ભાજપના સાંસદ વસાવાનો ગંભીર આક્ષેપ, પોલીસ દર મહિને 35 લાખ રૂપિયાનો હપ્તો લે છે

PC: facebook.com/mploksabhabharuch

ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધી કાગળ પર છે એ વાત ઘણી વાત સામે આવતી રહે છે, પોલીસો શરાબ માટે હપ્તા લે છે એવા આક્ષેપો પણ ઘણી વખત થતા રહે છે, પરંતુ ભાજપના ભરૂચના સાંસદે પોતે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ દર મહિને 35 લાખ રૂપિયા હપ્તો લે છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેમના જ સિનિયર નેતા જયારે આવો આરોપ મુકે તે ગંભીર બાબત છે. ભાજપના આ સાંસદ ઘમી વખત પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે.

ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા દારુબંધીની ચર્ચા ચાલતી રહે છે, કારણકે દારુબંધી હોવા છતા રાજ્યમાં ખુલ્લેઆમ શરાબનું વેચાણ થતું હોય છે અને સરકાર કડક કાયદાની વાત સતત કરતી રહે છે. પરંતુ ભાજપના જ સાંસદે ગુજરાતની દારૂબંધીના ખુલ્લેઆમ લીરા ઉડાવી દીધા છે.

ભાજપનો અત્યારે રાજ્યભરમાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને નેતાઓ તેમના વિસ્તારમાં ફરી ફરીને ઘરે ઘરેથી માટી એકત્ર કરી રહ્યા છે. એ કાર્યક્રમ અંતગર્ત ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યુ કે, નાંદોદના ચિત્રોલ- મયાસી ગામે મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ ચાલું થયું છે. ડેડીયાપાડાના સોલિયા ગામમાં પોલીસ દર મહિને 35 લાખ રૂપિયાનો હપ્તો લે છે.

ભાજપના સાંસદ વસાવાએ આગળ કહ્યુ કે, ભાજપના કાર્યકરો વ્યસન મૂક્તિ માટે દિવસ રાત કામ કરે છે અને બીજા લોકો પથારી ફેરવી નાંખે છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કાર્યક્રમમાં એમ પણ કહ્યુ કે, તિલકવાડામાં બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે. આવા લોકોને ખુલ્લાં પાડવા પડશે. વસાવાએ કહ્યું કે, આ બધું રોકવું પડશે નહીં તો યુવા પેઢી બરબાદ થઇ જશે.

મનસુખ વસાવાએ કહ્યું કે, ગમે તેટલા મોટો ચમરબંધી હોય તેમને ખુલ્લા પાડવાથી હું બિલકુલ ગભરાતો નથી.

મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વગર નિશાન સાધીને કહ્યું હતું કે, કેટલાંક નેતાઓ લોકોને દારૂ પિવડાવીને આખી રાત નચાવે છે. એવા નેતાઓની સમાજસેવા કરવાની આ રીત છે.અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp