સુરતમાં 2 મહિનામાં 1249 પશુઓને પકડી 15 લાખથી વધુના દંડની વસૂલાત

PC: twitter.com

સુરત મહાનગરપાલિકાએ પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે,  શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં પોલીસ કમિશનરે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. બેઠકમાં રખડતા ઢોર બાબતે મહાનગરપાલિકા દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન 1249 પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે, તેમજ રૂ.15 લાખથી વધુના દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી. આ ઉપરાંત રોડ પર સાઈન બોર્ડ લગાવવા, ઝિબ્રા ક્રોસિગ, સ્ટોપ લાઈન તથા રબ સ્ટ્રીપ બનાવવાની કામગીરી સમયસર થાય એ બાબતે જે તે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

પોલીસ દ્વારા છેલ્લા 11 મહિનામાં 560 ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં 14 કેસો કરવામાં આવ્યા છે. ડુમસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કના ઇજારદારોને પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત આર.ટી.ઓ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો આપી હતી. શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

બેઠકમાં જોઈન્ટ પો.કમિશનર એચ.આર.ચૌધરી, ટ્રાફિક એસીપી એમ.એસ.શેખ, ઈ.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આકાશ પટેલ, હાઈવે ઓથોરિટી, એસ.ટી., માહિતી વિભાગ, મહાનગરપાલિકાના વિવિધ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp