અમેરિકામાં ગુજરાતી પરિવારના 3 સભ્યોને ગોળી મારી દેવાઈ

PC: newsdrum.in

અમેરિકાના ન્યુ જર્સીમાં સંબંધોને કલંકિત કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. નાના-નાનીએ તેમની દીકરીના દીકરાને અમેરિકા ભણવા આમંત્રણ આપ્યું. તેણે તેના સૂતેલા નાના-નાની સાથે તેના મામાની પણ ગોળી મારીને હત્યા કરી હતી. ન્યુજર્સીમાં ટ્રિપલ મર્ડરના સમાચાર ગુજરાતના આણંદ પહોંચ્યા ત્યારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાત પોલીસમાં ઈન્સ્પેક્ટરની નોકરી કર્યા પછી આ ગુજરાતી પરિવાર પહેલા આણંદ અને ત્યાર પછી અમેરિકા શિફ્ટ થયો હતો. દીકરીના દીકરાને સારું ભણતર મળે તે માટે તેમણે દોઢ વર્ષ પહેલાં તેને અમેરિકા બોલાવ્યો હતો. પરિવાર તેને પોતાની સાથે રાખતો હતો.

ન્યુ જર્સી પોલીસને 27 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ ગોળીબાર થયાનો અહેવાલ મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં દિલીપ બ્રહ્મભટ્ટ અને તેની પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના પુત્ર યશ બ્રહ્મભટ્ટની હાલત નાજુક હતી. યશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું. પોલીસે બ્રહ્મભટ્ટ પરિવાર સાથે રહેતા ઓમ બ્રહ્મભટ્ટને આ હત્યાનો આરોપી બનાવ્યો છે. હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. ન્યુ જર્સીની સાઉથ પ્લેનફિલ્ડ પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. મૃતક પરિવાર કોપોલા ડ્રાઇવ પરના એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ ઘટનામાં માર્યા ગયેલા દિલીપ બ્રહ્મભટ્ટ નિવૃત પોલીસ અધિકારી હતા અને બીલીમોરામાં સબ ઈન્સ્પેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. નિવૃત્તિ પછી તેઓ આણંદમાં સ્થાયી થયા. આ પછી તેઓ USA ગયા હતા.

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હત્યાનો આરોપી ઓમ બ્રહ્મભટ્ટ હતો જેણે પોલીસને બોલાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ઓમ બ્રહ્મભટ માત્ર 23 વર્ષના છે. ત્રણ લોકોની હત્યા કર્યા પછી તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો અને પોલીસની રાહ જોઈને ઘરે બેઠો હતો. એવું પણ જાણવા મળે છે કે મૃતકો જ્યારે સૂતા હતા ત્યારે તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી. બ્રહ્મભટ્ટ પરિવારના પડોશમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ ઓમ થોડા દિવસ પહેલા જ તેમની સાથે રહેવા આવ્યો હતો અને હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલ હથિયાર ઓનલાઈન ખરીદ્યું હતું. જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પણ તેના ચહેરા પર તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નહોતો. પોલીસ આરોપી ઓમ બ્રહ્મભટ્ટને મિડલસેક્સ કાઉન્ટી જેલમાં રાખી રહી છે. દિલીપ બ્રહ્મભટ્ટ નિવૃત્ત DSP કિરીટ બ્રહ્મભટ્ટના ભાઈ હતા. તપાસમાં સામે આવ્યું છે કે દિલીપ બ્રહ્મભટ્ટે ઓમને અભ્યાસ માટે અમેરિકા બોલાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp