આસારામના ફોટાની પુજા કરવાનું કપરાડાના 33 શિક્ષકોને ભારે પડ્યું, નોટીસ મળી

PC: news18.com

માત્ર 16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની જેલમાં સજા કાપી રાહેલા આસારામના ભક્તો હજુ પણ તેની પુજા કરી રહ્યા છે. લગભગ 10 મહિના પહેલા વલસાજ જિલ્લાનો એક જૂનો કેસ સામે આવ્યો છે જેમાં 3 શાળાઓમાં શિક્ષકોએ આસારામના ફોટાની પુજા કરી હતી. હવે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 જેટલો શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે અને તેમને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે.

ભક્તો પર કામણ પાથરનારો આસારામ બળાત્કારના કેસમાં જેલમાં છે અને તેને આજીવન કેદની સજા થયેલી છે, પરંતુ તેના ભક્તો હજુ પણ અંધભક્તિમાં પાગલ છે અને તેને ભગવાન તરીકે પૂજા કરી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ 14 ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લામાં આવેલા કપરાડામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું 3 શાળાઓમાં આયોજન કરવામાં આવ્યુ હતું. આ શાળાઓમાં ગુનેગાર આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે અને તમામ શિક્ષકોને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે.

આસારામની કરમ કહાણીથી બધા વાકેફ જ છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા પર નરાધમ આસારામે એક ફાર્મ હાઉસ પર સેવા અને સારવારના નામે બોલાવીને તેણી પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના દિવસે FIR કરી હતી અને પોલીસ ઇંદોરથી આસારામને પકડી લાવી હતી. તેની સામે આરોપ સાબિત થયા અને કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામે જેલમાંથી બહાર આવવાના અનેક વખત હવાતિયાં માર્યા હતા, પરંતુ તે સફળ થયો નહોતો અને જોધપુર જેલની હવા ખાઇ રહ્યો છે.

એટલું જ નહીં આસારામને વધુ એક બળાત્કારના કેસમા આજીવન કેદની સજા થયેલી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને દોષિત માન્યો હતો. વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ કર્યો હતો. આ બનાવ અમદાવાદના મોટેરા આશ્રમમાં બન્યો હતો એટલે સુરત પોલીસે ઝીરો ફરિયાદ નોંધીને અમદાવાદના ચાંદખેડામાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.

આસારામએ દેશભરમાં આશ્રમો ઉભા કરેલા છે અને તેના લાખો ભક્તો છે. આ ભક્તો બળાત્કારની સજા પુરવાર થવા છતા આસારામને ગુનેગાર માનતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp