ધ્રાંગધ્રામાં વીજળી પડવાને કારણે એક ભરવાડ અને 80 બકરાના મોત

PC: jagran.com

ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે આફત ઉભી કરી દીધી છે. એક તરફ ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે, નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે તો બીજી તરફ આઘાતજનક સમાચાર એ જાણવા મળ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધામાં વીજળી પડવાને કારણે એક માલધારી અને 80 બકરાના મોત થયા છે.માવઠાના મારમાં બિચારી અબોલ પશુઓએ જીવ ગુમાવવાની નોબત ઉભી થઇ છે.  હજુ બે મહિના પહેલા ઉત્તરકાશીના એક જંગલમાં વીજળી પડવાને કારણે 350 બકરાંના મોત થયા હતા.

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી કમોસમી વરસાદ રાજ્યના ઘણા બધા વિસ્તારોને ઘમરોળી રહ્યો છે. બુધવારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકાને કારણે એક માલધારી અને 80 બકરાં મોતને ભેટ્યા છે. ધાંગ્રધા તાલુકાના નરાળી, કોપરાણી, સતાપર, બાવરી, જસાપર, હરિપર, દુદાપુર અને નવલગઢ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ હજુ તો ગઇકાલેજ સુરેન્દ્રનગરના નાવીયાણી ગામમાં એક યુવાનનું વીજળી પડવાને કારણે મોત થયું હતું તો બુધવારે જસાપર ગામની સીમમાં ચેતન ભરવાડ નામનો યુવાન પોતાની બકરી ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડવાને કારણે ચેતનનું મોત થયું હતું અને તેની સાથેના 80 બકરાંના પણ મોત થયા હતા.

હવામાન વિભાગ સતત છુટાછવાયા કમોસમી વરસાદની સતત આગાહી કરતું આવ્યું છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો સતત આઠમા દિવસે અહીં કમોસમી વરસાદની હેલી ચાલું જ રહી છે. અમરેલીના રાજુલા અને કેટલાંક ગામડાંઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.બનાસકાંઠાના ધાનેરામાં વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો.

આ વખતના માવઠાંએ ખેડુતોના પાકને તો મોટું નુકશાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે જનજીવન પણ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 7 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બુધવારે સાંજે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp