આ જિલ્લામાં AAP અને કોંગ્રેસના 700 કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા, રાજકારણ ગરમ

PC: facebook.com/CRPatilMP

ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા છે. 29 ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો 106મો કાર્યક્રમ સાંભળવા માટે ભાજપના નેતાઓ માંગરોળના વાંકલમાં ભેગા થયા હતા ત્યારે સી આર પાટીલે AAP અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરીને મોટો ખેલ પાડી દીધો હતો. લોકસભાની ચૂંટણીને હવે ઝાઝો સમય નથી રહ્યો ત્યારે આ ડેવલમેન્ટની મોટી અસર પડવાનું જાણકારો માની રહ્યા છે.

29 ઓકટોબર રવિવારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ ને સાંભળવા માટે સી આર પાટીલ સહિતના નેતાઓ માંગરોળના વાંકલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં બારડોલી વિધાનસભા 2022ના આમ આદમી પાર્ટીના ઉમદેવાર રાજેન્દ્ર સોલંકી અને ઉમરપાડા તાલુકા કોંગ્રેસના નેતા હરિશ વસાવા કાર્યકરોની ફોજ સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા. બંને પક્ષોના 700 જેટલાં કાર્યકરોએ પક્ષપલ્ટો કરી નાંખ્યો હતો.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે એક સાંધેને તેર તુટે જેવો ઘાટ થઇ રહ્યો છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને છેલ્લી બે લોકસભાથી ભાજપ આ બધી બેઠકો જીતતું આવ્યું છે. ગુજરાત ભાજપનો ગઢ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો મેળવી હતી અને કોંગ્રેસ માંડ 16 અને AAP 5 બેઠકો મેળવી શક્યું હતું. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પગ પેસારો કરવાનો સારો એવો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પછી પાર્ટી પોતાના કાર્યકરોને સાચવી શકી નથી. ભાજપ પોતાની મજબુત બેઠકો હોવા છતા 26 બેઠકો જાળવવા માટે માઇક્રો લેવલનું મેનેજમેન્ટ કરી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જીત્યા હતા, પરંતુ ધીમે ધીમે લગભગ 13 જેટલા કોર્પોરેટરોએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની નારાજગી વધતી જાય છે અને ભાજપ તેનો લાભ ઉઠાવી રહ્યું છે.

સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત હોદ્દેદારો, સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઇ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp