ગુજરાતમાં માત્ર 1 શિક્ષકથી ચાલતી 1606 શાળા, શિક્ષણમંત્રીએ જણાવ્યું કારણ

PC: twitter.com

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યની 32000થી વધુ પ્રાથમિક શાળાઓમાંથી 1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ગૃહને આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગૃહમાં પ્રશ્નકાળ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની અછતનો સામનો કરતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આનું મુખ્ય કારણ શિક્ષકોની તેમની પસંદગીની જગ્યાએ બદલી કરવાની માંગ છે.

મંત્રી ડીંડોરે ગૃહને ખાતરી આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ શાળાઓમાં વહેલી તકે ખાલી જગ્યાઓ ભરવાનું કામ કરવામાં આવશે. મંત્રીના આ નિવેદન સામે કોંગ્રેસના સભ્યોએ ભારે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ BJP સરકાર પાસે ખાલી જગ્યાઓની ભરતી માટે સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં, મંત્રીએ આંકડા રજૂ કર્યા અને કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં એક શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યા 1,606 નોંધાઈ છે.

વિપક્ષને આશ્વાસન આપતા મંત્રીએ એમ પણ કહ્યું કે, શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પગલાંઓમાં મુખ્યત્વે જ્ઞાન સહાયકો અથવા પ્રાથમિક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક અને શિક્ષક ટ્રાન્સફર કેમ્પનું આયોજન વગેરેનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પહેલા પણ ગૃહમાં આ પ્રકારની ખાતરી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં એક શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સરકારે માર્ચ 2022માં ગૃહને માહિતી આપી હતી કે, રાજ્યમાં આવી શાળાઓની સંખ્યા 700 છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આજે બે વર્ષમાં તેમની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે.

પરમારે ગૃહમાં દાવો કર્યો હતો કે, રેકોર્ડ મુજબ ગુજરાતમાં 19,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે ગૃહને જણાવવું જોઈએ કે, આ મુદ્દાના ઉકેલ માટે સરકારે કેવા પ્રકારની યોજના તૈયાર કરી છે? કોંગ્રેસના ધારાસભ્યો કિરીટ પટેલ અને ગેનીબેન ઠાકોરે પણ ગૃહમાં આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર પાસે ખાલી જગ્યાઓની ભરતી માટે સમયમર્યાદા આપવા માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp