પતિની બીજી પત્નીએ પરિણીતાને કહ્યું, 'તારો પતિ મારો છે, જે કરવું હોય તે કર'
રાજ્યમાં પતિ-પત્ની અને વોના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં ફરીથી એક વખત પતિ-પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પતિ સસરા અને દિયરથી કંટાળીને પરિણીતાએ પોતાના ઘરે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેઓ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળ પરથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. હાલ પોલીસે પરિણીતાને ન્યાય અપાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના ગોતા વિસ્તારમાં પરિવારની સાથે રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2006માં થતા હતા. લગ્ન જીવનમાં પરિણીતાને બે સંતાન છે. પરિણીતાએ પોતાના સાસરીયાઓ અને પતિના ત્રાસના કારણે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા પોલીસને પરિણીતાએ આપઘાતના પ્રયાસ પહેલા લખેલી એક સ્યૂસાઇડ નોટ મળી હતી.
પરિણીતાએ સ્યૂસાઇડ નોટમાં સસરા અને દિયર પર આક્ષેપો કર્યા હતા કે, સસરા અવાર નવાર શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણી કરતા હતા અને જ્યારે આ બાબતે પરિણીતા સાસુને માહિતી અપાતી હતી ત્યારે સાસુ કહેતા હતા કે, એ તો માંગણી કરે અને તારે પૂરી પણ કરવી પડે. સસરા ઉપરાંત દિયર પણ પરિણીતાની પાસેથી અવાર નવાર બીભત્સ માંગણી કરતો હતો. પરિણીતાએ સ્યૂસાઇડ નોટમાં સસરા ક્યારેક દારુના નશામાં છેડતી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પરિણતાએ પતિ સામે સ્યૂસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, પતિએ બીજા ધર્મની એક યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેને એક સંતાન પણ છે. સાસરીયામાં કોઈ પણ વ્યક્તિ કમાવા માટે જતા નથી. તેઓ કોલ સેન્ટર ચલાવીને લોકોને છેતરે છે, તો ક્યારેક પૈસાની જરૂર પડતા સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો પણ કરે છે. પરિણીતાએ સ્યૂસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે, પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તે કહેતી હતી કે, તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું તારે જે કરવું હોય તે કર.
મહિલાએ સ્યૂસાઇડ નોટમાં સાસરીયાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હોવાના કારણે અમદાવાદની સોલા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમને વર્ધિ મળી છે અને મહિલાને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવશે અને નક્કર કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp