સુરતમાં TRB જવાનો બેફામ, માચીસ માટે TRB જવાને બે MBBSના વિદ્યાર્થીઓને માર માર્યો

PC: youtube.com

સુરતમાં અવાર નવાર TRB જવાનોની દાદાગીરીના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતમાં TRB જવાનની દાદાગીરી સામે આવી છે. જેમાં એક યુવક પાસે મોડી રાત્રે TRB જવાને માચીસની માગણી કરી હતી પરંતુ માચીસ આપવામાં થોડી વાર લાગતા TRBના જવાને MBBSના બે વિદ્યાર્થીઓ સાથે મિત્રોની સાથે મળીને મારામારી કરી હતી અને આ સમગ્ર મામલે MBBSના વિદ્યાર્થીઓએ TRB જવાન સામે ફરિયાદ પણ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર સુરતના મજૂરાગેટ વિસ્તારમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો રવિકુમાર નામનો યુવક MBBSની પરીક્ષા માટે ફાઇનલ યરમાં અભ્યાસ કરતો અંકિત નામના યુવક સાથે ગત રાત્રે ચા પીવા ગયો હતો.

બંને મિત્રો અંકિતની બાઇક લઇને ઉધના નહેર પાસે આવેલા રોકડીયા હનુમાન મંદિર પાસે ચા પીવા ગયા હતા ત્યાં ગણેશ નામના TRB જવાને અંકિત પાસેથી માચીસ માગી હતી ત્યારે અંકિતે માચીસ આપું છું તેવું કહેતા ગણેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ ગણેશે અંકિતના હાથમાંથી માચીસનું બોકસ લઇને તેની સાથે ગાળાગાળી કરી હતી.

ગાળાગાળી કર્યા પછી ગણેશ નામના TRB જવાને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓને બોલાવીને રવિકુમાર અને અંકિતને માર માર્યો હતો. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ગણેશે તેના હાથમાં પહેરેલું કડું અંકિતના માથાના ભાગે મારતા અંકિતને ઈજા થતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે અંકિતના મિત્ર રવિકુમારે તાત્કાલિક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ નામના TRB જવાન અને તેના બે અન્ય સાગરિતો સામે ફરિયાદ નોંધાવી હતી.

હવે જોવાનું એ રહે છે કે, આગામી દિવસોમાં પોલીસ દ્વારા MBBSના બે વિદ્યાર્થીઓને માર મારનારા TRB જવાન અને તેના બે મિત્રો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. આ અગાઉ પણ સુરતમાં TRB જવાનની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અગાઉ TRB જવાને બાઇક ચાલકને રોકીને તેની પાસે પૈસાની માગણી કરી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલાં સુરતના વેડરોડ વિસ્તારમાં TRBના જવાનોએ એક ટેમ્પાને આંચરીને ટેમ્પા ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાનો પણ કિસ્સો સામે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp