સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ત્યારે 90 કરોડના જમીન કેસમાં વસંત ગજેરા સામે ગુનો

PC: vasant gajera

સુપ્રીમ કોર્ટના આદેશ પછી આખરે સુરતની પાલ વિસ્તારની કરોડો રૂપિયાની જમીનના કેસમાં જાણીતા ડાયમંડ કિંગ અને બિલ્ડર વસંત ગજેરા સહિત 5ની સામે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો લગાવી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના પાલ વિસ્તારમાં મહેસાણામાં રહેતા 82 વર્ષના મહિલા લક્ષ્મીબેન સુરતીના નામથી બે વડીલોર્પાજિત જમીન છે. વર્ષ 2012માં આ જમીનનો સોદો દલાલ મારફતે આદિત્ય હડકીયા અને તેના હીરાલાલ હડકીયાએ 90 લાખ રૂપિયામાં કર્યો હતો. તે વખતે 8 વારસદારોને 11-11 હજાર રૂપિયા રોકડા અને બાકીની રકમ હપ્તાથી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ આદિત્ય હડકીયા ખેડુતોના નામની બોગસ સહી કરીને આ જમીન વસંત ગજેરા, બકુલ ગજેરા, ધર્મેશ હપાણી અને હીરાલાલ હડકીયાના નામે કરી દીધી હતી. આજે જમીનનની વેલ્યૂ લગભગ 90 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.

લક્ષ્મીબેન સુરતીએ વર્ષ 2018માં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આ કેસમાં કશું કર્યું નહોતું. એટલે લક્ષ્મીબેન સુરતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા પાલ પોલીસે આદિત્ય હડકીયા, હીરાલાલ હડકીયા, વસંત ગજેરા, બકુલ ગજેરા અને ધર્મેશ હપાણી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ પાંચેયની સામે IPCની કલમ 467, 471, 420 લગાવી છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી એમ. ડી. ઉપાધ્યાયએ કહ્યું હતું કે, પરમ દિવસે રાત્રે આ ગુનો નોંધવામાં આવ્યો છે. બધા દસ્તાવેજો તપાસવામાં આવશે અને એ પછી પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp