ભારત-પાકિસ્તાનની મેચ રદ કરો નહીં તો પીચ ખોદી નાંખીશુંઃ AAP ધારાસભ્ય મકવાણા

PC: gujaratcricketassociation.com

બધુ રંધાઇ ગયા પછી હવે ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ધમકી આપી કે ભારત-પાકિસ્તાન મેચ રદ કરો નહીં તો અમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાંખીશું.

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની મેચો ભારતમાં શરૂ થઇ ગઇ છે અને 14 ઓકટોબર શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. બધી તૈયારીઓ થઇ ચૂકી છે. પાકિસ્તાનની ટીમ પણ ગુજરાત આવી ચૂકી છે. હવે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ધમકી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચની મેચ રદ કરી દેવામાં આવે, નહીં તો અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાની પીચને ખોદી નાંખીશું. થોડા દિવસ પહેલા ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સ્ટેડીયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં અમદાવા ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી કરણ દરિયાવની ધરપકડ કરી છે. હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં પાર્ટીના દંડક ઉમેશ મકવાણાએ એક વીડિયો જારી કરીને પીચ ખોદી નાંખવાની ધમકી આપી છે.

ઉમેશ મકવાણાએ વીડિયોમા કહ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે પાકિસ્તાન સાથેની મેચ રમાવવાની છે. આમ આદમી પાર્ટી આ મેચની વિરુદ્ધમાં છે. ગુજરાતની ધરતી પર પાકિસ્તાનની ટીમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે શરમજનક બાબત છે. અમારી માંગ છે કે સરકાર આ મેચને રદ કરે.

મકવાણાએ સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે, ડબલ એન્જિન સરકાર રાષ્ટ્રવાદના નામ પર ખોટી વાતો કરી રહી છે. ભારત પર સતત આતંકવાદી હુમલાઓ થઇ રહ્યા છે, પુલવાને ભૂલી શકાય તેમ નથી. એટલે અમારી માંગ છે કે ભારત-પાકિસ્તાનની મેચ તાત્કાલિક રોકી દેવામાં આવે.મકવાણાએ કહ્યુ કે, જો સરકાર મેચ રદ નહીં કરે તો અમે પીચ ખોદી નાંખીશું. એક હાથમાં બેટ અને બીજા હાથમાં હથિયારનો મેળ ન ખાય. જ્યારે શહીદોનું લોહી વહી રહ્યું હોય ત્યારે મેચ રમવી યોગ્ય નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસે ખૂબ જ નક્કર વ્યવસ્થા કરી છે. અમદાવાદ પોલીસે સ્ટેડિયમ અને મેચ દરમિયાન સુરક્ષા માટે 10 હજાર જેટલા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. પાકિસ્તાનની ટીમના અમદાવાદમાં આગમનને લઈને હોટલ અને સ્ટેડિયમ વિસ્તારો અને ખેલાડીઓને જોડતા રસ્તાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp