ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ બની ગઈ 2 વર્ષમાં 4 કરોડ ઉસેટી લીધા કોઈને ખબર ન પડી

PC: vtvgujarati.com

એક એવો ચોંકાવનરો કિસ્સો સામે આવ્યો છે કે એક ભેજાબાજ માણસે 2 વર્ષ સુધી સરકારી નકલી ઓફિસ ચલાવી અને સરકાર પાસેથી કરોડો રૂપિયાનું ફંડ પણ મેળવ્યું, બોલો, દેશમાં કેવું ધૂપ્પલ ચાલે છે, એક માણસે બે વર્ષ સુધી નકલી સરકારી ઓફિસ ઉભી કરી અને કોઇને કાનોકાન ખબર પણ ન પડી. જો કે હવે આ ગઠિયો પકડાઇ ગયો છે.

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે જેનું નામ સંદીપ રાજપૂત છે. સંદીપે સરકારી ઈજનેર હોવાનું બતાવીને રૂપિયા ભેગા કરી લીધા હતા, પરંતુ આ બધુ નકલી ઓફિસના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

સંદીપ રાજપૂતે જિલ્લાના બોડેલીમાં સિંચાઈ વિભાગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો અને પોતાને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગણાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સંદીપે 21 જુલાઈ, 2021ના રોજ નકલી ઓફિસ બનાવી અને તેનું નામ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પ્રોજેક્ટ, વિભાગ નં-2, બોડેલી રાખ્યું હતું. ત્યારબાદ 25મી ઓક્ટોબર 2023 સુધી તેમાં સંદીપ કામ કરતો રહ્યો હતો.

https://khabarchhe.com/uploads/mc_path/1698486145sandip.jpg

પોલીસના કહેવા મુજબ, રાજપૂતે એક કાર્યપાલક ઇજનેર તરીકે ઓળખાણ આપી અને સરકારી અધિકારી હોવાનો દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજો, સહીઓ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા. FIR મુજબ, આ સમયગાળા દરમિયાન તેણે કુલ 93 સરકારી પ્રોજેક્ટ્સ પણ હસ્તગત કર્યા જેના માટે તેને 4,15,54,915 રૂપિયાની રકમ પણ મળી. જિલ્લા કલેક્ટર કચેરીની વહીવટી કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતા જાવેદ મકનોજિયાની લેખિત ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી.

FIRમાં જણાવ્યા મુજબ,25 ઓક્ટોબરે જિલ્લા કલેક્ટર સચિન કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન ભંડોળની માંગ કરતી અરજી પર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડર વિલેજ ઈરીગેશન અને લિફ્ટ ઈરીગેશન સ્કીમ હેઠળના 12 કામો માટે રૂ. 3.78 કરોડની માંગણી કરતી અરજીઓ પર ચર્ચા થઈ ત્યારે અધિકારીઓને ખ્યાલ આવ્યો કે બોડેલીમાં કાર્યપાલક ઈજનેરની કોઈ કચેરી જ નથી.

એ પછી કલેકટરે તેની તપાસ શરૂ કરી હતી અને બોડેલી કચેરી દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેકટ અને તેને મળેલા ફંડની વિગતો માંગી હતી. FIR મુજબ, જુલાઈ 2021 થી 25 ઓક્ટોબર 2023 સુધી, રાજપૂતને 4,15,54,915 રૂપિયાનું સરકારી ફંડ મળ્યું હતું. છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસી પરમારે જણાવ્યું કે આ સંબંધમાં 26 ઓક્ટોબરે FIR નોંધવામાં આવી છે. આરોપી સંદીપ રાજપૂત ઉપરાંત તેના સહયોગી અબુબકર સૈયદની પણ ધરપકડ કરવામાં આવી છે. અબુબકર સૈયદ સ્થાનિક કોન્ટ્રાક્ટર પણ છે. કોઇ માણસે નકલી સરકારી ઓફિસ બનાવી હોય તેવો પહેલો કિસ્સો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp