ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર,વીજળી પડવાને કારણે 11 વર્ષના બાળક સહિત 14ના મોત

PC: twitter.com

ગુજરાતમાં રવિવારે સવારથી શરૂ થયેલા કમોસમી વરસાદે અનેક જગ્યાએ કહેર વર્તાવ્યો છે. કડાકા ભડાકા સાથે પડેલી વીજળીને કારણે રાજ્યમાં 11 વર્ષના એક બાળક સહિત 14 લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક પશુઓ પણ પરધામ સિધાવી ગયા છે. મહિલાઓ અને વૃદ્ધો પણ વીજળીના શિકાર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મહેસાણામાં ઝાડ નીચે દબાઇ જવાને કારણે રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે.

હવામાન વિભાગે પહેલેથી આગાહી કરી હતી કે ગુજરાતમાં 24થી 27 તારીખ સુધીમાં કમોસમી વરસાદ પડશે. 26 નવેમ્બરે જે રીતે વરસાદે પગલાં પાડ્યા તેમાં અનેક વિસ્તારોને વેરણ-છેરણ કરી નાંખ્યા. ઠંડા પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદે અનેક જિંદગીને હણી નાંખી છે.

મહેસાણના કડીમાં આવેલા શિયાપુરા ગામમાં ઠાકોર સંજય નામનો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે વીજળી પડવાને કારણે તેનું મોત થયું હોવાનું જાણાવા મળ્યું છે. તો મહેસાણાના દેવડા ગામે જીતેન્દ્ર પરમાર નામનો યુવાન રીક્ષા લઇને જઇ રહ્યો હતો ત્યારે ઝાડ પડવાને કારણે તેણે જિંદગી ગુમાવી દીધી હતી.

અમરેલીના જાફરાબાદના રોહિસામાં 16 વર્ષનો કિશોર પાક વરસાદમાં પલળી ન જાય તેના માટે તાડપત્રી નાંખી રહ્યો હતો, પરંતુ વીજળીએ તેની જિંદગી લઇ લીધી હતી.

ભરૂચના હાંસોટમાં 55 વર્ષના ભૂરીબેન માછીમારીનો ધંધો કરતા હતા. ભૂરી બેન તેમના 14 વર્ષના પુત્ર સાથે ચાલતા જઇ રહ્યા હતા ત્યારે વીજળી ત્રાટકી અને મા-દીકરાએ જીવ ગુમાવવો પડ્યો હતો.

સુરેન્દ્રનગરના ભાણેજડામાં કુલદીપ ભાંભળા નામનો યુવક પશુઓને ચરાવવા લઇ જતો હતો ત્યારે વીજળી પડી અને યુવાને તો જીવ ગુમાવ્યો જ, પરંતુ તેની 3 ભેંસ અને 1 ગાય પણ ઢળી પડી હતી.

અમદાવાદના દેવપરા ગામમાં એક 22 વર્ષનો યુવક રાકેશ ધરેજીયા બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે વીજળી વેરણ થઇ અને રાકેશ આ દુનિયા છોડી ગયો.

સાબરકાંઠામાં આવેલા કાબસો ગઢા ગામમાં કમળાબેન પરમાર 56 વર્ષના હતા.વીજળી પડવાને કારણે તેમનું મોત થયું છે.

બનાસકાંઠાના મોરખા ગામે એક બાળકીનું પણ વીજળી પડવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો આ જ ગામમાં એક ભેંસે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

તાપી જિલ્લાના ગુંદી ગામે ખેતરમાં કામ કરી રહેલા કુસુમ વસાવા પર વીજળી પડી હતી અને તેમણે જીવ ગુમવવો પડ્યો. તો ખાંભલા ગામમાં અર્જૂન ગામીતનું પણ વીજળી પડવાને કારણે મોત થયું.

બારડોલીમાં તો વીજળી પડવાને કારણે મજૂરો દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે અને એમાં જ એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.પાટણમાં પણ વીજળીને કારણે 4 લોકો દાઝી ગયા છે.

ખંભાળીયાના બારા ગામે એક 11 વર્ષના બાળકે પણ વીજળી પડવાને કારણે જીવ ગુમાવ્યો છે.

વાવ તાલુકાના મોરીખા ગામે પણ 11 વર્ષીય રાજલનું વીજળી પડતા અવસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp