રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર આકર્ષક મહેંદીની ડિઝાઇનનો ક્રેઝ
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજનારા ઐતિહાસિક રામમંદિરના ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરના કરોડો લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સૌ કોઈ આ શુભપ્રસંગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશ આખો રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવમાં લીન છે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો પણ થઇ રહ્યા છે. આ કડીમાં જ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મુકવાનો પણ ક્રેઝ જોવાં મળી રહ્યો છે. સુરતમાં એનઆરઆઈ પટેલ પરિવારમાં પુત્રીના લગ્નપ્રસંગે ઘરના 65 જેટલાં સભ્યોએ હાથ પર "જય શ્રી રામ" અને "સીતા રામ" લખેલી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે. શુકનવંતી મહેંદીના રંગ સાથે રંગાઇને આ પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે. તેમણે રામ મંદિર માટે પોતાની શ્રદ્ધા પ્ગટ કરી છે.
એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. સુરતના પટેલ પરિવારે પુત્રી જાસ્મીનના લગ્નપ્રસંગે આકર્ષક ડિઝાઇનની લેટેસ્ટ થીમ આધારિત મહેંદી મુકવાનો આગ્રહ કરતાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મુકવાનો આઇડિયા ઉદ્ભવ થયો. જેમ ભગવાન રામના અયોધ્યા આગમન વખતે અનેરા ઉત્સાહનો સમય હતો તેવી જ રીતે મહેંદીના રંગ અને ડિઝાઇનને જોઇ મન ખુશીથી ઝુમી ઉઠે તેવી અને અનેરા ઉત્સાહની પ્રતીતી થાય તે રીતે મહેંદીની ડિઝાઇનની થીમ તૈયાર કરવામાં આવી.
નિમિષા પારેખે પટેલ પરિવારની પુત્રી માટે અનોખી બ્રાઇડલ મહેંદીની થીમ તૈયાર કરી છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પરિવાર સાથે અને અનેક દેવી દેવતાઓ પ્રસંગમાં હાજરી આપવા આવતા હોય તેમજ મંદિરના વિભિન્ન દ્રશ્યો તેવી રીતે ખુશીના ઉત્સવ સાથેની વારલી આર્ટ સાથે મહેંદી મુકવામાં આવી છે, જે જોતા જ મંત્રમુગ્ધ થઇ જવાય છે. પટેલ પરિવારના 65 જેટલાં સભ્યોએ હાથ પર "જય શ્રી રામ" અને "સીતા રામ" લખેલી અને આબેહૂબ ઉત્સવનો માહોલ હોય તેવી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે.
મહેંદી આર્ટ ક્ષેત્રે નિમિષા પારેખ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ અમેરિકામાં 350થી વધારે મહેંદી આર્ટિસ્ટોને તાલીમ આપી ચૂક્યા છે. તેઓ દેશના આર્ટ અને કલ્ચરને મહેંદી દ્વારા રિપ્રેઝન્ટ કરે છે. તેઓ હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરે છે. સુરતની એક એનઆરઆઈ બ્રાઈડને મુકેલી બ્યુટી ઇન બાયનરી મહેંદીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ઉપરાંત હાલમાં જ થોડા સમય પહેલાં બોલીવુડ સ્ટાર સની દેઓલના પુત્ર કરણના લગ્નમાં દેઓલ પરિવારના અનેક લોકોને તેમણે મહેંદી મુકી હતી. તેમણે સની દેઓલ, તેમના દીકરા કરણ, બોબી દેઓલ, દેઓલ પરિવાર તેમજ ત્યાં હાજર અન્ય મહેમાનોને મહેંદી મુકી હતી. મહેંદી સેરેમનીમાં સર્વ ધર્મ સમભાવની વિચારધારા અને ભાવના કેળવાય તેવા આશય સાથે મહેંદી મુકાવી અને તે સોશ્યલ મિડિયામાં ઘણી વાયરલ થઈ હતી.
નિમિષાબેનનું માનવું છે કે, "ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિમાં મહેંદી એક પરંપરા છે અને તેનું એક આગવું સ્થાન છે. મધ્યયુગના સમયથી, મહેંદી સ્ત્રીઓના 16 શણગારનો અભિન્ન ભાગ છે. મહેંદીનો રંગ જીવનમાં લાગણીના રંગ ઉમેરે છે. મહેંદી માત્ર સૌભાગ્ય, મેકઅપ અને સ્વાસ્થ્ય જ નહીં, એનાથી પણ ઘણું વધું છે. હાથ પર મહેંદીનો સુંદર લાલ રંગ ખુશી, પ્રેમ, ઉત્સાહ અને નારીના સન્માનનું પ્રતીક છે." નિમિષાબેન માત્ર મહેંદી દ્વારા નવુ સર્જન જ નથી કરતા પરંતુ, તેઓ આ આર્ટ દ્વારા ઘણી બધી બહેનોને રોજગારી પણ પૂરી પાડે છે. સાથે જ આ આર્ટ દ્વારા માજસેવાનું પણ કાર્ય કરે છે. તેઓ માત્ર સ્ટાઈલ કે સ્ટેટસ સિમ્બોલ માટે નહીં પરંતુ, કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા માટે મહેંદી આર્ટને આગળ વધારવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp