સુરતમાં શરદી, ઉધરસને કારણે મહિલાનું મોત, H3N2 જેવા લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા

PC: tribuneindia.com

સુરતમાં એક મહિલાનું H3N2ને લઈ મોત થયું હોવાની શંકા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતા શરદી, ખાસી-કફથી પીડિત હતી. અને તેની સારવાર ચાલી રહી હતી. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલામાં H3N2 જેવા લક્ષણો જણાતા મોત બાદ શંકા ઊભી થઇ છે. જો કે, આ અંગે મહિલાના મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિલાના રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે.

કોરોના બાદ દેશમાં H3N2 વાયરસે ઉધડો લીધો છે. તેમાં ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા જરૂરી ગાઈડલાઇન્સ પણ બહાર પાડી છે. આ વાયરસ પણ કોરોના જેટલો જ ખતરનાક હોવાનું જણાઇ આવ્યું છે. દેશમાં સત્તાવાર H3N2થી 2 લોકોના મોત થયા છે. સુરતમાં એક મહિલાના મોત પાછળ H3N2 વાયરસથી મોત થવાની શંકા જઇ રહી છે. સ્મિમેર હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, મહિલા મૂળ ભાવનગરની રહેવાસી છે અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં રહેતી હતી. 31 વર્ષીય મહિલા છેલ્લા ચાર-પાંચ દિવસથી શરદી, ઉધરસ-કફની બીમારીથી પીડાતી હતી.

જેથી તેની સ્થાનિક વિસ્તારની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તબિયત વધુ બગડતા તેને પરવત પાટિયા વિસ્તારમાં આવેલી અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. આખા દેશમાં હાલમાં H3N2થી સંક્રમિત વ્યક્તિને પણ શરદી, ઉધરસ સહિતનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે આ કેસમાં મહિલામાં આ જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન અચાનક મોત થઇ ગયું હતું. ત્યારે પરિણીતાના મોતનું કારણ જાણવા માટે મેડિકલ ટીમ દ્વારા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યાં છે. અને તપાસ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. ત્યારે હવે મહિલાનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાના લક્ષણો બાદ 4 માર્ચના રોજ સ્મિમેરમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત થઇ ગયું હતું. તેને ડાયાબિટીસ, પ્રેસર અને કિડનીની જૂની બીમારી હતી. તેના પરિવારના 7 સભ્ય અને સંપર્કમાં આવેલા 15 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વૃદ્ધાને અગાઉ કોરોના થયો નહોતો તથા વેક્સીન પણ લીધી નહોતી. H3N2 વાયરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યૂએન્જા વાયરસ છે જેને ઈન્ફલ્યૂએન્જા એ વાયરસ પણ કહેવામાં આવે છે.

આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યૂએન્જા એ વાયરસનો પેટા પ્રકાર છે, જેને 1968માં શોધવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ((IMA)નું માનવું છે કે ઇન્ફેક્શનના લક્ષણો 5-7 દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ 3 દિવસ સુધી રહે છે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે. લક્ષણો જોઈને પાક્કુ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.

મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ફ્લ્યૂએન્જા માત્ર મેડિકલ કેર અને કાઉન્ટર દવા પર જ મટાડવામાં આવે છે. માથાનો દુખાવો અને તાવની દવા મેડિકલમાંથી લેવામાં કોઈ નુકસાન નથી. તે જ સમયે, જો તમે ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ ખાઓ છો, તો જોખમ અનેકગણું વધી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ બની શકે છે. પરંતુ દર્દીને જોયા પછી અને તેની યોગ્ય તપાસ કર્યા પછી પણ જાણ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp