂણા વેસ્ટ વોર્ડ નંબર-16મા રાતના સમયે સિક્યોરિટી ગાર્ડને લઈને કેટલીક સમસ્યાઓ સામે આવી હતી.
સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે, સિક્યોરિટી ગાર્ડ યોગ્ય રીતે ફરજ બજાવતા નથી અને રાતના સમયે પણ ગાર્ડન સહિતનાં કેટલાંક સ્થળો ઉપર સિક્યોરિટી ગાર્ડ રહેતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો દ્વારા રાત સમયે અલગ-અલગ જગ્યા ઉપર જઈને સિક્યોરિટી ગાર્ડ છે કે કેમ? તે અંગે તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ તપાસમાં શંકા ગઈ છે કે, મોટો કૌભાંડ સિક્યોરિટી એજન્સી અને કોર્પોરેશનના સત્તાધારીઓ મળીને કરી રહ્યા છે. શક્તિ પ્રોટેક્શન ફોર્સ દ્વારા મોટા ભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને SMCને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડતા હોવાની વાત સામે આવી છે.
ખાસ કરીને નિયત કલાકો કરતા વધું કલાકોનું કામ સિક્યોરિટી ગાર્ડો પાસેથી કરાવવામાં આવી રહ્યું છે અને તેની સામે તેમને પગાર પણ ખૂબ જ ઓછો આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાએ જણાવ્યું કે, ‘એજન્સી દ્વારા સિક્યોરિટી ગાર્ડનું ભરપૂર શોષણ કરવામાં આવી રહ્યું છે. જેટલા ગાર્ડ્સનું પેમેન્ટ ચૂકવવામાં આવે છે તેનાથી ઓછા ગાર્ડ્સ ફિલ્ડ પર હાજર જોવા મળે છે. તે સિવાય આ ગાર્ડ્સ પાસેથી ઓવરટાઈમ કરાવીને અડધો જ પગાર ચૂકવવામાં આવે છે.
તેમણે આગળ કહ્યું કે, કાલે રાત્રે દંડક શોભાબેન કેવડિયાને મળીને SMCના અધિકારીઓને સાથે રાખીને વોર્ડ નંબર-16ની અંદર જેટલા સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવે તે દરેક જગ્યાએ રાતના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એવી જાણકારી સામે આવી કે, જે સિક્યોરિટી ગાર્ડની 12 કલાકની ડ્યૂટી હોય તેની પાસે 16-18 કલાક કામ કરાવવામાં આવે છે અને બદલામાં 9,000 થી 11,000 જેટલો જ પગાર ચૂકવવામાં આવે છે. રાતે ચેકિંગ કરતા આ ગેરરીતિઓ સામે આવી હતી.’
શોભાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, ‘સિક્યોરિટી ગાર્ડને 8 કલાકનો પગાર આપીને 16-18 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ ફક્ત સુરતના વોર્ડ નંબર-16મા જ નહીં પણ આખા સુરતમાં છે અને મોટા પ્રમાણમાં સિક્યોરિટી એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એ સિવાય જ્યારે અમે વોર્ડ નંબર-16ના વિસ્તારોની મુલાકાત લીધી તેમાં કેટલાક ગાર્ડ 60 વર્ષની ઉંમર કે તેથી વધુની ઉંમર ધરાવતા હોવા છતા ફરજ બજાવી રહ્યા છે. આ પ્રકારની કંપનીઓને બ્લેક લિસ્ટમાં નાખી દેવી જોઈએ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, કેટલીક જગ્યાએ બે ગાર્ડ્સ તો કેટલીક જગ્યાએ ત્રણ ગાર્ડ્સ 24 કલાક માટે ફરજિયાત રાખવા જોઈએ, તેની જગ્યાએ અહીં કોઈ જગ્યાએ રાતે 1-2 જ ગાર્ડ ફરજ બજાવતા હોય છે. સિક્યોરિટી ગાર્ડને આઈકાર્ડ આપવાના હોય છે તે પણ કેટલીક જગ્યાએ આપવામાં આવ્યા નથી.’ કોર્પોરેશનના ચીફ સિક્યોરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું કે, અમે લોકો સતત સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ. કૌભાંડ થવાની કોઈ શક્યતા જ નથી.
તમામ બાબતો ઓન પેપર હોય છે અને તમામ કામ કરનારા સિક્યોરિટી ગાર્ડને એજન્સી દ્વારા ઓનલાઇન પેમેન્ટ આપી દેવામાં આવે છે. જે પ્રકારની હાજરીની નોંધ હોય છે તે હાજરી છે કે કેમ? તે અમારા પોઇન્ટ મેનેજર અમને જાણ કરતા હોય છે છતા પણ જ્યારે કોઈ વ્યક્તિ અમારી સરપ્રાઈઝ વિઝિટમાં પકડાય છે તો અમે એજન્સીને દંડ પણ કરીએ છીએ. ઘણી વખત પગારના મુદ્દે ઘણા ગાર્ડના માણસો ખોટા-ખોટા નિવેદનો પણ આપતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp